અમદાવાદ,
અમદાવાદ શહેરમાં શિક્ષણના ધામને કલકિત કરતી એક ઘટના સામે આવી છે. શહેરમાં આવેલી પ્રખ્યાત એચ એલ કોલેજમાં અભ્યાસ કરતા એક યુવક સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ યુવકે કંટાળી ફીનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જાહેરમાં જ તેનું પેન્ટ ઉતરાવી ડાન્સ કરવા કરાયો મજબૂર
મળતી માહિતી મુજબ, અસામાજિક તત્વો દ્વારા એચ એલ કોલેજમાં એફ વાય બીકોમમાં અભ્યાસ કરતા યુવકને જાહેરમાં જ તેનું પેન્ટ ઉતરાવી ડાન્સ કરવા માટે મજબૂર કરાયો હતો.
યુવકે કંટાળી કર્યો આત્મહત્યા પ્રયાસ
આ ઉપરાંત આ યુવકને તેની જાતિ વિષે શબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યો છે તેમજ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ એચ એલ કોલેજમાં અભ્યાસ કરતા આ યુવકે કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક સાથે રેગિંગ કરનારા કુલ ચાર યુવકમાંથી ત્રણ H.L કોલેજના જ વિદ્યાર્થીઓ છે અને તેઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ અસામાજિક તત્વોનું નામ ક્ષિતિજ રબારી, જય ભરવાડ, જયેશ રબારી અને અજમલ રબારી હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા ૩ મહિનાથી કરવામાં આવતો હતો હેરાન
જો કે ત્યારબાદ આ મામલે ચાર યુવકો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે. રેગિગની ઘટના મામલે વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, “આ અસામાજિક તત્વો દ્વારા મને છેલ્લા ૩ મહિનાથી હેરાન કરવામાં આવતો હતો અને અપશબ્દોનો ઉલ્લેખ કરાતો હતો”.
આ ઉપરાંત યુવકે પોતાની ફરિયાદમાં આરોપ લગાવતા કહ્યું, “મને ૨૦ સપ્ટેમ્બરના રોજ કોમર્સ છ રસ્તા પાસે ચાની કીટલી પર બોલાવીને બે લાફા મારવામાં આવ્યા હતા અને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી”.
આ યુવકે કોલેજના અન્ય કોઈ વિદ્યાથી સાથે આ પ્રકારની કોઈ ઘટના ન બને એટલા માટે તંત્રને તકેદારી લેવા માટે પણ જણાવ્યું છે.
શિક્ષણ મંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ રેગિગનો મામલો સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની ગંભીર ઘટનાઓ સહેજ પણ ચલાવી દેવામાં આવશે નહિ. આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે જરૂરી પગલા લેવામાં આવશે”.
જો કે એચ એલ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આ મામલે ક્યારેય પીડિત વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. જો આ વિદ્યાર્થીએ ફરિયાદ કરી હોત તો આ મામલો આટલો આગળ ન વધ્યો હોત.