Politics/ કાશ્મીરમાં ભાજપનું પ્રદર્શન સારુ પણ મંજીલ હજી ઘણી દૂર…

જમ્મુમાં ભાજપ જીત્યું પણ તેને ધારણા મુજબ બેઠકો નથી મળી : કાશ્મીર ખીણમાં ૩ બેઠકો મળવી તે ભાજપની ઐતિહાસિક જીત : ખીણમાં ગૃપકાર જુથે કાઠુ કાઢ્યું, પરંતુ કોંગ્રેસની તો ઠેરના ઠેર જેવી સ્થિતી

Top Stories Mantavya Vishesh
bjp 2 કાશ્મીરમાં ભાજપનું પ્રદર્શન સારુ પણ મંજીલ હજી ઘણી દૂર...

જમ્મુમાં ભાજપ જીત્યું પણ તેને ધારણા મુજબ બેઠકો નથી મળી : કાશ્મીર ખીણમાં ૩ બેઠકો મળવી તે ભાજપની ઐતિહાસિક જીત : ખીણમાં ગૃપકાર જુથે કાઠુ કાઢ્યું, પરંતુ કોંગ્રેસની તો ઠેરના ઠેર જેવી સ્થિતી

જમ્મુ-કાશ્મીરમા ૩૭૦મી કલમ હટાવ્યા બાદ અને કેન્દ્ર શાસીત પ્રદેશ તરીકે ત્રણ ભાગમાં વિભાજન થયા બાદ જૂના જમ્મુ-કાશ્મીરનાં બે ભાગમાં એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત ગુજરાતની જિલ્લા પંચાયત જેવી જિલ્લા વિકાસ પરિષદ રચાઈ, ઉલ્લેખનીય છે કે ત્રીજો ભાગ એટલે કે લડાખ, તો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે.

@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી......
himmat thhakar કાશ્મીરમાં ભાજપનું પ્રદર્શન સારુ પણ મંજીલ હજી ઘણી દૂર...

ક્યા અને કેટલી બેઠકોની હતી ચૂંટણી

જમ્મુ – કાશ્મીરના ૨૦ જિલ્લાઓમાં રચાયેલી વિકાસ પરિષદમાં પ્રત્યેક જિલ્લામાં ૧૪ બેઠકો છે, આમ કુલ ૨૮૦ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. આઠ તબક્કે યોજાયેલી ચૂંટણીમાં ઈવીએમથી નહિ પરંતુ બેલેટ પધ્ધતિથી મતદાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપ ૧૪૦થી વધુ અને કોંગ્રેસે ૧૮૦થી વધુ બેઠકો પર ઉમેદવાર મુક્યા હતા. ગૃપકાર જૂથ આ બન્ને પક્ષો કરતા વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

શું છે ગૃપકાર જૂથ અને આમા કોણ સામેલ છે

ગૃપકાર જૂથમાં જમ્મુ – કાશ્મીરના અત્યાર સુધીના બે શાસક પક્ષો કે, જે અત્યાર સુધી એક બીજાના પ્રતિસ્પર્ધી – કટ્ટર હરીફ હતા તે ડો. ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મહેબુબા મુફ્તીનો પક્ષ પીડીપીનું બનેલું જૂથ છે. સાથે સાથે તો ડાબેરી પક્ષો સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષ અને અન્ય ૪ સ્થાનિક પક્ષો મળી આઠ પક્ષો આ ગૃપકાર સંગઠનમાં જાેડાયા હતા.

