રાષ્ટ્રીય પર્વ/ સંભાળજો! નાગરિકધર્મ ચુકશો તો રાષ્ટ્રની ગરિમાને ઠેસ પહોંચશે | ઉજવણી કરજો પરંતુ આમાન્યા જરૂર જાળવજો

રાષ્ટ્રની સફળતા, ગૌરવ અને સન્માન રાષ્ટ્રના નાગરિકો હોય છે. જે રાષ્ટ્ર પાસે પ્રામાણિક, ત્યાગનિષ્ઠ, નફરત વિહોણા, કર્મનિષ્ઠ અને રાષ્ટ્રભાવના ધરાવતા નાગરિકો હોય તેની પ્રગતિ નિશ્ચિત છે.

Gujarat Mantavya Exclusive independence day
નાગરિકધર્મ

ગણતરીની કલાકો છે હવે. થોડી જ ક્ષણોમાં આવતીકાલનો સૂર્યોદય થશે અને આઝાદીપર્વની દબદબાભેર ઉજવણી થશે. છેલ્લા કેટલાય દિવસોથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની આપણે તૈયારીઓ કરતાં હતાં. આ સ્વાતંત્ર્ય પર્વ અત્યાર સુધીનાં પંદર 15 ઓગષ્ટનાં દિવસ કરતાં જૂદો છે. કારણકે આ વર્ષે ઘરે ઘરે સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને તિરંગો લહેરાય રહ્યો છે. અત્યાર સુધી 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરી એટલે માત્ર રજા. જ્યારે આજે રાષ્ટ્રીય તહેવારની અન્ય તહેવાર માફક ઉજવણી થઈ રહી છે તે જ આનંદની વાત છે. કાલે દરેક લોકો તિરંગાને ઘરે લહેરાવાશે અને સલામી પણ આપશે ત્યારે જોવાનું એ જ રહેશે કે આ તિરંગો એ માત્ર કાગળ કે કાપડ નથી. આપણો રાષ્ટ્રધ્વજ એ આપણી આન, બાન  અને શાન છે. આપણાં રાષ્ટ્રધ્વજનાં રંગો કે તેની પ્રતિકૃતિ ક્યારેય અન્ય દેશનાં રાષ્ટ્રધ્વજની જેમ ચડ્ડી કે બનિયાનમાં છપાય નહીં એટલી આપણાં તિરંગાની આમાન્યા જાળવવાની જવાબદારી એક વ્યક્તિની નહીં પરંતુ દેશનાં એકેએક વ્યક્તિની છે. આપણાં તિરંગામાં રહેલા કેસરી, સફેદ અને લીલો રંગ શૌર્ય, શાંતિ અને હરિયાળીનું  પ્રતિક છે. તો અશોકચક્ર પ્રગતિને દર્શાવે છે. આપણાં તિરંગાનો અર્થ જ આપણી એટલેકે નાગરિકની ખુમારી, રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ, સમર્પણ અને શૌર્ય છે ત્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી હરખથી કરવાની છે બસ તિરંગાનું માન વધુ જાળવવાનું છે. તિરંગાનું સન્માન કરવું એ જ આપણો નાગરિકધર્મ છે અને જો નાગરિકધર્મ ચુકાય તો રાષ્ટ્રની ગરિમાને ઠેસ પહોંચે.

આ છે નાગરિકધર્મ

  1. અંગત સ્વાર્થ માટે મન વચન અને કર્મથી દેશને નુકસાન થાય નહીં તેવું વર્તન કરવું
  2. રાષ્ટ્રહિતનાં કાયદાઓ, રાષ્ટ્રની સંપતિ અને રાષ્ટ્રનું ગૌરવ જાળવવું
  3. લાગવગ, સગાવાદ, જ્ઞાતિવાદ અને ખાયકીથી ઉપર છે નાગરિકધર્મ
  4. પદ, પૈસા કે પ્રતિષ્ઠા માટે દેશને કે દેશબંધુનું અહિત ક્યારેય કરવું નહીં
  5. સ્વ પહેલા રાષ્ટ્રને સમર્પિત રહેવું
  6. રાષ્ટ્રની સ્વચ્છતા, સ્વાસ્થતા અને
  7. રાષ્ટ્રીય ચિન્હ, રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જાળવવું
  8. સૌથી ઉપર અને મહાન રાષ્ટ્ર છે વ્યક્તિ નહીં એ સમજવું અને રાષ્ટ્રહિતનું નાનામાં નાનું કાર્ય કરવું
  9. રાષ્ટ્રહિતના નાના નાના નિયમોનું પાલન કરવું
  10. રાષ્ટ્રનાં હાર્દ એવા બંધારણને સન્માન આપવું

રાષ્ટ્ર પ્રત્યેની આપણી ભાવના માત્ર આવતીકાલે એક દિવસ માટેની બની જાય નહીં તે જોવાની પણ આપણી જ જવાબદારી રહેશે અને એક સાચા નાગરિક બનવા નાગરિકધર્મ રોજ નિભાવવો આવશ્યક બની જાય છે. રાષ્ટ્રભાવનાની આગની આવતીકાલે પ્રજજ્વલિત જરૂર કરવાની છે પરંતુ તેમાં આપણી નાગરિકધર્મની ફરજ નિભાવીને રોજ આહુતિ આપતાં  આપતાં  કહેવાનું છે કે આપણે જ આપણાં ભાગ્યવિધાતા.

આપણે ભાગ્યવિધાતા…… સ્વાતંત્ર્ય સેનાની રમણલાલ સોની

ચલો બિરાદર! કદમ ઉઠાવો

ભારતનો જય ગાઓ!

સ્વરાજનાં ગઢ માથે આજે

નવી ધજા ફરકાવો!

ત્યાગ- સમર્પણ-નિર્ભયતાની

ઉઆડે પતાકા જંગી,

કોટિ કોટિ હૈયાનાં શિખરે

ઝંડો ચડે તિરંગી!

રાજ આપણું, તાજ આપણો,

આપણી ભારતમાત!

ભારતનાં બળવાન ભાવિનાં

આપણે ભાગ્યવિધાતા

આ પણ વાંચો : આઝાદીનાં અમૃતમહોત્સવ પર જાણીએ એવી 15 બ્રાન્ડ વિશે જે બની ભારતની ઓળખ અને ભારતીયોની આદત