જહાંગીરપુરી હિંસા કેસની સુનાવણી કરતી દિલ્હીની રોહિણી કોર્ટે દિલ્હી પોલીસને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે પોલીસને પૂછ્યું છે કે આ વિસ્તારમાં પરવાનગી વિના સરઘસ કેવી રીતે નિકળ્યું? કોર્ટે દિલ્હીના પોલીસ કમિશનરને આ મામલાની તપાસ કરવા અને દોષિત પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કહ્યું છે.
હિંસાના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે રોહિણી કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે સ્થાનિક પોલીસ પરવાનગી વિના નીકળેલા સરઘસને રોકવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે કહ્યું કે આ પ્રથમ નજરે દિલ્હી પોલીસની નિષ્ફળતા દર્શાવે છે. એવું લાગે છે કે વરિષ્ઠ અધિકારીઓએ આ મુદ્દાને બાજુ પર મૂકી દીધો છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને પોલીસ ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવામાં નિષ્ફળ ન જાય તે માટે સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની જરૂર છે.
સુનાવણી દરમિયાન કોર્ટે હિંસા કેસમાં 8 લોકોની જામીન અરજી ફગાવી દીધી હતી. રોહિણી કોર્ટનું કહેવું છે કે આરોપીઓને જામીન પર છોડવાથી સાક્ષીઓ પર અસર પડી શકે છે. કોર્ટે કહ્યું કે આરોપીઓ વિસ્તારના જાણીતા ગુનેગારો છે અને તેથી કોઈ સાર્વજનિક સાક્ષી આગળ આવશે નહીં. પોલીસે ગયા મહિને હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસાના વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ સગીર સહિત 36 લોકોની ધરપકડ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું ઝહીર ખાન ઉર્ફે જલીલ (48) અને અનાબુલ ઉર્ફે શેખ (32)ની શુક્રવારે જહાંગીરપુરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજા આરોપી તબરેઝ (40)ની શનિવારે તે જ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે ઝહીર ખાન અને અનબુલ હિંસાના દિવસથી ફરાર હતા.