ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સીસીટીવી ફળ્યું લાગે છે. દસમા અને બારમાં ધોરણની પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં ગેરરીતિના 400થી વધુ કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. તેમા બારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 226 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે દસમા ધોરણમાં 170 કેસ નોંધાયા છે. જ્યારે 12 સાયન્સમાં 14 કેસ નોંધાયા છે.
આ અંગે જિલ્લા કક્ષાએ સુનાવણી કર્યા પછી કેસની વિગત શિક્ષણ બોર્ડને મોકલવામાં આવી છે. જો કે આગામી સમયમાં હવે આ બધા વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા રૂબરુ સુનાવણી માટે બોલાવવામાં આવશે આ દરમિયાન દોષિત વિદ્યાર્થીઓને નિયત સજા કરવામાં આવશે.
દસમા અને બારમા ધોરણના 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થઈ હતી. શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની કુલ 5,378 સ્કૂલ બિલ્ડિંગના 54,294 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ તમામ બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ હતા.
શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ પરીક્ષા દરમિયાન એટલે પ્રથમ દિવસની પરીક્ષા પૂરી થયાના બે દિવસમાં જ સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ સીસીટીવી ફૂટેજની ચકાસણી પૂરી થયા બાદ જ્યાં શંકા જણાઈ હતી તેવા કેસ નોંધવામાં આવ્યા હતા.
શંકાસ્પદ લાગતા તમામ વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાએ હીયરિંગગ હાથ ધરવામાં આવ્યું હતું. હીયરિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ ગેરરીતિ કરી હોવાનું સ્વીકારી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ પછી તમામ જિલ્લાઓ ફાઇનલ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપી છે.
અહીં નોંધવાલાયક બાબત એ છે કે ચાલુ પરીક્ષા દરમિયાન સ્થળ પર આ વખતે 41 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમા પણ સૌથી વધુ 19 કેસ બારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા. જ્યારે દસમા ધોરણમાં 15 કેસ અને બાર સાયન્સમાં સાત કેસ નોંધાયા હતા. ગુજકેટમાં પણ એક કેસ નોંધાયો હતો. આ તમામનું બોર્ડ દ્વારા આગામી દિવસોમાં રૂબરુ હીયરિંગ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