Lifestyle: દેશના કેટલાય ભાગમાં હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને આ મસ્ત મજાના ગુલાબી સર્દ મોસમમાં કંઇક ગરમાગરમ અને ચટપટું જેમ કે મેથી-બટાટાના ગોટા (Aloo Methi Pakora) મળી જાય તો મજા પડી જાય! અમુક પ્રખ્યાત સ્થળોના ગોટા-ભજીયા વગેરે ફરસાણ ખૂબ વખણાય છે પરંતુ, ઘરે ગરમાગરમ ચા સાથે ભજીયા કે ગોટા મળી જાય તો ક્યા બાત હૈ!! અહિં અને તમને જણાવીશું, શિયાળુ સ્પેશિયલ ક્રિસ્પી મેથી-બટાટાના ગોટાની રેસિપી (Aloo Methi Pakora Recipe)…

શિયાળુ સ્પેશિયલ મેથી-બટાટાના ગોટાની રેસિપી (Aloo Methi Pakora Recipe)
શિયાળાની મસ્ત મોસમ શરુ થઇ ગઈ છે અને સૌને હવે આ ઠંડીની ઋતુમાં ભાત-ભાતનું ખાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પકોડા (Pakora), ભજીયા અને ગોટા જેવા ફરસાણ ખાઇને આવે છે! બહાર બજારમાં મળતા ગોટા કે ભજીયા કરતા ઘરે જ શુદ્ધ રીતે બનાવેલા ફરસાણ ખાવા હૅલ્થ માટે તો ઉત્તમ જ છે, વળી કુટુંબ સાથે મળીને ખાવાનો આનંદ જ કંઇ ઓર છે!
શિયાળા (Winter)માં ગરમાગરમ અને તળેલી વાનગીઓ (Fried Dishes) ખાવાની ઘણી જ મજા પડે છે! જો તમે નાસ્તામાં કશુંક ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખાવા માગતા હો તો મેથી-બટાટાના ગોટા (Aloo Methi Pakora) બનાવી શકો છો. તમે મેથીની ભાજીનો ઉપયોગ કરીને એમાં બાફેલા બટાટા મિક્સ કરીને અત્યંત ગોટા વડા બનાવી શકો છો. આ ફરસાણને તમે નાસ્તામાં ગરમાગરમ ચા સાથે સર્વ કરી શકો છો અને એને ખાતાવેંત બધાની સ્વાદેન્દ્રિયો (Taste Buds) ખૂલી જશે અને તૃપ્ત થઇ જશે! વિશેષ તો એ છે કે, મેથી-બટાટાના ગોટા (Aloo Methi Pakora) બનાવવા સરળ છે અને તમે ગણતરીની સામગ્રી વડે જ સૌનો ફેવરિટ ટેસ્ટી નાસ્તો (Breakfast) બનાવીને તૈયાર કરી શકો છો.

મેથીના સ્વાસ્થ્ય વિષયક ગુણ
મેથીની ભાજી આપણી હૅલ્થ (Health) માટે અત્યંત ફાયદાકારક હોય છે. એમાં સારી એવી માત્રામાં ફાઇબર, આયર્ન અને અન્ય પોષક તત્વો (Fiber, Iron etc. Nutrition) હોય છે જે આપણા પાચન (Digestion) ને સુચારુ રાખવામાં મદદ કરે છે. જો તમારા ઘરમાં બાળકો (Children) લીલા શાકભાજી ખાવામાં મોં બગાડતા હોય તો એમને આ મેથી-બટાટાના ગોટા (Aloo Methi Pakora) બનાવીને ખવડાવશો તો હોંશે-હોંશે ખાશે! આ ગોટા પોચા હોવાથી વડીલવર્ગ પણ એને ખાઇ શકે છે.
શી રીતે બનાવશો મેથી-બટાટાના ગોટા?
મેથી-બટાટાના ગોટા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 નંગ મધ્યમ આકારના બટાટા
1 કપ તાજી મેથી
4-5 ઝીણા સમારેલા લીલા મરચા
1 કપ બેસન
1 નાની ચમચી અજમો
1/2 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. મેથી-બટાટાના ગોટા (Aloo Methi Pakora) બનાવવા માટે સૌપ્રથમ બટાટા (Potato)ને બાફી લેવા. મેથીની ભાજી (Fenugreek leaves)ને બે વાર સાફ પાણીથી ધોઇને થોડી કોરી કરીને ઝીણી સમારી લેવી.
2. એક વાસણમાં બાફેલા બટાટાને છીણી લેવું. હવે એમાં મેથી, બેસન, હળદર, લાલ મરચું, લીલા મરચા અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરવું. અજમો હાથેથી મસળીને ઉમેરવો.
3. જરુર જણાય તો થોડું પાણી ઉમેરવું પરંતુ મિશ્રણ બહુ ઢીલું ન થઇ જાય એનું ધ્યાન રાખવું. પકોડા તળી શકાય એવી કન્સિસ્ટન્સી રાખવી અને એને સારી રીતે ફેંટી લેવું. તમે ઈચ્છો તો આ મિશ્રણમાં ઝીણી સમારેલી ડુંગળી (Onion) પણ ઉમેરી શકો. આ વૈકલ્પિક છે.
4. હવે એક તાવડીમાં તેલ (Oil) ગરમ કરવા મૂકવુ, સીંગતેલ હોય તો વધારે સારું રહેશે. જ્યારે એ સારી રીતે ગરમ થઇ જાય ત્યારે આ મિશ્રણમાંથી નાના-નાના ગોટા તેલમાં નાખતા જાઓ અને પ્રથમ ફાસ્ટ તાપે ગોટા ઉમેરી દો પછી ગૅસને ધીમાથી મધ્યમ તાપે કરી દેવો.
5. એને પલટાવતા રહીને સોનેરી અને ક્રિસ્પી (Crispy)થાય ત્યાં સુધી તળી લેવા. હવે આ તૈયાર મેથી બટાટાના ગોટાને ટિશ્યૂ પેપર પર કાઢી લેવા જેથી એનું વધારાનું ઓઇલ શોષાઇ જાય.
તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ગરમાગરમ મેથી બટાટાના ગોટા (Aloo Methi Pakora)! એને તમે ચા, ચટણી, કેચઅપ (Tea, Kechup, Chutney) વગેરે સાથે સર્વ કરી શકો છો અને શિયાળાના આ મજેદાર ફરસાણની મોજ માણી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
