IND vs NZ: ભારતે ન્યુઝીલેન્ડને 3 મેચની વનડે સીરીઝમાં ખરાબ રીતે હાર આપી છે. હૈદરાબાદ, રાયપુર બાદ રોહિત શર્માની ટીમે ઈન્દોરમાં પણ ન્યુઝીલેન્ડને હરાવ્યું. ભારતે ત્રીજી વનડે 90 રને જીતી લીધી હતી. આ સાથે તેણે શ્રેણીમાં ક્લીન સ્વીપ પણ કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે મહેમાનોને 386 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમ ભારતીય આક્રમણ સામે ધ્રૂજી ઉઠી હતી અને આખી ટીમ 41.2 ઓવરમાં 295 રનમાં સમેટાઈ ગઈ હતી.
આ સાથે ભારત વિશ્વની નંબર વન વનડે ટીમ બની ગઈ છે. (IND vs NZ) ભારતની જીતના હીરો એક નહીં પરંતુ 4 હતા. રોહિત શર્મા, શુભમન ગીલે જોરદાર પારી રમી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે ઉમદા બોલીંગ કરી હતી. ભારતે 13 વર્ષમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે.
આ પહેલા ભારતે પ્રથમ બેટિંગ કરતા જોરદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ સદી ફટકારતા 212 રનની ભાગીદારી કરી હતી. ભારતને પહેલો ઝટકો કેપ્ટન રોહિતના રૂપમાં લાગ્યો હતો. તેણે 101 રન બનાવ્યા હતા. કેપ્ટન સાથેની ભાગીદારી તૂટતાં જ ગિલની લય પણ બગડી હતી. 230 રનના સ્કોર પર ભારતને બીજો ઝટકો ગિલના રૂપમાં લાગ્યો હતો. તેણે 112 રનની શાનદાર ઈનિંગ રમી, બંને ઓપનરોના આઉટ થવાને કારણે ભારત ફંગોળાઈ ગયું. ઈશાન કિશને 17 રન, વિરાટ કોહલી 36 રન, સૂર્યકુમાર યાદવ માત્ર 14 રન બનાવી શક્યા હતા.
હાર્દિક પંડ્યાએ તોફાની અડધી સદી ફટકારીને આ ઈનિંગ્સને સંભાળી હતી. પંડ્યાએ 54 રન બનાવ્યા હતા. પંડ્યા ઉપરાંત વોશિંગ્ટન સુંદરે 9, શાર્દુલ ઠાકુરે 25 અને કુલદીપ યાદવે 3 રન બનાવ્યા હતા. ભારતના 3 બેટ્સમેનોએ પોતાનું કામ સારી રીતે કર્યું હતું. આ પછી બોલરોનો વારો આવ્યો, જ્યાં ન્યૂઝીલેન્ડની ઈનિંગના બીજા બોલ પર પંડ્યાએ ઓપનર ફિન એલનને આઉટ કર્યો.