ડાયમંડ સીટી/ સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, 15 દિવસ પહેલાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ

અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને હત્યા કરાયેલ લાશ મળી આવી હતી.

Gujarat Surat
હત્યા

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 15 દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા ઓડીસાની રહેવાસી હતી. જે તેના પ્રેમી સાથે સુરત આવી હતી.તેના પ્રેમીનું નામ જગન્નાથ ગૌડા છે. આ બન્ને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબધ હતો અને મૃતક મહિલા સતત તેના પ્રેમીને સુરત લઇ જવાનુ કહેતી હતી. સાથે જ પૈસાની પણ માંગ કરતી હતી. જેથી આરોપી જગન્નાથ ગૌડા કંટાળીને મહિલાને સુરત બોલાવીને તેની હત્યા કરી દીધી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે

મહિલાની હત્યા કરાયેલી લાશ જે જગ્યાએ મળી હતી તે જગ્યાની આસપાસ કોઈ CCTV ન હોવાના કારણે પોલીસ માટે મહિલાની ઓળખ તેમ જ હત્યારાની ઓળખ કરવી પણ એક ચેલેન્જ રૂપ હતું. જો કે પોલીસને મહિલા પાસેથી મળેલ એક કાગળમાં ઉડિયા ભાષામાં લખાણ હોવાના કારણે અંદાજો લગાવ્યો હતો કે, મહિલા ઓડીસાથી આવી હોઈ શકે. ત્યારબાદ પોલીસે તે વિસ્તારના તેમજ રેલ્વે સ્ટેશનના CCTV ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં રેલ્વે સ્ટેશનના CCTVમાં આ મહિલા એક યુવક સાથે આવતી દેખાઈ હતી. જેને પગલે CCTVના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે આ યુવક જગન્નાથ ગૌડાને ઊંચકી લીધો હતો. તેની પૂછપરછ કરતા તેણે આ યુવતીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધના કારણે તેણે આ હત્યા કરી હતી.

પોલીસની પૂછપરછમાં જગન્નાથે જણાવ્યું હતું કે, તે કોસાડ આવાસ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનીદાસ સાથે તેને છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ મહિલા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી. જેથી બંને વચ્ચે ટેલીફોનિક સંપર્કો ચાલુ હતા. છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરી રહી હતી. તેમજ પૈસાની પણ માંગણી કરી રહી હતી. જેથી આખરે કંટાળીને 15 દિવસ અગાઉ જગન્નાથ ઓરિસ્સા ગયો હતો અને મહિલાને ટ્રેન મારફતે સુરત લઈને આવ્યો હતો. સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલા પર ઉપરા છાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આરોપી એટલો ચાલાક હતો કે તેને ખબર હતી કે, ખેતરની આસપાસ કોઈ CCTV લાગેલા નથી. તેનો લાભ લઈને તેણે હત્યા માટે આ જગ્યા પસંદ કરી હતી.

આરોપીની ચાલાકીને કારણે પ્રથમ તો પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી. કારણ કે આસપાસ કોઈ CCTV કે કોઈ જોનાર ન હોવાના કારણે હત્યારાનું કોઈ પગેરું મળી રહ્યું ન હતું. પરંતુ માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

આ પણ વાંચો:વિરાટ કોહલીને રેન્કિંગમાં થયો ફાયદો ટોપ-10માં સામેલ પરંતુ…

આ પણ વાંચો:નિફ્ટી 18,650ની ઉપર બંધઃ  FOMC મીટિંગ પહેલા સેન્સેક્સ 144 પોઈન્ટ વધ્યો

આ પણ વાંચો:જાણો પીએમ મોદીએ કેમ કર્યા સીઆર પાટિલના વખાણ