Lifestyle: ટાઈફોઇડના તાવ (Typhoid Fever)ને ‘આંત્ર જ્વર’ કહેવાય છે અને એ ‘સાલ્મોનેલા ટાઇફી’ નામના બેક્ટેરિયા (Salmonella Typhi Bacteria)થી થતો ગંભીર ચેપી રોગ છે, જે પ્રદૂષિત ખોરાક તથા પાણી (Contaminated food and water) દ્વારા ફેલાય છે. હૅલ્થ જાળવવા માટે આ વિશે જાણવું આવશ્યક છે. ટાઇફોઇડના લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, પેટમાં દુ:ખાવો અને શારીરિક નબળાઈ જેવા લક્ષણો દેખાય છે અને ભયસ્થાન એ છે કે, જો સમયસર સારવાર ન મળે તો આ રોગ જીવલેણ પણ બની શકે છે!!

ટાઇફોઇડ (Typhoid) ફીવર ના લક્ષણો તથા સારવાર અંગેની ટિપ્સ
ટાઇફોઇડ થવાના મુખ્ય કારણો (Causes)
ટાઇફોઇડ (Typhoid) થવાનું મુખ્ય કારણ ‘સાલ્મોનેલા ટાઇફી’ નામના બેક્ટેરિયા (Salmonella Typhi Bacteria) છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ (Stool) દ્વારા પ્રદૂષિત થયેલા ખોરાક, પાણી કે દૂધ દ્વારા અન્યના પણ શરીરમાં પ્રવેશે છે. સ્વચ્છતા ન જાળવવી (Cleanliness negligence), ગંદા હાથે જમવું અને ખુલ્લો ખોરાક (Unhygienic food) ખાવાથી પણ ટાઈફોઇડ (Typhoid ફેલાઇ શકે છે.
ટાઇફોઇડના મુખ્ય લક્ષણો કયા છે?
ટાઇફોઇડ (Typhoid)ના મુખ્ય લક્ષણો (Symptoms)માં,
1. સતત તાવ (Fever) રહે છે, લગભગ 103 ° થી 104° F જેટલું ઊંચું ટેમ્પરેચર રહે છે. દર્દીને ઠંડી લાગે છે.
2. આ ઉપરાંત, માથાનો સખત દુ:ખાવો, પેટનો દુ:ખાવો,અસ્વસ્થતા, શારીરિક નબળાઈ, થાક લાગવો, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જણાય છે.
3. ક્યારેક ગુલાબી ચકામા (Pink Rashes), મુખ્યત્વે છાતી અને પેટના ભાગે જોવા મળે છે.
4. પેટની સમસ્યા (Stomach Problems)ઓ જેવી કે, પેટમાં દુ:ખવું, ઝાડા થવા અથવા તો કબજિયાત, ઉબકા, ઉલટી (Vomit) વગેરે થાય છે.
5. આ ઉપરાંત, ગળામાં ખરાશ, ઉધરસ (Cough) થવી તથા પેટ પર લાલ ચકામા થવા જેવા લક્ષણો દેખાય છે.
6. સ્નાયુઓ અને સાંધામાં પણ દુ:ખાવો થઇ શકે છે.
7. ગંભીર કેસમાં દર્દીને ચિત્તભ્રમ થવા જેવી માનસિક તકલીફ (Mental Problems) પણ થઇ શકે છે.
આ લક્ષણો ધીમે-ધીમે વધે છે અને બે અઠવાડિયાથી માંડીને એક મહિના સુધી રહી શકે છે. ગંભીર પરિસ્થિતિમાં એમાંથી કમળો (Jaundice) પણ થઇ શકે છે. આથી જો આવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ટાઇફોઇડની સારવાર (Treatment) શી છે?
સારવારના મુખ્ય પાસાં આ મુજબ છે.
1. એન્ટિબાયોટિક્સ
ડોક્ટર (Doctor)ની સલાહ મુજબ એન્ટિબાયોટિક દવાઓ (Antibiotic Medicines) લેવી જરૂરી છે.
2. આરામ અને પ્રવાહી
પૂરતો આરામ કરવો અને પુષ્કળ પ્રવાહી (Liquid) જેવા કે, સાફ પાણી, ORS, લીંબુ પાણી, જ્યુસ વગેરે પીવું.
3.સ્વચ્છતા
સ્વચ્છ ખોરાક અને પાણીનો ઉપયોગ કરવો, સાબુ વડે હાથ ધોવાની ટેવ (Clean Hands with Soap) રાખવી.
4. સમયસૂચકતા
ટાઇફોઇડ (Typhoid)ની સારવાર સમયસર ન મળે તો કેસ ગંભીર બની શકે છે આથી સમયસર તબીબનો સંપર્ક સાધવો જરુરી છે.
5. પ્રિસ્ક્રાઇબ કોર્સ પૂર્ણ કરવો
ભલે લક્ષણોમાં સુધારો દેખાય તેમ છતાં ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી એન્ટિબાયોટિક્સનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે.
ટાઇફોઇડ માટેની મુખ્ય એન્ટિબાયોટિક્સ
આની મુખ્ય મેડિસિનમાં એઝિથ્રોમાયસીન (Azithromycin), સિપ્રોફ્લોક્સાસીન, સેફ્ટ્રિયાક્સોન, એમ્પીસિલિન વગેરે છે. પરંતુ તે તબીબની સલાહ વિના લેવી હિતાવહ નથી.
ટાઇફોઇડ કેરિયર્સ
આ રોગમાંથી રિકવર થયેલા દર્દીઓ સાજા થયા પછી પણ એના બેક્ટેરિયા ધરાવી શકે છે અને આ રોગના વાહકો બની શકે છે.

કેવો ખોરાક લેશો?
1. ભારે કઠોળ જેવા કે અડદ, ચણા, રાજમા અથવા છોલે વધારે ન ખાવા.
2. ઘી અને ગોળમાંથી બનાવેલો સોજીનો હલવો પણ ખાઈ શકો છો.
3. ડાયટમાં સૂપ અવશ્ય સામેલ કરો. ટામેટા, બીટ, પાલક, કોળા અથવા ગાજરનો સૂપ પણ પી શકો છો.
4. ટાઈફોઈડ (Typhoid)માં કાચા શાકભાજી (Raw Vegetables) ખાવાનું ટાળો, તેનો સૂપ બનાવીને પીવો.
શી રીતે લેશો સંભાળ (Supportive care)?
1. પ્રવાહી આપો
દર્દીને પુષ્કળ પાણી, નારિયેળ પાણી, ORS, ફળોનો રસ, અને સૂપ આપવો.
2. પૂરતો આરામ આપવો
દર્દીને પૂરતો આરામ કરાવવો અને બહાર જવાનું ટાળવું.
3. સુપાચ્ય આહાર આપવો
તદ્દન હળવો અને સુપાચ્ય ખોરાક જેમ કે, દાળ, ભાત, ખીચડી, બાફેલું શાક, સૂપ (Soup) વગેરે આપવા અને તળેલું, ભારે તથા કાચા શાકભાજી ટાળવા.
4. ગંભીર કેસમાં શું કરશો
જો આંતરડામાં ઇન્ફેક્શન જણાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની અને ક્યારેક તો સર્જરીની પણ જરૂર પડી શકે છે.
શું છે નિવારણ (Prevention)?
1. સફાઇની દરકાર કરો
જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી હાથ અવશ્ય ધોવા.
2. સુરક્ષિત ખોરાક અને પાણી
કેવળ ઉકાળેલું પાણી પીવું, બહારનો ખુલ્લો ખોરાક અને ઠંડા પીણા પીવાનું ટાળવું.

3. રસીકરણ કરાવવું
રોગથી ગ્રસ્ત જોખમી વિસ્તારોમાં જતાં પહેલાં ટાઇફોઈડની રસી (Vaccine) અવશ્ય લેવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઇફોઇડ (Typhoid)ના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ અને જાતે એન્ટિબાયોટિક લેવાનું ટાળવું જોઇએ. કારણ કે, હવે એન્ટિબાયોટિક પ્રતિકારક બેક્ટેરિયલ ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શું 100 પગલાં પાછળ ચાલવું, 1000 સ્ટેપ આગળ ચાલવા બરાબર છે? રેટ્રો વૉકિંગ અંગે હૅલ્થ નિષ્ણાતની ટિપ્સ…
આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો
આ પણ વાંચો: શા કારણથી ભારતના યુવાનોમાં માથા અને ગરદનનું કેન્સર વધી રહ્યું છે? જાણીએ ડૉક્ટર પાસેથી બચાવના ઉપાયો
