મડાગાસ્કરમાં ગુજારાતીઓની વસ્તી ખુબ વધારે છે જેના લીધે અહિંયા આ સમુદાયે મંદિરનું નિર્માણ કરાવ્યું છે. મડાગાસ્કર હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક ટાપુ પર વસેલો દેશ છે. મોરેશિયસની નજીક જ દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા ટાપુ પર વસેલા મડાગાસ્કર અને ગુજરાતને સદીઓ જૂનો સંબંધ છે. અંદાજે વર્ષ 1780 આસપાસ પહેલી વખત મડાગાસ્કર ગયેલા અમુક ભારતીયો ત્યાં સેટલ થયા હતા જેમાં મોટેભાગે ગુજરાતીઓ હતા. 18મી સદીથી 20મી સદીની શરૂઆત સુધી મેડાગાસ્કરમાં ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.મડાગાસ્કરના પાટનગર અંતાનનારિવોમાં તાજેતરમાં જ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મડાગાસ્કરમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓની બહુમતી છે. આરતી, ભજનો વચ્ચે મંદિરને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મડાગાસ્કર ખાતે ભારતના રાજદૂત અભય કુમાર આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મડાગાસ્કર હિન્દુ સમાજ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ મંદિરમાં કરવામાં આવી હતી વિશેષ પૂજા ,હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અહિંયા ગુજરાતીઓ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરીંગ, રીઅલ એસ્ટેટ બિઝનેસમાં વધારે છે. ઘણા ભારતીયો અહીં મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મડાગાસ્કરની જીડીપીમાં ગુજરાતી સમુદાયનો મહત્વનો ફાળો રહ્યો છે. મડાગાસ્કરમાં વસતા ગુજરાતી લોકો દરેક તહેવાર ઉજવે છે પણ નવરાત્રિમાં રોનક જ અલગ હોય છે. તેઓ વર્ષોથી અહીં રહે છે, પણ દરેક પરંપરા જાળવી રાખી છે. મડાગાસ્કરમાં 3 મંદિર છે. અંતાનનારિવો સિવાય મેડાગાસ્કરના અન્ય શહેરો મહાજાંગા, ડીએગો, ટેમતેવમાં પણ નવરાત્રીના આયોજન કરાયા છે.