કુલ 2000 ઉમેદવારો હતા મેદાનમાં

ગૃપકાર જૂથ સહિત ગૃપકાર સંગઠનના બન્ને મુખ્ય પક્ષો સાથે ભૂતકાળમાં ગઠબંધન કરી ચૂકેલા ભાજપ અને કોંગ્રેસ અલગ પક્ષો તરીકે આ ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. વળી અન્ય ત્રણ સ્થાનિક પક્ષો અને અપક્ષો સહિત કુલ ૨૦૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

શું આવ્યા પરિણામો

હવે પરિણામ જાહેર થયું છે. જેમાં ગૃપકાર જૂથ કે જોડાણને ૧૧૪, ભાજપને ૭૨, કોંગ્રેસને ૨૩ અને બાકીની ૭૦થી વધુ બેઠકો અપક્ષો અને અન્ય નાના પક્ષોને મળી છે. જમ્મુની ૧૦ જિલ્લા વિકાસ પરિષદની ૧૪૦ બેઠક પૈકી ભાજપને ૬૯ બેઠકો મળી છે. બાકીની બેઠકો કોંગ્રેસ અપક્ષ અને ગૃપકાર ગૃપ વચ્ચે વહેંચાઈ ગઈ છે. જ્યારે કાશ્મીરમાં ૧૦ જિલ્લા વિકાસ પરિષદોની ૧૪૦ બેઠકો પૈકી ભાજપને ત્રણ બેઠકો મળી છે. જ્યારે ૭૦થી વધુ બેઠકો ગૃપકાર જૂથને મળી છે. કોંગ્રેસ પણ કાશ્મીરમાં ૧૦થી વધુ બેઠકો જીતી છે. જો કે મોટી સંખ્યામાં અપક્ષો ત્યાં જીત્યા છે.

ચૂંટણી બહિષ્કારનું એલાન નહીં, પણ મતદાન પ્રમાણમાં નીરશ

સૌથી મહત્વની વાત તે પણ છે કે, આ વખતની ચૂંટણીમાં પાકિસ્તાન કે તેના ચમચા જેવા કોઈ આતંકવાદી સંગઠન દ્વારા ચૂંટણીના બહિષ્કારનું એલાન અપાયું નહોતું. આમ છતાં મતદાન તો ૫૩ થી ૫૫ ટકાની વચ્ચે હતું, જેથી મતદારોમાં મત આપવા માટે સો ટકા ઉત્સાહ હતો તેવુંક હી શકાય નહિં.

ભાજપનો જમ્મુ-કાશ્મીરમાં મજબૂત પગપેસારો

ભાજપને મળેલી ૭૨ કે ૭૩થી વધુ બેઠકો સારી જ ગણાય અને જમ્મુ કાશ્મીરમાં ભાજપે પગપેસારો કર્યો છે. ભાજપના નેતાઓના દાવા પ્રમાણે જમ્મુમાં ૧૦ પૈકી ૭ જિલલા પરિષદોમાં સંપૂર્ણ બહુમતી કરતા વધુ બેઠકો મેળવી છે. ભાજપ માટે જો મહત્વનો વિજય હોય તો તે કાશ્મીરમાં જીતેલી ત્રણ બેઠકો શ્રીનગર, બાંદીપોર અને પુલવામા છે. જ્યાં આતંકવાદીઓ અવાર-નવાર છમકલા કરતા રહે છે. અને આપણા સુરક્ષાદળના બહાદુર જવાનો બરાબર જવાબ આપતા રહે છે.

અલગતાવાદીઓના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું

અહીં ભાજપની જીત એ તેના માટે હરખાવા જેવો વિજય છે. બાકી કાશઅમીર ખીણએ પીડીપી અને એનસીનો ગઢ છે, ત્યાં ૧૯૭૭ પછી કોંગ્રેસ પણ ક્યારેય પોતાની તાકાત બતાવી શકી નથી. કાશ્મીરમાં મળેલી ત્રણ બેઠકોની જીતને ભાજપ ઐતિહાસિક જીત ગણાવી શકે છે. કારણ કે પીડીપી અને અલગતાવાદીઓના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું છે દેશના ઘણા અખબારોએ પણ આ બાબતની નોંધ લીધી છે તે તો કહેવું જ પડે. ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯ની સંસદીય ચૂંટણીમાં જમ્મુ – કાશ્મીરની મોટા ભાગની બેઠકો અંકે કરી હતી. જમ્મુ વિસ્તારની સંસદીય બેઠક પર ચૂંટાયેલા જીતેન્દ્રસિંહ હાલ કેન્દ્રીય કેબીનેટમાં મહત્વનું ખાતુ સંભાળતા મંત્રી પણ છે.

