Corona Virus/ કોરોનાને કારણે દુનિયાની હાલત કેવી બની? આવો જાણીએ આ અહેવાલમાં

સ્થિતિની ગંભીરતા જોતા ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાને લઈને રાજ્ય સરકાર આયોજનમાં લાગી છે. મીડિયા અહેવાલો અનુસાર, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ…

Mantavya Exclusive
Corona Virus World Report

Corona Virus World Report: ચીનમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ભારત સરકાર હરકતમાં આવી છે અને તેના પગલે ગુજરાતની નવી ચૂંટાયેલી સરકાર પણ સંબંધિત પગલાં લેવાના આયોજનમાં લાગી છે. ચીનમાં કોવિડ-19ની અત્યાર સુધીની સૌથી મોટી લહેર આવી છે. ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં આવનારા કેટલાક મહિનામાં કોવિડથી 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. એનપીઆરનો રિપોર્ટ કહે છે કે ચીનમાં કોરોનાથી મરનારની સંખ્યા પાંચ લાખ થઈ શકે છે, પરંતુ ચીનમાં વર્તમાન સમયનો આંકડો આ સંખ્યાથી ઘણો ઓછો છે. ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

સ્થિતિની ગંભીરતા જોતા ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાને લઈને રાજ્ય સરકાર આયોજનમાં લાગી છે. મીડિયા અહેવાલો અનુસાર, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોરોના મામલે બેઠક મળવાની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા બહુ ઓછી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગની યાદી અનુસાર, 20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના માત્ર બે કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 20 કેસ સક્રિય છે. યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 11,043 લોકોનાં મોત થયાં છે. તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી.

ભારતમાં ચિંતા વધી

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, “ભારત પોતાના પાંચ તબક્કાના કોવિડ ઉપાય ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ-સંબંધિત યોગ્ય વ્યવહારના પાલનથી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સક્ષમ છે. ચીન, જાપાન, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં કોરોના ઝડપથી વધતા આપણે બધા પૉઝિટિવ કેસની જીનોમ સિક્વેન્સિંગ કરીએ, જેથી વૅરિયન્ટને ટ્રૅક કરી શકાય. બધાં રાજ્યોને અપીલ છે કે દરરોજ સામે આવતા કોરોનાના કેસના સૅમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે લૅબમાં મોકલે.”

તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મંગળવારે ભારતના કોરોનાના 112 નવા કેસ નોંધાયા છે અને દેશમાં કુલ સક્રિય કેસ આ સમયે 3400 છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને ભારત જોડો યાત્રાને સ્થગિત કરવા અપીલ કરી છે.

શું કહે છે એઇમ્સના પૂર્વ નિદેશક રણદીપ ગુલેરિયા?

એઇમ્સના પૂર્વ નિદેશક રણદીપ ગુલેરિયાએ કોરોના મહામારીના નવા જોખમ મામલે કહ્યું કે ભારતમાં મહામારીનાં ત્રણ વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, “જ્યારે મહામારીની શરૂઆત થઈ ત્યારે આપણી અંદર વાઇરસ સામે લડતી રોગપ્રતિકારક ક્ષમતા નહોતી, જેના કારણે ઘણા લોકોને ગંભીર ચેપ લાગ્યો હતો. પરંતુ હવે મહામારીનાં ત્રણ વર્ષ બાદ આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં પ્રાકૃતિક સંક્રમણ મોટી સંખ્યામાં છે અને ઘણા લોકો અનેક વાર સંક્રમિત થયા છે. તો રસી પણ ઘણી વસ્તી સુધી પહોંચી ગઈ છે. આપણી પ્રતિરક્ષા શક્તિ વાઇરસ સામે લડવા માટે ઘણી મજબૂત છે અને તેના કારણે વાઇરસ ગંભીર રીતે બીમારી ન કરી શકે. પહેલાં આપણે અલ્ફા, બીટા અને ડેલ્ટા વૅરિયન્ટ જોયા હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં આપણે સતત ઓમિક્રૉન વૅરિયન્ટના અલગઅલગ પ્રકાર જોયા છે. કોઈ એવો વૅરિયન્ટ નથી જે સંપૂર્ણ અલગ હોય.”

