Lifestyle: ઘણી વાર આપણે કોઇ તૂટેલી વસ્તુને ચોંટાડવા જઇએ ત્યારે ભૂલથી હાથ પર ફેવીક્વિક અથવા ગુંદર (Feviquick or Glue) લાગી જતું હોય છે. આને ગમે એટલું ઘસીએ તો પણ દૂર થતું નથી ઉલટાની સ્કિન ઉખડી જશે એવો ડર લાગે છે! તમારી સાથે પણ ક્યારેક તો આવું બનતુ જ હશે. જો હવે તમારી સાથે આવા સંજોગો ઊભા થાય તો, આ સરળ ટ્રિક્સ (Tricks)થી તમે આરામથી તમારા હાથમાં લાગેલી ફેવીક્વિકથી પીછો છોડાવી શકો છો.

ઘરમાં જો કોઇ વસ્તુ તૂટી જાય તો એને સાંધવા માટે આપણે ફેવીક્વિક કે અન્ય ગ્લૂનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકથી માંડીને તમામ વસ્તુઓને જોડવા માટે એ કારગર સિદ્ધ થાય છે. પરંતુ, સમસ્યા એ છે કે, અમુક વાર સાવધાની રાખવા છતાંયે આપણી આંગળીઓ પર ફેવીક્વિક સજ્જડ રીતે ચોંટી જાય છે અને ઘણી વાર તો આંગળીઓ પણ પરસ્પર ચોંટી જાય છે! આવા સમયે એેને શી રીતે દૂર કરવી એ જ સમજાતુ નથી અને ફેવીક્વિકમાં વપરાયેલા ઘટકો એટલા જ્વલનશીલ હોય છે કે, એને દૂર કરવાના પ્રયાસોમાં હાથમાં બળતરા પણ થવા લાગે છે અને ચામડીને પણ નુકસાન (Skin Damage) થાય છે. જો તમે આ બધી વસ્તુઓથી બચવા માગતા હો તો, ફેવીક્વિકને દૂર હટાવવાના આ સરળ ઉપાયો (Removal Tricks) અજમાવી જુઓ. એકવાર અજમાવશો અને પરિણામ તમને સકારાત્મક મળશે તથા હાથમાં ચોંટેલી ફેવીક્વિક ત્વચાને કોઇ નુકસાન પહોંચાડ્યા વિના આરામથી નીકળી જશે.
હાથ પર ચોંટેલી ફેવીક્વિકને હટાવવાના નુસખા

1. નવશેકું પાણી અને સાબુ વાપરો
જો વધારે મહેનત નથી કરવી તો થોડી વાર માટે સાબુ વાળા નવશેકા પાણી (Warm Soap Water)માં તમારી ફેવીક્વિક લાગેલી આંગળીઓ કે હાથને બોળી રાખો. ત્યારબાદ, બ્રશ વડે ઘસી લેવું અથવા આમ કરવાની કદાચ જરુર પણ નહિં પડે અને ફેવીક્વિક આરામથી નીકળી જશે.
2. મીઠું અને સિરકો વાપરો
સ્કિન પર લાગી ગયેલી ફેવીક્વિકને દૂર કરવા માટે તમે હાથવગા મીઠાનો ઉપયોગ કરી શકો છો. જે ભાગ પર ફેવીક્વિક ચોંટી હોય ત્યાં થોડું મીઠું (Salt) લગાવીને ઘસો. તમે ઇચ્છો તો, મીઠામાં થોડો સિરકો (Vinegar) પણ મિક્સ કરી શકો છો. મીઠું અને વિનેગર કોઇ બ્રશની સહાયતાથી અપ્લાય કરો અને તમારી ત્વચા પરથી ફેવીક્વિક આરામથી દૂર થઇ જશે.

3. લીંબુનો ઉપયોગ કરો
હાથ કે આંગળીઓ પર ચોંટેલી ફેવીક્વિકને દૂર કરવા માટે લીંબુ એક અસરકારક ઉપાય છે. લીંબુનો રસ (Lemon Juice) એસિડ જેવું કામ કરે છે અને એનાથી કોઇ પણ જાતની હાનિ વિના ફેવીક્વિક આરામથી દૂર થઇ જાય છે. આ ટ્રિક અજમાવવા માટે જ્યાં પણ ફેવીક્વિક લાગેલી હોય તે ભાગ પર લીંબુનો રસ નીચોવી લો અને થોડી વાર માટે એમ જ છોડી દો. ત્યારબાદ, એને બ્રશની મદદથી ક્લીન કરીને પાણી વડે ધોઇ લો.
4. નેઇલ પોલીશ રીમૂવરનો પ્રયોગ
જો બાળકોની ત્વચા પર આવી રીતે ફેવીક્વિક ચોંટી જાય તો આ ટ્રિક અજમાવવી હિતાવહ છે. એમની ત્વચા સંવેદનશીલ હોય છે એથી એને વધારે પડતી ઘસવાથી નુકસાન પહોંચી શકે છે. હાથ પર જ્યાં ગ્લૂ કે ફેવીક્વિક ચોંટી હોય ત્યાં નેઇલ પોલીશ રીમૂવર (Nail Polish Remover) લગાવીને 3 થી 4 મિનિટ સુધી એમ જ રહેવા દો. આમ કરવાથી, એ સરળતાથી નીકળી જાય છે.

5. કપડા પરથી દૂર કરો
આ ઉપરાંત, જો કપડા પર ગ્લૂ કે ફેવીક્વિક ચોંટી જાય તો ત્યાં પણ આ નેઇલ પોલીશ રીમૂવર કે પછી થીનર (Thinner)નો ઉપયોગ કરી શકાય છે. આમ કરવાથી એ નરમ બની જાય છે અને તમે એને આસાનીથી દૂર કરી શકો છો.
આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…
આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…
