રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર એક્શન ડ્રામા ‘સૂર્યવંશી’ની સ્ટાર કાસ્ટમાં ‘બધાઈ હો’ ફેમ નીના ગુપ્તા પણ સામેલ થઇ ગયા છે. ફિલ્મમાં અક્ષય કુમાર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ચીફના રોલમાં જોવા મળશે અને કેટરીના તેની પત્નીના રોલમાં દેખાશે. નીના ગુપ્તા અક્ષય કુમારની માતાના રોલમાં જોવા મળશે. ‘સૂર્યવંશી’ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી જ શરૂ થવાનું છે.

ફિલ્મના રોલ વિશે જણાવતાં નીના ગુપ્તાએ કહ્યું કે, ‘ફિલ્મમાં મારો રોલ ટિપિકલ મમ્મીનો નથી, જે પોતાના દીકરાને જમવા માટે, લગ્ન માટે પૂછ્યા કરે. મારી અક્ષય અને કેટરીના વચ્ચે અલગ જ પ્રકારનું કનેક્શન જોવા મળશે. આ એક નવો, સ્વીટ અને રસપ્રદ રોલ છે જે હું કરવા ઇચ્છતી હતી. હું ખુશ છું કે વધુ લોકો મારું કામ જોઈ શકશે.’

‘સૂર્યવંશી’ ફિલ્મ સંજય લીલા ભણસાલીની સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘ઇન્શાલ્લાહ’ અને એસ એસ રાજામૌલિની ‘RRR’ સાથે બોક્સઓફિસ પર 30 જુલાઈ, 2020ના ટકરાશે.

રોહિત શેટ્ટી સિનેમેટિક યુનિવર્સનું મૂવી
આ મૂવી રોહિત શેટ્ટીની પોલીસ યુનિવર્સનું મૂવી છે. ફિલ્મ ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ અને’ સિમ્બા’ પછી સ્ટોરીનો ચોથો ભાગ હશે. ફિલ્મમાં અક્ષય ‘વીર સૂર્યવંશી’નો રોલ પ્લે કરશે જે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ચીફ છે. અક્ષયના બેકગ્રાઉન્ડમાં ગાડીની નંબર પ્લેટમાં સિમ્બા લખેલું પણ દેખાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણનો કેમિયો પણ હશે એટલે આગળની ફિલ્મોના બન્ને ઓફિસર પણ અક્ષયની સાથે દેખાશે. આ ફિલ્મ કોઈ સાઉથની ફિલ્મની રિમેક નથી.