Not Set/ લવ જેહાદના બદલે પેટ્રોલ-ડીઝલ પર ધ્યાન આપો

સરકારે લવ જેહાદના બદલે પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સસ્તા કરો. ખેડૂતોને ટેકાના ભાવ પૂરતા મળે એના પર સરકારે ધ્યાન આપવું જોઈએ.

Ahmedabad Gujarat Trending
WhatsApp Image 2021 03 20 at 6.31.30 PM 3 લવ જેહાદના બદલે પેટ્રોલ-ડીઝલ પર ધ્યાન આપો

1. રાજીનામુ પાછું ખેંચાયા બાદ કંઈક ગોઠવાયું છે

ગૃહમાં લવ જેહાદ સામે કડક કાયદો લાવતા વિધેયક ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક’ ને ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જોશપૂર્વકનું વક્તવ્ય આપી સમર્થન આપતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે કટાક્ષ કર્યો કે, રાજીનામુ પાછું ખેંચાયા બાદ કંઈક ગોઠવાયું લાગે છે. ઉલ્લેખનીય છે કે ઇનામદારે અગાઉ અધિકારીઓ ધારાસભ્યોના કામ નહીં કરતા હોવા મુદ્દે રાજીનામું ધર્યું હતું અને બાદમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

2. લવ જેહાદના બદલે પેટ્રોલ-ડીઝલ પર ધ્યાન આપો

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વિધેયક નો વિરોધ કરતા જણાવ્યું કે, લવ જેહાદ સામેનું આ વિધેયક ધર્મના નામે ભડકાવાનો રાજકીય એજન્ડા હોવાનું લાગે છે. સરકારે લવ જેહાદના બદલે પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સસ્તા કરો. ખેડૂતોને ટેકાના ભાવ પૂરતા મળે એના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. આ નિવેદન સામે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ વાંધો ઉઠાવતા કહ્યું કે, આ મુદ્દો બિલના સ્કોપમાં આવતો નથી. તરત જ વિપક્ષના નેતાએ કટાક્ષ કર્યો કે, સરકાર પ્રત્યે પ્રજાનો પ્રેમ વધે તેવા સૂચનો વિરજીભાઈ કરી રહયા છે.

3. કાકા તો અમે કહેશું જ

ગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારીમાં ખાનગી હોસ્પિટલોને ચુકવવાની રકમનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ તેમના વિસ્તાર સંદર્ભમાં આરોગ્યમંત્રી નીતિન પટેલને ‘નીતિનકાકા’ થી સંબોધીને પ્રશ્ન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે અધ્યક્ષ સમક્ષ હળવી શૈલીમાં વાંધો નોંધાવ્યો હતો. અધ્યક્ષે પણ વ્યંગ કરતા કહ્યું કે, હા વિપક્ષ ઘણીવાર આવી રીતે સંબોધન કરે છે. તરત જ ગેલેરીમાં બેઠેલા વસોયાએ મોટેથી જવાબ વાળ્યો, કાકા તો અમે કહેશું જ. જ્યા સુધી મામા ન બનાવે ત્યાં સુધી કાકા કહીશું.

4. અમે વખાણ કરીએ એ પચતા નથી

ગૃહમાં પ્રશ્નોતરી બાદ તાકીદની જાહેર અગત્યની બાબત અંતર્ગત ઉમરગામ ના બિલ્ડરના અપહરણ અને ખંડણી પ્રકરણ મુદ્દે ચર્ચા હતી. જેના જવાબમાં પોલીસની કામગીરી ના વખાણ કરતા ગૃહમંત્રી એ કહ્યું કે, ઇશરત જેવા આતંકવાદીઓનું ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું અને કોંગ્રેસે એ જ અધિકારીઓને જેલભેગા કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કહ્યું કે, અમે વખાણ કરીએ એ તમને પચતા નથી. 100 કરોડની ખંડણી ના આક્ષેપથી મહારાષ્ટ્ર સરકારને તોડવાનો પ્રયત્ન કરો છો એનો સ્વીકાર કર્યો હોત તો અમે પણ પાટલી થપથપાવતા.

5. લગ્ન પછીનો પ્રેમ કે પ્રેમ પછીના લગ્ન?

લવ જેહાદ સામેના વિધેયક નો વિરોધ કરતા પરેશ ધાનાણી પ્રેમ અંગે અને લૈલા-મજનુ જેવા પ્રેમીઓ ના ઉદાહરણ આપી રહયા હતા. તેમણે કહ્યું કે ભાજપે સત્તા મેળવવા માટે પ્રેમને દાવ પર લગાવ્યો. અધ્યક્ષે હસીને કહ્યું, આજે તમે પ્રેમ પર પીએચડી કરી નાખી. તમારે લગ્ન પછીનો પ્રેમ છે કે પ્રેમ પછીના લગ્ન છે? તરત જ ગૃહમંત્રી એ હળવી શૈલીમાં સુર પુરાવ્યો, પરેશભાઈના કિસ્સા ગૃહમાં કહેવાય એમ નથી.

6. કોંગ્રેસ માટે એક બાજુ કૂવો, બીજી બાજુ ખાઈ

ગૃહમાં લવ જેહાદ સામેના વિધેયકનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો ને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહએ કટાક્ષમાં કહ્યું કે, કોંગ્રેસના સભ્યો આ કાયદાનો ખુલીને વિરોધ કરી શકતા નથી અને ખુલીને સમર્થન પણ કરી શકતા નથી. એમના માટે તો એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઈ જેવી હાલત છે.

7. તો ગૃહમંત્રી પણ પાણી-પાણી થઈ ગયા હોત…

લવ જેહાદ સામેના કાયદામાં હિન્દુ-મુસ્લિમ ફિલ્મ કલાકારોના નામથી ઉદાહરણ આપતા પરેશ ધાનાણી એ જણાવ્યું કે, નરગિસનું પિક્ચર જોવા નીતિનકાકા પણ કાળાબજારમાં ટીકીટ લેતા હતા. મુસ્લિમ અને ગુજરાતી એવા પરવીન બાબી જે જીવનભર અપરિણિત રહયા, એમણે જો પ્રપોઝલ મૂકી હોત તો ગૃહમંત્રી પ્રદીપસિંહ પણ પાણી-પાણી થઈ ગયા હોત…