Lifestyle: ધાણાના બીજ હોય કે ધાણા-પાવડર (Coriander Seeds or Coriander Powder)….બંને આપણા ભાજનનો સ્વાદ વધારે તો છે જ પરંતુ, એ બંનેનું સેવન પણ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે પણ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે (Colesterol Control) અને પાચન (Digestion) પણ બહેતર બને એ માટે આખા ધાણા કે ધાણાજીરું, બેમાંથી કઇ વસ્તુ વધારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ અંગે લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. તો ચાલો જાણીશું કે આ બંનેમાંથી કયો વિકલ્પ બહેતર છે?
ભારતીય પરંપરાગત કિચન (Kitchen)માં રહેલા પ્રત્યેક મસાલા (Spices) કોઇ ખજાનાથી ઓછા નથી, હળદર હોય કે મરી પાઉડર, તમામ મસાલા પોતપોતાના ઔષધિય ગુણોના કારણે હંમેશાં સદાબહાર બની રહેલા છે! આ બંને ઉપરાંત, ધાણા પણ ફક્ત ભોજનનો સ્વાદ વધારતો નથી પણ એ પેટ માટે પણ મેડિસિન (Medicine)નું કામ કરે છે. મેટાબોલિઝમ (Metabolism)ને સપોર્ટ કરવા માટે અને સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે ધાણાની ગણતરી બહેતરીન મસાલાઓમાં થાય છે. એનું સેવન કરવાથી અન્ય મસાલાની તીખાશ બેલેન્સ પણ થાય છે!

ધાણાની-બીજ અને ધાણાજીરું પાઉડર…બંને પોતપાતાની રીતે તંદુરસ્તીમાં સહાયક છે. આપણી ગૃહિણીઓ બારમાસી મસાલા ભરતી વખતે ધાણા અને જીરુને શેકવાથી માંડીને એમાં સુગંધિત તેજાના ઉમેરીને એમને દળાવવા સુધીની પ્રક્રિયા હોંશે-હોંશે કરતી હોય છે! જો કે, હવે તો વ્યસ્ત જીવનશૈલી (Lifestyle)ને પગલે નોકરિયાત મહિલાઓ અને યુવાપેઢી આવી કડાકૂટમાં પડ્યા વિના મોટા ભાગે, તૈયાર મસાલા લાવવાનું જ પસંદ કરે છે. હવે અહિં સવાલ એ છે કે, ગુણકારી તો બંને છે પણ એમાંથી કોલેસ્ટ્રોલ અને પાચન માટે કઇ વસ્તુ બહેતર છે…ધાણાના બીજ કે ધાણા પાવડર? તો ચાલો આ પ્રશ્નનો ઉત્તર ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist) પાસેથી જાણીશું.

ધાણામાં શું-શું હાજર હોય છે?
1. વોલેટાઇલ ઓઇલ
આને લિનાલૂલ પણ કહેવામાં આવે છે. આ ઓઇલ (Volatile oil) ગૅસ ઓછો કરે છે અને પેટને શાંત કરે છે.
2. દ્રાવ્ય ફાઇબર
શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં સહાયક છે.
3. ફાઇટોકેમિકલ
આ એન્ટિઓક્સિડન્ટની જેમ કાર્ય કરે છે અને શરીરમાંથી વિષાર્ધ તત્વો (Toxins)થી બચાવે છે.

ડાયજેશન માટે શું બહેતર છે?
જાણીતા પોષણવિદ્ જણાવે છે કે, ધાણાના-બીજ અને ધાણા પાવડર બંને પોતપોતાની રીતે ફાયદાકારક છે. ધાણાના-બીજ પેટમાં ગૅસ, પેટ ભારે થવું અને અચાનક થતા અપચાની સમસ્યા (Gas, Bloating, Indigestion)માં તરત જ સહાયક સિદ્ધ થાય છે. ધાણાના બીજ ચાવવાથી અથવા ઉકાળીને ચાની જેમ પીવાથી એનું તેલ ધીમે-ધીમે રિલીઝ થાય છે અને જેથી પેટની તકલીફ દૂર થતાં એ શાંત થાય છે. પેટની બળતરાને દૂર કરવા માટે પણ એ ઉપયોગી છે. દરરોજ ધાણા પાવડર ખાવાથી ધીરે-ધીરે પાચન બહેતર બને છે.
ન્યુટ્રિશનિસ્ટની આ વાત પરથી ધાણા અને ધાણાજીરુંના કેટલા ગુણકારી છે એ વિશે જાણી શકાય છે અને એથી જ કદાચ આપણી પરંપરાગત ભારતીય વાનગીઓમાં એનો ઉપયોગ છૂટથી થાય છે!
કોલેસ્ટ્રોલ માટે શું બહેતર?
ધાણાના બીજ અને ધાણા-પાવડર બંને કોલેસ્ટ્રોલ સમસ્યામાં ઘણા જ ફાયદાકારક હોય છે. પરંતુ, એની અસર કંઇ રાતોરાત થતી નથી, એનું સેવન દરરોજ કરવું પડે છે અને શરીર પર ધીરે-ધીરે જ એની અસરો વર્તાય છે. ધાણા શરીરમાં બાઇલ એસિડ બનાવીને ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદરુપ થાય છે. ધાણાના-બીજ અને ધાણા-પાવડર, બંનેમાં દ્રાવ્ય ફાઇબર (Fiber) હોય છે જે કોલેસ્ટ્રોલને પુન: અવશોષિત કરવાથી અટકાવે છે.

ધાણાના બીજ વર્સેસ ધાણા પાવડર
આખા ધાણાની સુગંધ લાંબો સમય રહે છે અને એમનું સેવન કરવાથી તમને ગૅસ અને પેટ ફૂલવાની સમસ્યા અર્થાત્ બ્લોટિંગમાં પણ રાહત મળે છે. ધાણાજીરું દરરોજની રસોઇમાં, દાળ અને શાક વગેરેમાં સરસ રીતે ભળી જાય છે અને એના સેવનથી ધીરે-ધીરે ડાયજેશન અને કોલેસ્ટ્રોલની તકલીફોમાં પણ રાહત મળે છે.
જો તમને તરત જ રાહત જોઇએ તો ધાણાના બીજ વધુ સારા રહેશે પરંતુ જો તમે ઇચ્છતા હો કે તમારું પાચન અને કોલેસ્ટ્રોલ હંમેશાં નિયંત્રિત રહે તો તમારા માટે નિયમિત ધાણા પાવડરનું સેવન યોગ્ય રહેશે. પણ અહિં એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં ધાણા કે ધાણા પાવડરનું સેવન માત્ર મદદરુપ થાય છે પરંતુ એ દવાનો વિકલ્પ નથી! એને એક હૅલ્ધી ડાયેટ (Healthy Diet) તરીકે અપનાવવું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ લાભકારી છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? ઝટપટ બનાવો દહીં વાળા મસાલા બટાટાની ચટપટી રેસિપી…
આ પણ વાંચો:મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…

