- દિવ્યાંગતા અંગેનું સર્ટીફિકેટ અન્ય જિલ્લામાંથી મેળવી શકાશે
- હાઇકોર્ટના ચુકાદાને લઈને હજારો દિવ્યાંગ બાળકોને તેના સપના પૂરા કરવા પ્રેરણા મળશે
- આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે નિયમોમાં કર્યા ફેરફાર
ચૂંટણી ટાણે સરકારે દૈનિક ધોરણે પ્રજાલક્ષી નિર્ણય લેવાનું નક્કી કરી લીધુ લાગે છે. સરકાર દરરોજે એક પછી એક પ્રજાલક્ષી નિર્ણય લઈ રહી છે. કદાચ છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોઈ દિવસ ગયો નહી હોય જ્યાં સરકારે પ્રજાલક્ષી જાહેરાત નહી કરી હોય. આવી વધુ એક જાહેરાતના ભાગરૂપે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે.
કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરાતા તેનો લાભ રાજ્યમાં નિવૃત્ત સરકારી કર્મીઓના દિવ્યાંગ બાળકોને મળશે. એટલે કે નિયમોમાં ફેરફાર મુજબ દિવ્યાંગતા અંગેનું સર્ટીફિકેટ હવે અન્ય જિલ્લામાંથી પણ મેળવી શકાશે. નવી પેન્શન યોજના અંતર્ગત આવતા દિવ્યાંગોના પેન્શન બાબતે સરકારે આ નિર્ણય લીધો છે.
તદુપરાંત તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે દિવ્યાંગ દીકરીને લઇને મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી હજારો દિવ્યાંગ બાળકોને તેના સપના પૂરા કરવા માટે પ્રેરણા મળશે. મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છતી દીકરીના એડમિશન માટે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. દિવ્યાંગ દિકરીને બીજે મેડીકલમાં એડમિશન આપવા અંગે હાઈકોર્ટે આદેશ કર્યો છે. દિવ્યાંગ દીકરીને સ્પેશિયલ કેસ ગણીને કોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે.
હાઇકોર્ટે તાજેતરમાં દિવ્યાંગતામાં પણ 50% ફિટ હોય તો મેડિકલમાં પ્રવેશથી વંચિત ન રાખી શકાય તેવી ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે, દિવ્યાંગતાના અભાવ પર મેડિકલમાં પ્રવેશ ન મળતા હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. નીટની પરીક્ષા પાસ કર્યા બાદ મેડિકલ બોર્ડમાં ફિટ જાહેર હોવા છતાં પ્રવેશ ન મળ્યાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. 50% દિવ્યાંગતા ધરાવનાર દીકરી પોતે બધી રીતે ફિટ હોવા છતાં એડમિશન ન મળ્યાની કોર્ટમાં રજૂઆત કરાઇ હતી. આથી હાઇકોર્ટે ગઇકાલે આ અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેનાથી આ દિવ્યાંગ દીકરી હવે પોતાના સપના પૂરા કરી શકશે.