Not Set/ પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજીમાં નીકળશે માં જગત જનનીની ભવ્ય શોભાયાત્રા

પોષ મહિનાની પૂનમે એટલે કે મંગળવારે જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન માં જગદંબાનો પ્રાગટય દિવસ માઇભકત્તો માટે કંઇક ખાસ બની જાય છે. આ દિવસે ગુજરાત જ નહીં દૂર-દૂરનાં રાજ્યોમાંથી ભાવિકો માં જગત જનનીનાં દર્શને ઊમટી પડે છે. ત્યારે અંબાજીમાં મિની કુંભ મેળા જેવો માહોલ સર્જાય છે અને લોકો પરિક્રમા માટે […]

Gujarat
download 1 પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજીમાં નીકળશે માં જગત જનનીની ભવ્ય શોભાયાત્રા
પોષ મહિનાની પૂનમે એટલે કે મંગળવારે જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન માં જગદંબાનો પ્રાગટય દિવસ માઇભકત્તો માટે કંઇક ખાસ બની જાય છે. આ દિવસે ગુજરાત જ નહીં દૂર-દૂરનાં રાજ્યોમાંથી ભાવિકો માં જગત જનનીનાં દર્શને ઊમટી પડે છે. ત્યારે અંબાજીમાં મિની કુંભ મેળા જેવો માહોલ સર્જાય છે અને લોકો પરિક્રમા માટે નીકળતી માતાજીની ભવ્ય શોભાયાત્રામાં ‘માં’ નાં ગુણગાન ગાય છે.
આ દિવસે શણગારેલી અંબાડી ઉપર બિરાજમાન થયેલા માતાજી જ્યારે ભાવિકોને દર્શન આપવા નીકળે છે ત્યારે માઇભક્તોના હૃદયમાં અપાર ઉલ્લાસ વર્તાય છે. ભવ્ય શોભાયાત્રાના તૈયારીઓ સ્વરૂપે સમગ્ર ગામમાં પહેલા પ્રક્ષાલન  એટલે કે ટેન્કર દ્વારા પાણીથી પરિક્રમા પથને ધોવામાં આવે છે. ત્યારબાદમાં ગ્રામજનો દુકાનો અને ઘરોની આગળ કલરફૂલ રંગોળીઓ પુરે છે જે બતાવે છે, કે માઇભક્તોના હૃદયમા માતાજીના સ્વાગત માટે ઊર્મિઓ છલકાય છે. એટલું જ નહી દીપાવલીની જેમ ઘરે ઘરે દીવડા પ્રગટાવાય છે. માં અંબાના પ્રાગટય દિવસના ધાર્મિક મહત્વ સાથે પૌરાણીક મહત્વ પણ છે.
પોષ મહિનાના પૂનમની પૌરાણિક માન્યતા મુજબ, પૂર્વકાળમાં અસુરોના ત્રાસથી પ્રજા, સંતો, મહંતો અને બ્રાહ્મણો હેરાન-પરેશાન થયી ગયા હતા તેમજ વરસાદ ના થતા દુષ્કાળ પણ પડ્યો હતો. આમ અનેક મુશ્કેલીઓમાંથી બચવા માટે સૌએ ભેગા મળીને માતાજીને આજીજી કરી હતી. ત્યારે ભકતોની આજીજી સાંભળીને માતાજી દ્રશ્યમાન થયાં હતા અને ભક્તોને યાદ કરવાનું કારણ પૂછયું હતુ. ભક્તોની આપવીતી સાંભળીને માંની આંખોમાંથી મુશળધાર આંસુ વહેવા માંડયા હતા જે પૃથ્વી ઉપર પડતા અનાજ અને વિપુલ પ્રમાણમાં શાકભાજી ઉત્પન્ન થયા હતા ત્યારથી માં અંબાનું પ્રાગટય માનવામાં આવે છે અને તેમને શાકંભરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે માતાજીના મંદિરમાં વિધિ-વિધાન મુજબ યજ્ઞ પણ કરવામાં આવે છે. માતાજીને સોનાના થાળમાં છપ્પનભોગ ધરાવવામાં આવે છે અને સમગ્ર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. આ દિવસની વિશેષ ઉજવણી માટે શ્રી અંબાજી ધાર્મિક સેવા ઉત્સવ સમિતિ વિશેષ આયોજન કરતી હોય છે. સમગ્ર અંબાજી મંદિરને ધજા-પતાકાઓ થી શણગારાય છે. શક્તિદ્વારથી શોભાયાત્રા શરૂ થાય છે ત્યારે માં અંબા શાહી ઠાઠથી નગરની પરિક્રમાએ નીકળી માઇભક્તોને દર્શન આપે છે.
મહત્વનું છે કે, માં અંબાની પુજાનો એક માત્ર અધીકાર સિધ્ધપુરનાં માનસગૌત્ર ઠાકર પરિવારને જ છે. શિવશંકર ભટ્ટજી મહારાજની સાતમી પેઢી હાલ માતાજીની પુજા કરી રહી છે. મંદિરમાં પુજા કરનાર ઠાકર પરિવારનાં સભ્યોને ભટ્ટજી મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. માં અંબાનું ધામ 1000 થી 1200 વર્ષ જુનુ હોવાની માન્યતાં છે. માં અંબાનાં નિજ મંદિરમાં કોઇ જ પ્રકારની મુર્તીપુજા થતી નથી પણ યંત્ર પુજાય છે જેને માતાજી તરીકે શણગાર કરીને માં અંબાનું અનોખુ સ્વરૂપ અપાય છે. સવારમાં બાલ્યાવસ્થા, બપોરે યોવન અવસ્થા અને સાંજે ને રાત્રે વૃદ્ધાવસ્થામાં માતાજીનાં રૂપ માનવામાં આવે છે.