Dahegam News/ હવે સરપંચો બનશે બાતમીદાર?: યુવકના શંકાસ્પદ મોત બાદ દહેગામ પોલીસ એક્શનમાં

Dahegam Youth Suspicious Death: દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે બુટલેગરના ત્યાં ગયા બાદ સુરેશ ચૌહાણ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું છે. પોલીસે દારૂના અડ્ડાઓની બાતમી મેળવવા સરપંચોનું વૉટ્સએપ ગ્રુપ બનાવતા વિવાદ.

Gujarat Gandhinagar Top Stories
Dahegam Youth Suspicious Death

Dahegam Youth Suspicious Death: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં તાજેતરમાં બનેલી એક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. દહેગામના વાસણા સોગઠી ગામે બુટલેગરના અડ્ડા પર દારૂ પીવા ગયેલા એક આશાસ્પદ યુવકના રહસ્યમય મોત બાદ જનતામાં દારૂના દૂષણ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ચકચારી મામલાની ઉચ્ચ સ્તરે ગંભીર નોંધ લેવાતા દહેગામ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. જો કે, આ ઘટના પછી દહેગામ પોલીસે બૂટલેગરો પર સીધો જ સકંજો કસવાને બદલે તાલુકાના સરપંચોનું એક ખાસ વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમને જ પોલીસના ‘બાતમીદાર’ બનાવવાની નવી સ્કીમ શરૂ કરી છે. પોલીસના આ અખતરાથી સ્થાનિક સરપંચો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને પોલીસ બેડામાં પણ આ આખો મુદ્દો જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.

Dahegam : ફોન આવ્યો અને 10 મિનિટમાં યુવક ગુમ થઈ ગયો!

આ હૃદયદ્રાવક અને શંકાસ્પદ ઘટનાની વિગત એવી છે કે, દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના મોટાવાસ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ દિલીપસિંહ ચૌહાણનું ગત 4 જૂનના રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. મૃતક સુરેશભાઈના પરિજનોએ બુટલેગર પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે, 4 જૂનની રાત્રે પોણા નવ વાગ્યે ગામમાં દેશી દારૂ વેચતા એક સ્થાનિક બુટલેગરે પરિવારને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, સુરેશભાઈ દારૂ પીવા માટે તેમના ઘરે આવ્યા છે, જેથી તેમને અહીંથી લઈ જાવ. આ ફોન આવ્યાની બરાબર દસ મિનિટ પછી બુટલેગરે ફરી ફોન કરીને જણાવ્યું કે સુરેશભાઈ અહીંથી નીકળી ગયા છે. જો કે, પરિવાર જ્યારે તાત્કાલિક અડ્ડા પર પહોંચ્યો ત્યારે ત્યાં બુટલેગર કે સુરેશભાઈ બંનેમાંથી કોઈ હાજર નહોતું.

Dahegam Youth Suspicious Death

અંતે 2 કિમી દૂર ગરનાળા પાસેથી મળી લાશ

બુટલેગરના ઘરથી નીકળ્યા બાદ સુરેશભાઈ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં પરિવારે આજુબાજુના વિસ્તારમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ગામથી આશરે બે કિલોમીટર દૂર શિયાવાડા કુઈ ચોકડીથી ભાટઈ ગામ તરફ જવાના રસ્તે ખાત્રીબાના ગરનાળા પાસે રોડની સાઈડમાંથી સુરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. મામલો ઉગ્ર બને તે પહેલા જ દહેગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો મેળવી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

હત્યાના આક્ષેપ બાદ પેનલ ડૉક્ટરો પાસે કરાયું PM

આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “મૃતકના પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી અમે પારદર્શિતા જાળવવા મૃતકનું પેનલ ડૉક્ટરો મારફતે ખાસ વિડીયો શૂટિંગ સાથે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પ્રાથમિક તપાસમાં શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી. મૃતક દારૂ પીવાની ટેવ વાળો હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ બીમારીના લીધે મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે, છતાં અમે પીએમ (Post-Mortem) રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”

Dahegam Youth Suspicious Death

બુટલેગરોની બાતમી માટે પોલીસની નવી સ્કીમ

આ ઘટનાની ગાંધીનગર ઉચ્ચ પોલીસ વહીવટી તંત્ર દ્વારા કડક નોંધ લેવામાં આવતા સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે. પોતાના ફિલ્ડ ઇન્ટેલિજન્સના નબળા નેટવર્કને ઢાંકવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા પોલીસે હવે દહેગામ તાલુકાના ગામડાના સરપંચોનો સહારો લીધો છે. પોલીસે ગામના જવાબદાર સરપંચોનું એક વૉટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે, જેમાં સરપંચોએ તેમના ગામમાં ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગરોની ગુપ્ત બાતમી પોલીસને આપવાની રહેશે.

પોલીસની આ નવતર સ્કીમથી દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનું બજાર ગરમ થયું છે. સરપંચો અવઢવમાં મુકાઈ ગયા છે કે જો તેઓ બુટલેગરોની બાતમી પોલીસને આપશે અને માહિતી લીક થશે, તો ગામમાં તેમની સુરક્ષા અને સ્થાનિક દુશ્મનાવટનું જોખમ વધી શકે છે. બીજી તરફ પોલીસ સીધો એક્શન લેવાને બદલે સરપંચોને કેમ આગળ ધરી રહી છે, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.


આ પણ વાંચો :  દહેગામ કોંગ્રેસમાં સન્નાટો! પાલિકા ચૂંટણીમાં હાર બાદ બાદ શહેર પ્રમુખે છોડ્યું પદ

આ પણ વાંચો :  દહેગામના કડજોદરામાં સામાન્ય ઠપકા બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ, એકનું મોત

આ પણ વાંચો : દહેગામમાં દૂધ ખરીદી વિવાદ, પશુપાલકોનો વિરોધ, રસ્તા પર દૂધ રેડીને પ્રદર્શન