ભાવનગર,
છેલ્લા કેટલાક કલાકોથી રાજ્યમાં અનેક મીડિયા અને સોશિયલ સાઈટ વોટ્સએપમાં એવા સમાચારો વહેતા થયા છે કે ગઢડાની એક માસૂમ યુવતી જયારે પોતાની કોલેજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેની સાથે ગંભીરતા પૂર્વક જંગલિયાત ભર્યા કૃત્યો કર્યા હતા. પરંતુ આ મામલે હવે પોલીસની તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેનાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પોલીસમાં તપાસમાં સામે આવ્યું છે કે, ભાવનગર જિલ્લાના ગઢડા ખાતે રહેતી અને બી.એડમાં અભ્યાસ કરતી ૨૨ વર્ષીય યુવતીએ પોતાના પરિવારજનોથી બચવા માટે તરકટ રચ્યુ હતું અને પોતાની જાતને બચાવવા માટે આ ગંભીર ખોટા આરોપો લગાવ્યા હતા.
પોલીસે આ મામલે જણાવતા કહ્યું, “આ યુવતી કોલેજથી પરત ફર્યા બાદ સાળગપરડા ગામે પોતાના પ્રેમીને મળવા ગઈ હતી. ત્યારે તેનો પ્રેમી તેણે કૂવામાં કરવામાં આવેલું ખોદકામ જોવા માટે લઇ ગયો હતો અને ત્યાં બોરવેલની ઉપર મુકાયેલા મશીનમાં તેના વાળ અને આંગળી આવી જતા કપાઈ ગયા હતા.
જો કે આ ધટના બાદ યુવતીએ પરિવારજનોથી બચવા માટે આ ખોટા આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ પોલીસે વધુમાં કાર્યવાહી હાથ ધરતા તેના પ્રેમીની અટકાયત કરી છે તેમજ ગંભીર ઘાયલ આ યુવતીને અમદાવાદની વી એસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે.