Daman news/ દમણના સાંસદ ઉમેશ પટેલને મોટો કાયદાકીય ઝટકો! સેશન્સ કોર્ટે સજા પર સ્ટેની અરજી ફગાવી

Daman MP Umesh Patel: બે વર્ષની સજાને કારણે સાંસદ પદ પર ઊભા થયેલા કાયદાકીય સંકટ વચ્ચે ઉમેશ પટેલને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી નથી. હવે સજા પર સ્ટે મેળવવા અને સાંસદ પદ બચાવવા હાઈકોર્ટમાં અપીલ મહત્વની બની શકે છે.

Gujarat Top Stories Others
Daman MP Umesh Patel: સાંસદ પદ બચાવવા હાઈકોર્ટનો વિકલ્પ

Daman News: દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલની (Daman MP Umesh Patel) મુશ્કેલીમાં વધારો થયો છે. દમણ સેશન્સ કોર્ટે નીચલી અદાલત દ્વારા ફટકારવામાં આવેલી બે વર્ષની સજાના અમલ પર સ્ટે આપવાની તેમની અરજી ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટના (Daman Sessions Court) આ નિર્ણય બાદ હવે ઉમેશ પટેલ માટે સાંસદ પદ પર કાયદાકીય સંકટ ઊભું થયું છે.

સરકારી કામગીરીમાં અડચણનો કેસ

દમણની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સાઇઝ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટી યોજાઈ હતી. આ દરમિયાન ઉમેશ પટેલ સામે ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરવા, બળજબરીથી ઓફિસમાં પ્રવેશવા અને સરકારી સમિતિના સભ્યોને તેમની ફરજ બજાવવામાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધાયો હતો.

Daman MP Umesh Patel: નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકારી

Daman MP Umesh Patel: સાંસદ પદ બચાવવા હાઈકોર્ટનો વિકલ્પ

આ કેસમાં નીચલી અદાલતે ઉમેશ પટેલને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ બે વર્ષની જેલની (Umesh Patel Sentence) સજા સંભળાવી હતી. આ ચુકાદા સામે તેમણે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.

સજા પર સ્ટે માટે અરજી

અપીલની કાર્યવાહી દરમિયાન સજાનો અમલ રોકવામાં આવે તે માટે ઉમેશ પટેલે સેશન્સ કોર્ટમાં ઈ-અરજી કરી હતી. તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે બે વર્ષની સજા યથાવત રહે તો લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ હેઠળ સાંસદ તરીકેની તેમની લાયકાત પર સીધી અસર પડી શકે છે.

સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપવાની અરજી નામંજૂર કરી છે. આ નિર્ણયથી ઉમેશ પટેલને મોટો કાયદાકીય ઝટકો લાગ્યો છે. હવે નીચલી કોર્ટની બે વર્ષની સજા સામે ઉપરની અદાલતમાં રાહત મેળવવાનો માર્ગ તેમના માટે મહત્વનો બની ગયો છે.

હવે હાઈકોર્ટમાં અપીલનો વિકલ્પ

સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ઉમેશ પટેલ હવે મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. જો ઉપલી અદાલત સજા પર સ્ટે આપે તો તેમના સાંસદ પદને લઈને ઊભી થયેલી કાયદાકીય મુશ્કેલીમાં રાહત મળી શકે છે. આથી હવે ઉમેશ પટેલ હાઈકોર્ટમાં કઈ કાયદાકીય કાર્યવાહી કરે છે અને કોર્ટ તરફથી શું નિર્ણય આવે છે તેના પર દમણ-દીવના રાજકીય વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં જર્જરિત પુલોનો ફટકો! 300થી વધુ ટ્રકોને 50 કિમીનો વધારાનો ફેરો

આ પણ વાંચો: નવસારીના ધોલાઈ બંદર નજીક મધદરિયે ફિશિંગ બોટ ફસાઈ: 9 માછીમારોના જીવ જોખમમાં, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન

આ પણ વાંચો: રૂ.68 કરોડ ખર્ચાયા, પણ માર્કેટ ધૂળ ખાય! અમદાવાદમાં રસ્તા પર જ શાકભાજી વેચતા ફેરિયાઓ