IAS Banchhanidhi Pani: સુરત (Surat) માં પ્લેગ (Plague) ફાટી નીકળ્યો ત્યારે તે સમયે સુરતને ગુજરાતના સૌથી ગંદકીવાળા શહેરોમાં એક ગણવામાં આવતુ હતુ. અહીં પ્લેગના રોગચાળા માટે પણ ગંદકીને જ જવાબદાર ગણવામાં આવી હતી. આ રોગચાળો ખતમ થયા પછી સુરતને સ્વચ્છ કરવાની જવાબદારી એક નવાસવા યુવાન મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવામાં આવી હતી. આ નવયુવા કમિશ્નરે સુરતને સ્વચ્છ બનાવવાની કામગીરી એવી રીતે નીભાવી કે ગંદકી માટેનું કુખ્યાત સુરત આજે ગુજરાતના જ નહીં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન પામે છે. સુરતને આ હરોળમાં મૂકનારા નવયુવા મ્યુનિસિપલ કમિશ્નર બીજું કોઈ નહીં પણ ગુજરાત કેડરના IAS અધિકારી બંછાનિધી પાની (Banchhanidhi Pani) હતા.
બંછાનિધિ પાનીની કોવિડ દરમિયાન ઝળહળતી કામગીરી
બંછાનિધિ પાનીએ સુરતમાં કોવિડ (Covid) દરમિયાન સફળ કામગીરી કરી હતી અને કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે બંછાનિધિ પાનીએ અપનાવેલા મોડેલે તેમને રાષ્ટ્રીય સ્તરે પણ નામના અપાવી હતી. તેઓ પોતાને સુરતમાં સુરતીલાલાથી અલગ સમજતા નથી. તેમણે પોતે જ જણાવ્યું હતું કે સુરત 20 લાખથી પણ વધુ ઓડિશાવાસીઓનું ઘર છે. તેથી આજે પણ સુરતથી ઓડિશા જનારા લોકો માટે સુરત રિટર્ન જેવો શબ્દપ્રયોગ થાય છે.

ત્રણ ભાષા પર સમાન પ્રભુત્વ
ગુજરાત કેડરના (Gujarat Cadre) આ આઇએએસ અધિકારીએ સંબલપુર યુનિ.માંથી આર્ટ્સમાં અંગ્રેજી સાથે સ્નાતકની અને તેના પછી ઉત્કલ યુનિ.માંથી પોલિટિકલ સાયન્સમાં એમ એની ડિગ્રી મેળવી છે. તેના પછી તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એમ ફિલ કર્યુ હતુ. તે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી પર એકસમાન પ્રભુત્વ ધરાવે છે. તે સ્પષ્ટપણે માને છે કે એક સરકારી અધિકારી જે પ્રાંતમાં કામ કરતો હોય તેને ત્યાંની ભાષા આવડવી જ જોઈએ. આ બાબત વધારે કાર્યક્ષમ વહીવટમાં મદદરૂપ નીવડે છે.

વિવિધ શહેરોમાં સફળ સંચાલન
સુરત પછી ભાવનગર, રાજકોટ અને વડોદરા શહેરમાં પણ તેઓ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમને તેમની કામગીરી બદલ સરકારના અનેક એવોર્ડ પણ મળ્યા છે. હાલમાં તે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકેની જવાબદારી સંભાળે છે. તે સ્વીકારે છે કે ડિજિટાઇઝેશનના આ યુગમાં દરેક સરકારી કામકાજ ડિજિટાઇઝ થઈ રહ્યા છે ત્યારે તેની સાથે ભૌતિક કામગીરીનો મેળ બેસાડવો સૌથી મોટો પડકાર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રસ્તા પરના ખાડાના ફોટા તરત વાઇરલ કરી શકાય છે, પણ તે તાત્કાલિક ભરાતા નથી. આ બધી કામગીરી પ્રક્રિયા મુજબ જ કરવી પડે છે. આ પ્રક્રિયા સમય માંગી લે છે અને લોકો રાહ જોવા તૈયાર નથી. તેથી વાસ્તવમાં કામ જ એ રીતે કરવું પડે કે રસ્તા પર ખાડા પડે જ નહી, પછી ભરવાનો જ વખત ન આવે.

સફળતાએ અપાવ્યા વિવિધ એવોર્ડ
તેમને સ્વચ્છ સર્વેક્ષણ 2024નો એવોર્ડ મળ્યો હતો. તેમનો જન્મ ઓડિશાના સુંદર ડિસ્ટ્રિક્ટમાં રાહુલા ખાતે 1976માં થયો હતો. તેમના માતાપિતા આજે પણ ત્યાં રહે છે. બંછાનિધિ પાની તેમની કારકિર્દીમાં વિવિધ એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેમા ગ્રામીણ વિકાસમાં અમદાવાદમાં 2012-13માં બેસ્ટ ડીડીઓ, સાબરકાંઠામાં 2014-15માં બેસ્ટ કલેક્ટર, 2017માં ખર્ચઅસરકાર શહેરી આવાસ યોજનાની ડિઝાઇન માટે હુડકો, અર્બન ડેવલપમેન્ટ કેટેગરીમાં વિશ્વના સૌથી મોટા હાઉસિંગ ક્લિનિંગ લેસન માટે ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો એવોર્ડ તથા પરિવહન ક્ષેત્રમાં બેસ્ટ સિટી બસ સર્વિસનો એવોર્ડ મળ્યા છે.
આમ વિવિધ ભૂમિકાઓમાં સફળતાપૂર્વક અને અસરકારક રીતે કામ કરવા બદલ આજે તે સરકારના ગુડ લિસ્ટમાં છે. તેના કારણે તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશ્નર તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
