ગુજરાત/ રાજ્યનાં નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કરાયું

પહેલીવાર ૨૫૦૦ જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.

Top Stories Gujarat Others
સીએમ

મુખ્યમંત્રીએ અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું.  ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને તેમણે સી.એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર આ યાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ રસપૂર્વક નિહાળ્યું હતું.  ભૂપેન્દ્ર પટેલે આ ભગવાન જગન્નાથજી,  ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા  યાત્રા રૂટ પર પોલિસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝિણવટપૂર્વક નિહાળી હતી.

સીએમ

આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે, તે પણ મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વક જોયો હતો. હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી. ગુજરાત પોલિસના જે જવાનો કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તૈનાત છે તેમને પણ પહેલીવાર ૨૫૦૦ જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી. અમદાવાદ શહેર પોલિસ અને મહાનગરપાલિકા બેય દ્વારા ૧૦૦થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળપળની નિગરાની કરવામાં આવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી પાસેથી આ વેળાએ જાણી હતી.તેમણે આ વર્ષની રથયાત્રામાં  અખાડા-ભજન મંડળીઓ તથા ટ્રક અને યાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જી.પી.એસ. સિસ્ટમથી થઇ રહ્યું છે તે પણ ડેશબોર્ડની વિડિયો વોલ પર જોયુ હતું.

સીએમ

સમગ્ર યાત્રાનું ૪૬ ફિક્સ્ડ લોકેશન સહિત અન્ય મુવિંગ, વિહિકલ માઉન્ટેડ કેમેરા અને હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરાથી જે સતત મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી  મુખ્યમંત્રીએ અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી નિહાળ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ  પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  રાજકુમાર તેમજ પોલિસ મહાનિદેશક  આશિષ ભાટિયા પણ આ નિરિક્ષણમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રથયાત્રાના માર્ગમાં આવતા ધાબા પોઇન્ટ, વ્યુહાત્મક પોલિસ પોઇન્ટ અને બંદોબસ્તમાં જોડાયેલા કર્મિઓ-અધિકારીઓને મોબાઇલ વોટ્સએપથી જોડીને યાત્રા દરમિયાન કોમ્યુનિકેશન સુદ્રઢ અને સરળ બનાવાયું છે તેમજ વી.એચ.એફ. વોકિ ટોકીથી ૧૬ ચેનલ પર સંદેશા વ્યવહાર પદ્ધતિ આ વર્ષે ગોઠવવામાં આવી છે તેની વિગતો જાણી હતી.  ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ, ભક્તો, સંતો માટે ભોજન-પ્રસાદ, પાણી, પ્રાથમિક સારવાર વગેરેની જે સુવિધા કરવામાં આવી છે તે અંગેની વિગતો જાણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ગોંડલ ડુપ્લીકેટ ઘી પેકિંગ વેચાણ પ્રકરણમાં બે વેપારીઓ જેલ હવાલે