Gandhinagar News : ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન -GRIT, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસીસ (Medical Devices) -EPCMD અને NIPER – અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર (Gandhinagar)ખાતે એક દિવસીય “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને ભારતના સૌથી શ્રેષ્ઠ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેડિકલ ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાનો છે.
GRIT ના સી.ઈ.ઓ. એસ. અપર્ણાની અધ્યક્ષતામાં યોજાયેલા ઉદ્ઘાટન સત્રમાં વક્તાઓએ ‘વિકસિત ગુજરાત 2030’ ના રોડમેપ અને દેશની વ્યાપક મેડટેક મહત્વાકાંક્ષાઓમાં ગુજરાતની સક્રિય ભૂમિકા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત GRIT ના સી.ઈ.ઓ. સુશ્રી એસ. અપર્ણાએ સેમિનારના માધ્યમથી આગામી સમયમાં ગુજરાત ભારતનું સૌથી શ્રેષ્ઠ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેડિકલ ટેકનોલોજી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે એવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી.
આ સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્યના ઝડપથી વિકસતા તબીબી ઉપકરણોના વૈશ્વિક પરિદ્રશ્ય -સિનેરિયો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના પરંપરાગત એસેમ્બલી કામકાજથી આગળ વધીને ઉચ્ચ સ્તરના, નિકાસ-આધારિત ઉત્પાદન તરફ જવા તેમજ રાષ્ટ્રીય તબીબી ઉપકરણ નીતિ અને ભારતના વ્યાપક મેડટેક વિઝન સાથે ઉદ્યોગ વિકાસને સંરેખિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમના ટેકનિકલ સત્રોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મેળવવા માટેની વૈશ્વિક સબમિશન વ્યૂહરચનાઓ અને નિકાસ-તૈયાર ગુણવત્તા પ્રણાલીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા 510(k), De Novo, PMA, EU MDR અને EU IVDR જેવા નિયમનકારી માર્ગો તેમજ ISO 13485, FDA QMSR અને MDSAP સહિતના ગુણવત્તા ધોરણોને આવરી લઈને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડૉ. તમન્ના ચતુર્વેદી દ્વારા મેડિકલ ડિવાઇસીસ સેક્ટર માટે FTA -ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ઉપયોગ પર રજૂ કરાયેલા વિગતવાર પ્રેઝન્ટેશનને તમામ સહભાગીઓ દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી.
ગુજરાતમાં મેડિકલ ડિવાઇસ (Medical Devices)પાર્કની આસપાસ એક મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થઈ
સેમિનારના અંતિમ સત્રમાં ગુજરાતમાં મેડિકલ ડિવાઇસ (Medical Devices)પાર્કની આસપાસ એક મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમન ટેસ્ટિંગ લેબોરેટરીઓ, નસબંધી સુવિધાઓ, કેલિબ્રેશન સેન્ટરો, ઇન્ક્યુબેશન સપોર્ટ, સપ્લાય ચેઇન સ્થાનિકીકરણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. આ ચર્ચાઓમાં ગુજરાતમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા અને મોટા પાયે રોકાણ આકર્ષવાની રાજ્યની અપાર સંભાવનાઓ પર મહાનુભાવો દ્વારા વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગુજરાત પાસે વૈશ્વિક મેડિકલ ડિવાઇસ (Medical Devices) ઉત્પાદનનું અગ્રણી કેન્દ્ર બનવા માટે યોગ્ય નીતિગત વાતાવરણ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને સહયોગી ઇકોસિસ્ટમ ઉપલબ્ધ છે જે મોટા પાયે રોકાણો આકર્ષવામાં સક્ષમ છે.
આ કાર્યક્રમમાં ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ અમન શર્મા, વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ અમિત વર્મા, CDSCOના ડેપ્યુટી ડ્રગ કંટ્રોલર અસીમ શાહુ અને NIPER અમદાવાદના નિર્દેશક ડૉ. શૈલેન્દ્ર સરાફ સહિત મેરિલ લાઇફસાયન્સ, SMT, BPL અને ફિલિપ્સ ઇન્ડિયાના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ નીતિગત સહાય, બજાર ઍક્સેસ અને ઉત્પાદન સ્પર્ધાત્મકતા પર પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા.
