ગુજરાત/ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

રાજ્ય કક્ષાના ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ ‘‘સ્વાતંત્ર્ય દિન’’ની ઉજવણી માટે સરકાર દ્વારા વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે

Gujarat
1 11 રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

રાજ્ય કક્ષાના ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ ‘‘સ્વાતંત્ર્ય દિન’’ની ઉજવણી માટે સરકાર દ્વારા વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ પર્વની શાનદાર ઉજવણી થાય તેવા શુભ આશય સાથે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. ૧૧ જુલાઈ ૨૦૨૩ના રોજ સાંજે ૪-૪૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રીએ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.

વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસંધાને પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓને માહિતી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સાંજે ૪-૨૫ કલાકે રાજયપાલ દેવવ્રત આચાર્યની અધ્યક્ષપણા હેઠળ એટહોમ કાર્યક્રમ વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાશે. જેમાં રાજ્યપાલશ્રી જિલ્લાના સન્માનીય નાગરિકો સાથે મુલાકાત કરશે.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાંજે ૬-૩૦ કલાકે વાપીના બલીઠા ખાતે આવેલી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પુરૂષ અધ્યાપન મંદિર, પી.ટી.સી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે જેને માણવાની તક નાગરિકોને મળશે. તા. ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વના દિવસે સવારે ૯ કલાકે વલસાડ તાલુકાના ધમડાચી ગામની હદમાં ને.હા. નં. ૪૮, ઔરંગા નદીની બાજુમાં સીડ બેંક લેબોરેટરીની સામે આવેલી એ.પી.એમ.સી. માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. સાથે સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાશે.

આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં બજેટમાં મંજૂર થયેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ આ પ્રસંગે કરવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.

મયુર જોશી – વલસાડ