સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ઐતિહાસિક જામા મસ્જિદ સહિત અનેક ઈમારતો અને વાહનોને નુકસાન થયું હતું.
પોલીસ અને ફાયર બ્રિગેડને સેંકડો બચાવ કોલ મળ્યા જ્યારે લુટિયન દિલ્હી, આઈટીઓ, કાશ્મીરી ગેટ, એમબી રોડ અને રાજઘાટ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં 2018 પછી પહેલીવાર ભારે વાવાઝોડું આવ્યું છે. દિલ્હીમાં સાંજે 5.30 વાગ્યે 17.8 મીમી વરસાદ નોંધાયો હતો અને વાવાઝોડાને કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો. સફદરજંગ વેધશાળામાં સાંજે 5:40 વાગ્યે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે સાંજે 4:20 વાગ્યે 40 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન હતું.
મધ્ય દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં પાડોશીની બાલ્કનીનો એક ભાગ તૂટી પડતાં એક 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તે પોતાના ઘરની બહાર ઊભો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) શ્વેતા ચૌહાણે કહ્યું કે મૃતકની ઓળખ કૈલાશ તરીકે થઈ છે અને દરિયાગંજની સંજીવન હોસ્પિટલ પહોંચતા પહેલા તેનું મોત થઈ ગયું.
ઉત્તર દિલ્હીના અંગૂરી બાગમાં બસીર બાબા નામના 65 વર્ષના બેઘર વ્યક્તિ પર પીપળનું ઝાડ પડવાથી તેનું મોત થયું હતું. અન્ય એક બનાવમાં ચાંદની ચોકમાં કબૂતર બજાર પાસે લીમડાનું ઝાડ કાર પર પડતાં એક વર્ષના બાળક સહિત પરિવારના ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.