Lifestyle: સામાન્ય રીતે પિત્ઝાનો બેઝ મેંદાનો હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મેંદાના સ્થાને તમે સોજીના પિત્ઝા (Suji Pizza Recipe) બનાવી શકો છો જે ખાવામાં હૅલ્ધી હોવા ઉપરાંત, સ્વાદસભર પણ હોય છે.
હૅલ્થ કોન્શિયસ લોકોએ પિત્ઝા ખાવાનું ટાળવાની જરુર નથી
બાળકો હોય કે વડીલો…લગભગ બધાને જ પિત્ઝા ખાવાનું તો પસંદ જ હોય છે! પરંતુ, સામાન્ય રીતે એનો બેઝ મેંદા (Maida)નો હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મેંદાના વધુપડતા સેવનથી પાચન સંબંધી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે અને સાથોસાથ વજન (Weight) વધવું અને સુસ્તી જેવી સમસ્યાઓનું પણ એ કારણ બને છે. વળી, મેંદાને પચવા માટે વધારે સમય લાગે છે.

આ જ કારણથી હૅલ્થ કોન્શિયસ (Health Conscious) લોકો મોટાભાગે પિત્ઝા ખાવાનું ટાળતા જોવા મળે છે…પણ હવે નહિં ટાળે! કારણ કે, અહિં અમે તમને મેંદાનો ઉપયોગ કર્યા વિના જ સ્વાદિષ્ટ અને હૅલ્ધી પિત્ઝા તૈયાર કરવાની રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ. કેટલાક સરળ અને પૌષ્ટિક વિકલ્પો અપનાવીને ઘરે પણ એવા પિત્ઝા બનાવી શકાય છે જે સ્વાદમાં શાનદાર હોય અને વળી સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ હોય!
મેંદાના સ્થાને તમે સોજીના પિત્ઝા બનાવી શકો છો જે ખાવામાં હૅલ્ધી હોવા ઉપરાંત, સ્વાદસભર પણ હોય છે. તો ચાલો જાણીએ કે, સોજીના પિત્ઝા બનાવવાની સરળ રેસિપી શી છે?
શી રીતે બનાવશો સોજીના પિત્ઝા? (Suji Pizza Healthy Recipe)
સોજીના પિત્ઝા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ સોજી
1/2 કપ દહીં
સ્વાદાનુસાર મીઠું
1 નાની ચમચી બેકિંગ સોડા
ઝીણી સમારેલા કેપ્સિકમ
2-3 મોટી ચમચી સ્વીટ કોર્ન
1 મધ્યમ આકારનું સમારેલું ટામેટું
1/2 કપ પનીરના નાના ટુકડા
1/2 કપ છીણેલી મોઝરેલા ચીઝ
2 મોટા ચમચા ટોમેટો કેચઅપ
1/2 નાની ચમચી ચિલી ફ્લેક્સ
1/2 નાની ચમચી ઓરેગાનો
જો તમને પસંદ હોય તો સ્વાદ વધારવા માટે તમે ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા જૈતૂન અથવા અન્ય બાફેલી શાકભાજી ઉપયોગમાં લઇ શકો છો.

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક બાઉલમાં સોજી, દહીં (Curd) અને થોડું પાણી ઉમેરીને એક ઘટ્ટ બેટર બનાવી લો. એને બહુ પાતળું કે બહુ ગાઢું ન રાખવું.
2. 15-20 મિનિટ એને ઢાંકીને મૂકી દો જેથી સોજી સારી રીતે ફૂલી જાય અને બેઝ નરમ બને.
3. હવે બેટરમાં મીઠું અને બેકિંગ સોડા (Salt & Baking Soda) ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો.
4. ત્યાર બાદ, નોન-સ્ટિક પૅન ગરમ કરી એને તેલ વડે ગ્રીસ કરી લો. તવી ગરમ થાય એટલે એની ઉપર કડછી વડે મિશ્રણ ફેલાવી લો.
5. થોડો જાડો બેઝ જ સારો લાગે છે એટલે એને ઢાંકીને ધીમા તાપે 2-3 મિનિટ સુધી પકાવી લો.
6. જ્યારે નીચેના ભાગે એ ગોલ્ડન બ્રાઉન અને કુરકુરો થઈ જાય ત્યારે સમજવું કે પિત્ઝા બેઝ (Pizza Base) તૈયાર છે. એને પલટાવી લેવો અને ગેસ ધીમો જ રાખવો.
7. હવે પાકી ગયેલા ભાગ પર ટોમેટા કેચઅપ અથવા પિત્ઝા સોસ લગાવી લો. ઉપર કેપ્સિકમ, સ્વીટ કોર્ન, ટમેટા, પનીર અથવા તમારી મનપસંદ શાકભાજીના ટુકડા ગોઠવી દેવા.
8. અંતે ઉપર મોઝરેલા ચીઝ (Mozzarella Cheese) ભભરાવી દેવી અને તવાને ફરીથી ઢાંકીને ધીમા તાપે 4-5 મિનિટ સુધી થવા દેવું જેથી ચીઝ સરસ રીતે પીગળી જાય અને ટોપિંગ પણ હળવું રંધાઇ જાય!

તો તૈયાર છે તમારા સોજીના પિત્ઝા…જેની ઉપર તમે ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો (Chilli flakes and Oregano) ભભરાવીને એની મજા માણી શકો છો! આ ખાઇને તમારા બાળકો તો રાજીના રેડ થઇ જશે!
આ પણ વાંચો: ઉનાળામાં હોઠ કેમ ફાટી જાય છે? સુંવાળા અને ગુલાબી રાખવા અજમાવો ઘરગથ્થું ઉપચાર
આ પણ વાંચો: ઇસબગુલ ફક્ત ઉનાળામાં જ કેમ ખાવું જોઈએ? જાણી લો ખાવાની સાચી રીત
આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…