આટલી બેઠકો જીત્યા પછી પણ જમ્મુમાં પ્રદર્શન ઠીક કેમ ?

જમ્મુ વિસ્તાર પહેલેથી ભાજપનો ગઢ છે. આપણે હિન્દુ કે મુસ્લિમ મતદારોની પળોજણમાં નથી પડવું કારણ કે ભાજપની ટિકિટ પર કાશ્મીરમાં ચૂંટાયેલા ત્રણ પૈકી બે અને જમ્મુની ૬૯ પૈકી ૮ બેઠકો પર ચૂંટાયેલા મુસ્લિમ ઉમેદવારો છે. પરંતુ જ્યારે ટીવી ચેનલ પર જમ્મુ કાશ્મીરના પ્રારંભિક ચૂંટણી પરિણામો અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે પણ જાણીતા ઈતિહાસકાર સંશોધક અને પત્રકાર પ્રો. હરિ દેસાઈએ કહેલું કે, જમ્મુમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળવી જોઈતી હતી તે મળી નથી. તેથી બહુ હરખાવા જેવું નથી. જાે કે ભાજપના ઘણા નેતાઓ આ વાત સાથે સંમત નથી તેઓ જમ્મુ કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવવાના પગલાને આ પરિણામે લોકસમર્થન આપનારા છે તેમ ગણાવે છે. વડાપ્રધાન મોદીની નીતિઓમાં જમ્મુ કાશ્મીરના મતદારોને વિશ્વાસ મૂક્યો છે અને સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસનું સૂત્ર સાર્થક કર્યું છે.

ગૃપકાર જૂથ અહીં મજબૂત

આઠ પક્ષોના બનેલા ગૃપકાર ગઠબંધનને લગભગ ૧૧૨ બેઠકો મળી છે, જેમાં પીડીપીને સૌથી વધુ ૫૪ બેઠકો છે. એનસીને ૨૫થી વધુ બેઠકો છે. કાશ્મીર ખીણમાં અપક્ષો દ્વારા ૫૦થી વધુ બેઠકો પર મેળવેલી જીત ધ્યાન ખેંચનારી છે. અપક્ષોમાં ત્રણેય મુખ્ય પક્ષોના બળવાખોર ઉમેદવારો પણ છે. અને ખીણમાંથી ચૂંટાયેલા કેટલાક અપક્ષો તો હુરિયત સાથે સંકળાયેલા ઉમેદવારો પણ છે. આમ જૂઓ તો જમ્મુની ૭ અને કાશ્મીર ખીણની પાંચ સિવાયની આઠ જિલ્લા પરિષદોમાં અપક્ષ કીંગ મેકરની ભૂમિકામાં છે.

પૂર્વે જોવા મળ્યુ છે આવી રાજકીય ગોઠવણો

કોંગ્રેસ પ્રારંભીક કાળમાં ગૃપકાર સંગઠનમાં હતું. પણ પછી તેમાંથી અલગ પડી એકલા હાથે ચૂંટણી લડી ૨૩થી વધુ બેઠકો મેળવી છે. તે બાબત સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષ અને ભૂતકાળમાં એકલા હાથે વર્ષો સુધી જમ્મુ – કાશ્મીરમાં સત્તા ભોગવી ચૂકેલા પક્ષ માટે સારી વાત તો નથી જ તે હકિકત છે. હવે ગૃપકાર સંગઠનના બે મુખ્ય પક્ષો એન.સી અને પીડીપી કોંગ્રેસ અને ભાજપ સાથે ભૂતકાળમાં સગવડીયું જોડાણ કરી ચૂક્યા છે. જે તે વખતે કેન્દ્રમાં પ્રધાનપદાનો સ્વાદ પણ ચાખી ચૂક્યા છે. અને ગઠબંધનનો યુગ શરૂ થયા બાદ જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન પણ બની ચુક્યા છે. જમ્મુ કાશ્મીરમાં એન.સી. નાં ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા તેમજ પીડીપીના મુફતી મહમદ સઈદ      (કે જેઓ કેન્દ્રીના વીપીસિંહ પ્રધાન મંડળમાં ગૃહમંત્રીનો હોદ્દો પણ સંભાળી ચૂક્યા છે) અને ત્યારબાદ મહેબુબા મુફતી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. ૨૦૧૪ બાદ કોંગ્રેસ મુક્ત ભાજપના નારા સાથે યોજાયેલી ચૂંટણીમાં પીડીપીના આ બે મહાનુભાવોને વારાફરતી મુખ્યમંત્રી પદ સોંપી ભાજપ તેનો ભાગીદાર બન્યો હતો.

ભાજપની ભાગીદારી વાળી સરકારનાં સમયે આતંકવાદ વકર્યો

રાજકીય વિશ્લેષકો નોંધે છે અને કહે છે તે પ્રમાણે ભાજપને પોતાની આ ભૂલ સવાચાર વર્ષ પછી સમજાઈ અને મહેબૂબા મુફ્તીની સરકારમાંથી ખસી જઈ તેને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો. ભાજપના ટેકા સાથે ચાલેલા મહેબુબા મુફ્તીના શાસન દરમિયાન જ શુક્રવારે બપોરે સેના પર પથ્થરબાજી થવાના બનાવો શ્રીનગર સહિતના ખીણ વિસ્તારમાં વધુમાં વધુ બન્યા હતા. એક ત્રાસવાદીના મોત પાછળ અલગતાવાદીઓએ છ માસ સુધી કાશ્મીરને બાનમાં લીધા જેવી પરિસ્થિતિ સર્જાઈ, ત્યારે ત્યાં મહેબુબાનું શાસન હતું અને ભાજપ તેનો ભાગીદાર હતો. મોટાભાગના સંરક્ષણ વિશ્લેષકો અને રાજકીય વિવેચકોએ તે વખતે પણ કહેલું અને આજે પણ કહે છે કે મહેબુબા મુફ્તીના ભાજપની ભાગીદારીવાળા શાસનમાં જ કાશ્મીર ખીણ વિસ્તારોમાં ત્રાસવાદી અને અલગતાવાદી વિચારધારાના મૂળ ઉંડા ગયા હતા. જે દોઢ વર્ષના પ્રમુખ શાસન બાદ પણ ઉખેડી શકાયા નથી અને ભારતીય સુરક્ષાદળોને એલ.ઓ.સી પર પાકિસ્તાની સેનાના ગોળીબારનો જવાબ આપતા રહેવું પડે છે તો સાથો સાથ સુરક્ષાદળો અને અર્ધ સુરક્ષાદળોને પાક દ્વારા મોકલાયેલા અને તાલીમ અપાયેલા આતંકવાદીઓ સામે સતત લડતા રહેવું પડ્યું છે.

ભાજપે ભૂલ સુઘારી અને…

છેલ્લા થોડા વર્ષોમાં ખીણ પ્રદેશમાં આતંકવાદીઓ ઠાર કરાયા કે જીવતા પકડાયાનો આંક મોટો છે. તો તેની સાથે આતંકવાદી હુમલામાં સંખ્યાબંધ ભારતીય જવાનોને પણ શહીદ થવું પડ્યું છે. તે પણ હકીકત છે. જમ્મુ – કાશ્મીર ડીડીસીના ચૂંટણીના પરિણામોને લોકશાહીની જીત અવશ્ય કહેવાય. આ જીતમાં ભાજપની તાકાત વધી છે તેવું પણ કહેવાય પણ કાશ્મીર પર વર્ચસ્વ મેળવવા માટે હજી વધુ કવાયતની જરૂરત છે તે વાત પણ આ પરિણામો સ્પષ્ટ કરી રહ્યું છે. જ્યારે દેશનાં સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને તો જમ્મુ કાશ્મીરમાં પણ મંથન કરવું પડે તેવી જ હાલત છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…