તેમણે વધુમાં કહ્યું, જોકે આપણે સતર્ક અને સક્રિયતાની સાથે નિરીક્ષણ કરવાની જરૂર છે. કેમકે, આપણને ખબર નથી કે વાઇરસ કેવી પ્રતિક્રિયા આપશે. લાગે છે કે વાઇરસ સ્થિર અને સામાન્ય થઈ ગયો છે. પણ આપણે મૃત્યુઆંક વધવાનું અને લોકોના હૉસ્પિટલમાં ભરતી થવાનું કારણ જોવું પડશે.

કોવિડ સામેના પડકારોની અંગે વાત કરતા તેમણે કહ્યું, ચીન અને ઇટાલીમાં જે સ્થિતિ બની હતી એને જોઈને લાગે છે કે ઓછી તૈયારી કરતાં વધુ તૈયારી કરવી જોઈએ. આ રીત કારગત છે, કેમ કે વૈજ્ઞાનિક, ક્લિનિક અને નીતિનિર્માતા આંતરિક રીતે જોડાયેલાં છે. આપણે પહેલાં જ લૉકડાઉન લાગુ કર્યું હતું, જોકે ઘણા લોકોને તેના પર આપત્તિ હતી કે લૉકડાઉન બહુ વહેલાં લગાવી દીધું. પરંતુ તેનાથી જાગરૂકતા ફેલાવવા અને તૈયારીના સમય માટે મદદ મળી. આ દરમિયાન આપણે દર્દીઓની સંભાળ માટે પ્રાથમિક ઢાંચો બદલવા અને તૈયારી માટે ઘણું કામ કર્યું. આ કાંટાળો રસ્તો હતો, પણ આપણે ઘણા પશ્ચિમી દેશો કરતાં વધુ સારું કામ કર્યું.”

ચીનમાં શું થઈ રહ્યું છે?

ચીનના સાર્વજનિક આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આવનારા કેટલાક મહિનામાં કોરોનાથી 80 કરોડ લોકો સંક્રમિત થશે અને મૃત્યુઆંક પાંચ લાખ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍૅન્ડ પ્રિવેન્શનના અધિકારી શુ વેન્બોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે વાઇરસનો નવો વૅરિયન્ટ ઝડપથી મ્યૂટેન્ટ થશે, પરંતુ તેમણે તેના જોખમને ઓછું આંક્યું. અમેરિકન મીડિયા સંસ્થા એનપીઆરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, યેલ યુનિવર્સિટીના જાહેર આરોગ્ય પર સંશોધન કરનાર અને ચીનની સ્વાસ્થ્ય-પ્રણાલીના નિષ્ણાત શી ચેને કહ્યું છે કે ચીનના આરોગ્ય અધિકારી ડૉ. શાઓફેંગ લિયાંગનું કહેવું છે કે કોરોનાની આ લહેરથી ચીનમાં લગભગ 60 ટકા વસ્તી પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આનો અર્થ થયો કે પૃથ્વીની 10 ટકા વસ્તી આવનારા 90 દિવસમાં કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.” આ મહિનાની શરૂઆતમાં ચીને તેની સખત ઝીરો કોવિડ નીતિ હળવી કરી અને ત્યારથી ત્યાં કોરોનાના કેસોનું જાણે કે પૂર આવ્યું છે.

દવાઓ ખલાસ, હૉસ્પિટલો ઊભરાઈ

રૉયટર્સનું કહેવું છે કે ચેપનું હૉટસ્પોટ બેઈજિંગ છે. જ્યાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે એ શાંઘાઈના રસ્તાઓ પર હાલના સમયે કોઈ નજરે ચડતું નથી. સ્વાભાવિક છે કે કોરોના વધતા દેશની આરોગ્ય-પ્રણાલી પર પણ દબાણ વધી રહ્યું છે અને આ સ્થિતિમાં ચીનની હૉસ્પિટલોમાં સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાઈ રહ્યો છે. નવાં ICU બનાવાઈ રહ્યાં છે, તાવ માટે ક્લિનિક્સ તૈયાર કરાઈ રહ્યાં છે, પથારીની સંખ્યા વધારાઈ રહી છે.

