અમદાવાદ: અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં સવારે વોકિંગ માટે જતી 16 વર્ષીય સગીરાઓની પાછળ પાછળ જઈ પીછો કરનાર ટેનિસ કોચની આનંદનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિયાળાની સિઝનમાં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક માટે જતાં હોય છે. શિયાળામાં મોર્નિંગ વોક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ હેતુ સબબ જોધપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પોતાની સમવયસ્ક સહેલીઓ સાથે સવારે ચાલવા જતી હતી. પરંતુ આ સગીરાઓ ચાલવા માટે જતી હતી ત્યારે એક શખ્સ તેમની પાછળ જઈને તેમને હેરાન કરતો હતો.
આ મામલે આ સગીરોએ તેમના વાલીઓને જાણ કરી હતી. જેના અંતર્ગત ગઈકાલે આ સગીરાઓના માતા-પિતાઓએ વોચ ગોઠવી હતી. આ વોચમાં સગીરાઓનો પીછો કરી રહેલા શખ્સને પકડી પાડ્યો હતો.
સગીરાઓના માતા-પિતાઓએ જે શખ્સને પકડ્યો હતો તે એક ટેનિસ કોચ હોવાનું બહાર આવ્યું છે. વાલીઓએ તેને રંગે હાથ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ જોધપુરની એક સોસાયટીના રહીશોએ તેમના બાળકોને ટેનિસ અને બેડમિન્ટન શીખવાડવા માટે વેજલપુરમાં રહેતા દિલીપ બારિયા નામના યુવકને કોચ તરીકે રાખ્યો હતો.
પરંતુ તેને કોચ તરીકે રાખ્યા બાદ કેટલીક છોકરીઓએ દિલીપના વ્યવહાર બાબતે તેમના માતા-પિતાને ફરિયાદ કરવામાં આવી હતી. કેટલાક વાલીઓની ફરિયાદ બાદ સોસાયટીના હોદ્દેદારોએ દિલીપને કોચમાંથી કાઢી મુક્યો હતો.
સોસાયટી દ્વારા દિલીપ બારિયાને કોચ પદેથી હાંકી કાઢવામાં આવ્યો હતો, તેમ છતાં દિલીપ સોસાયટીની આસપાસ ચક્કરો માર્યા કરતો હતો.
આ ઉપરાંત સોસાયટીની સગીરાઓ જ્યારે સવારમાં મોર્નિંગ વોકમાં નીકળતી હતી ત્યારે તેમજ આ સગીરાઓ કોઈ કામ સબબ વાહન લઈને સોસાયટીની બહાર નીકળે ત્યારે તેમનો પીછો કરી તેમને હેરાન કરતો હતો.
આ અંગે સગીરાઓએ તેમના વાલીઓને ફરિયાદ કરી હતી. જેના આધારે તેમના વાલીઓએ વોચ ગોઠવી હતી. તેમાં શનિવારે સવારે સોસાયટીના રહીશોએ છટકું ગોઠવ્યું હતું અને દિલીપ બારિયાને ઝડપી લીધો હતો.
વાલીઓએ આ ટેનિસ કોચને ઝડપીને આનંદનગર પોલીસને હવાલે કર્યો હતો. આનંદનગર પોલીસે તેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.