અમદાવાદ: રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી બેઠક પર વિજેતા બનેલા ગીતાબેન વસાવાને બિનઆદિવાસી ગણી તેમને પદ પરથી દૂર કરવાના વિજિલન્સના રિપોર્ટ સામે હાઈકોર્ટમાં થયેલી પિટિશન ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે ફગાવી દીધી હતી.
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી બેઠક પર વિજેતા બનેલાં મહિલાની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી એટલું જ નહીં, હાઈકોર્ટે આ સાથે નોંધ્યું હતું કે, આદિવાસી યુવક સાથે લગ્ન કરવાથી પણ મહિલાને આદિવાસીનું સ્ટેટસ મળી શકે નહીં.
રાજપીપળા નગરપાલિકામાં આદિવાસી બેઠક પર સભ્ય તરીકે ચૂંટાયેલાં ગીતાબેન વસાવા મૂળ આદિવાસી નહીં હોવા મામલે રાજપીપળા કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં સ્થાનિક કોર્ટ દ્વારા ગીતાબેન આદિવાસી નહીં હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આથી આ ચુકાદાને ગીતાબેન વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ મામલે સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ પોતાની રજૂઆત કરી હતી. આ પછી હાઈકોર્ટે વધુ સ્પષ્ટતા કરવા માટે નિષ્ણાતોની કમિટિને તપાસ કરી અહેવાલ આપવા આદેશ આપ્યો હતો.
આ નિષ્ણાતોની કમિટિએ પણ પોતાના અહેવાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, ગીતાબેનનાં માતા આદિવાસી જ્ઞાતિનાં હતાં. જોકે તેમના પિતા સોની જ્ઞાતિના હતા. તેમણે સાતમાં ધોરણ સુધી પોતાનું નામ વસાવા રાખીને અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે આદિવાસી યુવક સાથે લગ્ન કરતા તેમનું નામ ગીતાબેન મહેશકુમાર વસાવા થયું હતું.
આ સંજોગોમાં કમિટિએ એવું સ્પષ્ટ કર્યું હતું કે, ગીતાબેનના પિતા સોની જ્ઞાતિના હતા, તેમનાં માતા આદિવાસી હોવાથી તેમને આદિવાસીનું સ્ટેટસ મળી શકે નહીં. આ ઉપરાંત સમિતીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ગીતાબેનના પતિ આદિવાસી જ્ઞાતિના હોવા છતાં પણ તેમને માત્ર લગ્ન કરવાથી આદિવાસીનું સ્ટેટસ મળી શકે નહીં.