ગત અઠવાડિયે બેઈજિંગ, શાંઘાઈ, ચેંગ્ડુ અને વાનઝાઉ સહિતનાં મોટાં શહેરોએ જાહેરાત કરી હતી કે તેમણે સેંકડો તાવ ક્લિનિક્સ બનાવ્યાં છે અને કેટલાંક રમતગમત સંકુલોને ક્લિનિક્સમાં રૂપાંતરિત કરાયાં છે. ચીનમાં ઘણી હૉસ્પિટલો દર્દીઓથી ભરેલી છે, દવાઓની દુકાનો ખાલી થઈ ગઈ છે, લોકો ગભરાઈને દવા ખરીદી રહ્યા છે અને તેનો સંગ્રહ કરી રહ્યા છે. હાલના સમયમાં દુકાનોમાં લોકોને જરૂરી દવાઓ મળી રહી નથી, લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને ડિલિવરી સેવામાં જબરદસ્ત તેજી આવી છે.

હોસ્પિટલોમાં લાશોના ઢગલા તો રૂમમાં ઘેટાની જેમ દર્દીઓ ભર્યા

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો ખતરો હવે આખી દુનિયામાં ચિંતા ઊભી કરી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસે એવો હાહાકાર મચાવ્યો છે કે, હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે, પગ મૂકવાની જગ્યા નથી અને દવાઓ માટે લાંબી કતારો લાગી રહી છે. ચીનમાં કોરાના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા પેટા પ્રકારોથી સંબંધિત ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીનની હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા બચી નથી. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બેસવાની જગ્યા પણ નથી. કોરોનાએ ચીનમાં એટલી હદે તબાહી મચાવી છે કે, દર્દીઓ અને મૃતદેહો કલાકો સુધી એક જ રૂમમાં પડેલા છે. હોસ્પિટલોમાં પથારીઓ નથી, દર્દીઓને મૃતદેહ પાસે જમીન પર સારવાર લેવાની ફરજ પડે છે. સ્મશાન પર પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવામાં આવે છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક જ રૂમમાં દર્દીઓની સાથે-સાથે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની લાશ પણ છે.

ચીનની 60 ટકાથી વધુ વસ્તીને થશે કોરોના?

ચીનમાં પણ કોરોનાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ચીનની 60 ટકાથી વધુ વસ્તી કોરોનાના આ નવા મોજાથી સંક્રમિત થશે અને 20 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોથી લોકો ભયભીત બન્યા છે. અહીં દવાની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. દવાઓની અછતને કારણે તેની કિંમતોમાં અનેકગણો વધારો થયો છે. એટલું જ નહીં એવો પણ અંદાજ છે કે ચીનમાં ભયંકર કોરોના વાયરસથી લગભગ લાખો લોકોના મોત થઈ શકે છે. ચીનની વસ્તીના આધારે આ અંદાજ લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કોરોના નિયમોમાં છૂટછાટથી કેસમાં વધારો થશે અને તેના કારણે પ્રતિ મિલિયન 684 લોકોના મોત થશે. જણાવી દઈએ કે ચીનની વસ્તી 1.41 અબજ છે.

અમેરિકન આરોગ્ય અર્થશાસ્ત્રી અને રોગચાળાના નિષ્ણાત એરિક ફીગેલ-ડિંગના અનુમાન મુજબ આગામી 90 દિવસમાં ચીનની 60 ટકાથી વધુ વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. આના કારણે લગભગ 10 લાખ લોકોના મોતની આશંકા છે. આ સાથે વિશ્વની 10 ટકાથી વધુ વસ્તી પણ કોરોનાની ઝપેટમાં આવી શકે છે. તેણે કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે. જણાવી દઈએ કે ચીનમાં કોરોનાને લઈને સંપૂર્ણ ગભરાટનો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. શેરીઓમાં મૌન છે. હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર લાઇનો લાગેલી છે. ચારેબાજુ હોબાળો છે અને આ જ કારણ છે કે ચીનની સરકારે નિર્ણય લીધો છે કે સત્તાવાર આંકડાઓમાં માત્ર કોરોનામાં શ્વસનતંત્રની નિષ્ફળતાને કારણે થયેલા મૃત્યુનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર/ફડણવીસની પત્નીનું નિવેદન – મહાત્મા ગાંધી જૂના અને નરેન્દ્ર મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા