@પ્રફુલ્લ ત્રિવેદી
અમદાવાદ મ્યુનિના ઉત્તર-પશ્ચિમ ઝોનના એન્જિનિયરિંગ વિભાગની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ખાડે ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરનો વિસ્તાર હોવા છતાં નાનામોટા પ્રશ્નો ઝડપથી ઉકેલાતા નથી. સત્યાગ્રહ છાવણીની પાછળનો રોડ પહોળો કરવા ટીડીઓ-એસ્ટેટ ખાતાએ કેટલીક તોડફોડ છ મહિના પહેલા કરી હતી. ત્યારબાદ નથી તો રોડ પહોળો કરાયો કે નથી તો તો ફૂટપાથને વ્યવસ્થિત કરવાનું એન્જિનિયરોને સૂઝતું.
ઉપરાંત આ જ રોડ પર પાણીની લાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું. લાઇન નંખાઈ ગયા બાદ તરત જ તેમા લીકેજ થયું હોવાનુ જણાય છે. રોજરોજ પાણીની નીક રોડની કિનારીએ ઉભરાય છે. આ ફરિયાદ થઈ હોવા છતાં તેની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી, જે કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવાયું હતું, તેમની આવી નબળી કામગીરી છે તે જોવા કેમ કોઈ સુપરવાઇર કે એન્જિનિયર ફરકતો પણ નથી. શેના આધારે આવી નબળી કામગીરીનું બિલ ચૂકવાશે? કે પછી ચૂકવી દીધું હશે ?
આ ઉપરાંત પાણીની લાઇન નાખવા ખોદકામ કર્યુ ત્યારે તૂટેલો રોડ પણ ચાર મહિનાથી તેમનો તેમ જ હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ભારે હેરાન પરેશાન થઈ જાય છે. લાઇન નંખાયા બાદની કામગીરી અત્યંત ખરાબ હોવાનું ત્યાંથી પસાર થતાં સામાન્ય લોકોને દેખાય છે તે ત્યાંના એન્જિનિયરોને કેમ દેખાતુ નથી તે પ્રશ્ન છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂરી કરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાશે તેવી ભીતિ પેદા થઈ છે.
સેટેલાઇટ પોલીસ સ્ટેશન નજીકના ચાર રસ્તા પર મંદિર નજીક ગટરનું ખોદકામ પણ ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે પીકઅવર્સમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થાય છે. આલ્ફા મોલથી 132 ફૂટના રોડને જોડતો રસ્તો પણ ખોદી કઢાયો છે. જીએનએફસી અને અંધજન મંડળ સંસ્થા પાસે લાંબા સમયથી મેઇન રોડ પર ખોદકામ ચાલે છે. આ જ સ્થળે થોડા સમય પહેલા પણ ખોદકામ કરાયું જ હતું. કોઈ જ ચુસ્ત પ્લાનિંગ વગર કામગીરી થઈ રહ્યાનું ચિત્ર ઊભું થયું છે.
આ પણ વાંચો:મન હોય તો માળવે જવાય, ગુજરાતના આ પ્રથમ કિન્નર રીતુ દે કરી રહ્યા છે આઈએસની તૈયારી…
આ પણ વાંચો:મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીનો આપઘાત
આ પણ વાંચો:પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ
આ પણ વાંચો:ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત