વેરાવળમાં દરેક નાગરીકો માટે ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા ઓટો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે.. વેરાવળમાં આવેલા ઔદ્યોગિક એકમ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ અને ઓટો રિક્ષા ડ્રાઇવર્સના એક નાનકડા ગ્રુપના સહયોગથી શહેરમાં ઓટો એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવેલી છે.
ઇન્ડીયન રેયોનના યુનિટ હેડ શશાંક પરીક દ્વારા કંપનીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સેવાનો આરંભ કર્યો હતાે. સુરક્ષા માટે યુનિટ એચ. આર. હેડ રજત ડે તથા પદાધિકારીઓના હસ્તે દરેક ડ્રાઇવર્સને પીપીઇ કીટ, ફેસ શિલ્ડ, હેન્ડ સેનિટાઇઝર, માસ્ક, ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. આ સેવામાં આરોગ્ય હેતુ માટે વ્યાજબી દરથી માત્ર એક ફોનથી જરૂરતમંદ વ્યકિતને 24 કલાક ઓટો રિક્ષા પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે.
રાત્રી કરફ્યૂના સમયમાં પણ આ પરિવહન સુવિધા કાર્યરત રહેશે. આ સેવા હેઠળ સવારના છથી રાત્રીના દસ વાગ્યા સુધી સાંઇબાબા મંદિર સુધી રૂપિયા 50, ભાલકા, ભિડિયા, પાટણ, સોમનાથ તથા બાકીના સ્થળો માટે રૂપિયા 100નો ચાર્જ ચૂકવી લાભ લઇ શકાશે અને રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી ઉપરોક્ત દર્શાવેલથી દોઢ ગણો ચાર્જ લાભાર્થીએ ચૂકવવાનો રહેશે.