Not Set/ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવતા મોત, પરિવારે કર્યો આવો આક્ષેપ

ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા એક મહિલાનું મોત થયું છે. ગારિયાધારના નાના વાવડી ગામેથી પ્રસૂતિ માટે આવેલી સગર્ભા મહિલાને ડિલિવરી બાદ ડોકટરો દ્વારા અન્ય ગ્રુપનું લોહી ચડાવી દેતાં મહિલાના મોતથી વિવાદ સર્જાયો છે.

Gujarat Others
ગ્રુપનું લોહી

ગુજરાતમાં અવાર-નવાર હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફની બેદરકારીની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક વખત હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા એક મહિલાનું મોત થયું છે. ગારિયાધારના નાના વાવડી ગામેથી પ્રસૂતિ માટે આવેલી સગર્ભા મહિલાને ડિલિવરી બાદ ડોકટરો દ્વારા અન્ય ગ્રુપનું લોહી ચડાવી દેતાં મહિલાના મોતથી વિવાદ સર્જાયો છે. બીજી તરફ, મૃતક મહિલાના સગાએ ડોકટરો દ્વારા કોરા કાગળમાં સહી કરાવી લીધાનો પણ આક્ષેપ કર્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તારીખ 28ના રોજ ગીતાબેન સોલંકી નામની મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર લઈ રહેલ મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતાં મોત નીપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ પેનલ પી.એમ ની માંગ કરી છે. આ ઉપરાંત જો યોગ્ય ન્યાય નહીં મળે તો લાશ સ્વીકારશે નહીં તેવું પણ પરિવારજનો કહી રહ્યા છે.

તો બીજી તરફ બેદરકારી દાખવનાર ડોક્ટર પર એફઆઈઆર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને દલિત સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે અને આ ઘટના અંગે યોગ્ય ન્યાયની માગ કરવામાં આવી છે. જો કે આ ઘટના અંગે તે વિભાગના એચઓડીએ સમગ્ર વાતનો ઇનકાર કરી દીધો છે.

મૃતકના ભાઈએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દર્દીની સ્થિતિ ગંભીર છે એટલે જ્યાં સુધી આ કાગળમાં સહી નહીં કરો ત્યાં સુધી અમે દર્દીની નાડ પણ નહીં અડીશું, એવું કહી મારા બનેવીની કોરા કાગળમાં સહી લઈ લીધી હતી. આ મામલે મોડી રાત્રે સરટી હોસ્પિટલના ડીન બ્રહ્મભટ્ટ સાહેબે રૂબરૂ આવી પરિવારજનોને જવાબદાર સામે કાર્યવાહીની ખાતરી આપતા મૃતદેહ સ્વીકાર્યો હતો.

આ પણ વાંચો: બે માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 7 લોકો જીવતા ભૂંજાયા