Bhuj News : પોલીસ ક્યારેક મર્યાદા અને માનવતા નેવે મુકી દેતી હોયછે. આ પ્રકારના એક બનાવમાં ભુજમાં નડતરરૂપ લારીઓ ખસેડતી વખતે ટ્રાફિક PI એ ફળ વિક્રેતા વૃધ્ધા અને મહિલાને ધક્કા મારીને જીપમાં બેસાડી દીધા હતા. બીજીતરફ આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા વિવાદ વકર્યો છે. આ બનાવની વિગત મુજબ ભુજના ત્રિકોણ બાગથી અનમ રિંગ રોડ સુધી ટ્રાફિકને નડતરરૂપ બનેલા લારીવાળાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ગઈકાલે (7મી જૂને) પાલિકાએ લારીઓ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી, જે દરમિયાન બબાલ સર્જાઈ હતી.
તેમાં શહેર ટ્રાફિક પીઆઈ દ્વારા વૃદ્ધા અને એક મહિલાને ધક્કા મારીને જીપમાં બેસાડતાં વિવાદ ઊભો થયો છે. મહિલા પોલીસ હોવાછતાં પીઆઈએ પોતાની મર્યાદા લાંધીને બંનેને ધક્કા મારી ગાડીમાં બેસાડી હતી. આ ઘટનાને પગલે વિવાદ વકર્યો છે. દરમિયાન પીઆઈ કાયદો વ્યવસ્થાની દૂહાઈ દઈને તેમણે કરેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે.
ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા લારીધારકો માટે સુધરાઈ દ્વારા ઓપન એર થિયેટર ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને અનુરૂપ 100 જેટલા ધંધાર્થીઓને ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. તેમ છતાં, કેટલાક લારીધારકો સવાર બાદ ત્રિકોણ બાગથી અનમ રિંગ રોડ સુધી ગોઠવાઈ જતાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી.લારીઓ જપ્ત કરવાની કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓ અને ધંધાર્થીઓ વચ્ચે ઉગ્ર તણાવ સર્જાયો હતો. આ તણાવને શમાવવા માટે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં નારાજગી ફેલાઈ છે.ભુજ શેરી ફેરિયા મંડળના સંયોજક મોહમદ લાખાએ આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું કે, “પાલિકાએ જે લારીઓ જપ્ત કરી છે, તેમાં કેટલાક એવા ધંધાર્થીઓની લારીઓ પણ છે, જેઓ માટે ઓપન એર થિયેટર ખાતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ઉપરાંત, તંત્રના કર્મચારીઓ દ્વારા મારકૂટ કરવામાં આવી હતી, જે અયોગ્ય છે.”ઘટનાના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા ઉંમરનો ખ્યાલ રાખ્યા વિના બુઝુર્ગ મહિલાને બળપૂર્વક જીપમાં બેસાડવામાં આવી હતી.
આ ઘટનાને લઈને મંડળના પ્રમુખ મયૂર ગોરે વાંધો ઉઠાવતા તેમને પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. મંડળના આગેવાનોનું કહેવું છે કે, “પાલિકા દ્વારા કાયમી ઉકેલ માટે તમામ ધંધાર્થીઓ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે.”શહેર ટ્રાફિક પીઆઈ રાજપૂતે જણાવ્યું કે, “પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે બળપ્રયોગ કર્યો હતો. ધંધાર્થીઓ ગાળી-ગલોચ કરતા હતા અને સમજાવ્યા છતાં માનતા ન હતા, જેના કારણે તેમને ગાડીમાં બેસાડી દૂર કરાયા હતા.”ઘટનાક્રમ બાદ પણ ત્રિકોણ બાગ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા યથાવત છે.
આ મામલે પાલિકા અને ધંધાર્થીઓ વચ્ચે તણાવ યથાવત રહેતા કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત છે.આ ઘટનાના વીડિયો વાઇરલ થતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. બળપ્રયોગ અને ધંધાર્થીઓ સાથેના વર્તન અંગે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે તાત્કાલિક ઉકેલ લાવવા માટે તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે સંવાદ જરૂરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં દિલ્લી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા
