IND Vs NZ/ દક્ષિણ આફ્રિકાનાં બોલર શોન પોલોકને પાછળ છોડી અશ્વિને તોડ્યો આ ખાસ રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ બોલર શોન પોલોકને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો છે.

Sports
અશ્વિન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ બોલર શોન પોલોકને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ ટેસ્ટનાં બીજા દિવસે અશ્વિને કિવી ટીમની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરની યાદીમાં 12માં નંબરે પહોંચી ગયો છે. પોલોકનાં નામે 108 ટેસ્ટમાં 421 વિકેટ છે. પોતાની 81મી ટેસ્ટ રમતા અશ્વિને 423 વિકેટ લીધી છે.

આ પણ વાંચો – IND Vs NZ / એજાઝ પટેલે સર્જ્યો વિશ્વવિક્રમ, એક જ ઇનિંગમાં ઝડપી 10 વિકેટ

અશ્વિને કાનપુર ટેસ્ટમાં પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન વસીમ અકરમ અને હરભજન સિંહને પાછળ છોડી દીધા હતા. તે હરભજન સિંહને પછાડીને ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોપ થ્રીમાં પહોંચી ગયો છે. કપિલ દેવ અને અનિલ કુંબલે તેનાથી આગળ છે. કુંબલેએ 132 ટેસ્ટમાં 619 વિકેટ ઝડપી છે. બીજી તરફ કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી છે. મુથૈયા મુરલીધરન વિશ્વમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 800 વિકેટ છે. આ યાદીમાં શેન વોર્ન 708 વિકેટ સાથે બીજા નંબર પર છે. મુંબઈ ટેસ્ટની વાત કરીએ તો બીજા દિવસની રમતનાં અંતે યજમાન ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 69 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચેતેશ્વર પુજારા 29 અને મયંક અગ્રવાલ 38 રન બનાવી અણનમ રહ્યા હતા. આ સાથે ભારતે પ્રથમ ઇનિંગનાં આધારે 332 રનની લીડ મેળવી લીધી છે. આ પહેલા કિવી ટીમની પ્રથમ ઇનિંગ 62 રનમાં સમેટાઈ ગઇ હતી.

આ પણ વાંચો – પ્રવાસ / ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ટીમ ઈન્ડિયા કરશે દ.આફ્રિકાનો પ્રવાસ, BCCI એ કરી જાહેરાત

ભારતની પ્રથમ ઇનિંગ 325 રનમાં સમેટાઈ ગઇ હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 150 રન બનાવ્યા હતા. 33 વર્ષીય એજાઝ પટેલે ભારતની પ્રથમ ઇનિંગમાં 47.5 ઓવરમાં 119 રન આપીને દસ વિકેટ ઝડપી હતી. એજાઝ ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનારો માત્ર ત્રીજો સ્પિનર ​​છે. તેના પહેલા આ કારનામું અનિલ કુંબલે અને જિમ લેકરે કર્યું હતું.