સિલસિલો/ લ્યો જીતુભાઈ બાદ હવે પાટિલની જીભ લપસી

સી.આર.પાટિલની જીભ લસરી છે. કૃષ્ણએ રૂકમણી સાથે લગ્ન કર્યા હતા તે વાત કહેતી વખતે કૃષ્ણના બહેન શુભદ્રા સાથે લગ્ન કર્યાનો ગોળો ફેંક્યો.

Mantavya Exclusive
કૃષ્ણ

@પ્રફુલ્લ ત્રિવેદી

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં શાળાના લોકાર્પણ સમયે ભાંગરો વાટયા બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની જીભ પોરબંદરના મધુપુરના મેળામાં લસરી છે. કૃષ્ણએ રૂકમણી સાથે લગ્ન કર્યા હતા તે વાત કહેતી વખતે કૃષ્ણ ના બહેન શુભદ્રા સાથે લગ્ન કર્યાનો ગોળો ફેંક્યો. કોઈએ કાનમાં જઈને કહ્યું કે શુભદ્રા તો કૃષ્ણ ના બહેન હતા, પત્ની રૂકમણી હતા, ત્યારે છેડે જતા ભૂલ સુધારી.

રાજકોટમાં શાળાના લોકાર્પણ સમયે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જેમને ગુજરાતનું શિક્ષણ સારું ના લાગતું હોય તે સર્ટી કઢાવી અન્ય રાજ્ય કે દેશમાં જતાં રહે’ જેવો અસામાન્ય બફાટ કર્યા બાદ, હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે બહેન શુભદ્રાને ભગવાન કૃષ્ણના બહેનના બદલે પત્ની બનાવી દીધા અને તેમનું અપહરણ પણ કરાવી દીધું. સંસ્કૃતિ,સંસ્કાર અને ઘર્મની દુહાઈ દેતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે માધુપુરના મેળામાં હજારોની સંખ્યા વચ્ચે ભાંગરો વાટ્યો. કોઈએ રહી રહીને કાનમાં જઈ કહ્યું ત્યારે ભૂલ સુધારી પણ ત્યાં સુધીમાં તો તેમનું અજ્ઞાન વાયરલ થઈ ગયું.

જીતુભાઈનો બફાટ પ્રજાને માથે વાગે તેવો છે, પાટિલના નિવેદને પણ આંચકો આપ્યો છે. બૂટ પહેરીને આરતી ઉતારી હોવાની ક્લિપિંગ પણ બહુ ચાલી. વિપક્ષના હાથમાં મુદ્દો આવી જતાં તેમણે પણ ચગાવવાનું ચાલુ કર્યું.

કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે જીતુભાઈ પ્રવક્તા મંત્રી છે. તેમણે પાડેલા ચીલે બીજા પણ મંત્રીઓ ચાલે તો શું થાય? લોકો રોડ તૂટયાની ફરિયાદ કરશે તો માર્ગ અને મકાનમંત્રી એમ કહેશે કે સારાં રોડ હોય ત્યાં રહેવા જતા રહો ? કોઈ ફરિયાદ કરશે કે ગટર ઉભરાય છે તો શું શહેરી વિકાસ મંત્રી એમ કહેશે કે સારી ગટર હોય ત્યાં રહેવા જતાં રહો? આ તે કેવી માનસિકતા? ખરેખર તો જે-તે મંત્રીઓએ સમસ્યાનું નિવારણ કરવાનું હોય. બીજું લોકોના મતો દ્વારા તમે ચૂંટાવ છો, અને લાલ લાઇટવાળી ગાડી મળે છે. એ ગાડીમાં બેઠા પછી ભૂલી ના જવાનું હોય કે લોકો એ જ સર્વોપરી છે!