કોલકાતા: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના મંદિરા બજાર વિસ્તારમાં કેટલાક અજાણ્યા ટીખળખોર તત્વોએ BJP ના એક સ્થાનિક કાર્યકર્તાની હત્યા કરી નાખી છે.
પોલીસે આજે જણાવ્યું હતું કે, ભાજપના મંદિરા બજાર-ધાનુરહાટ વિસ્તારની મંડળ સમિતિના સચિવ શક્તિપદા સરદાર (ઉ.વ. ૪૫) ગઈ કાલે રાત્રે ઘરે આવી રહ્યો હતો, તે દરમિયાન કેટલાક શરારતી તત્વોએ તેમની ઉપર ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો અને તેને લોહી નિંગળતી હાલતમાં છોડીને નાસી ગયા હતા.
સ્થાનિક લોકોએ શક્તિપદા સરદારને રોડ પર લોહીલુહાણ હાલતમાં જોઇને તેને તાત્કાલિક સારવાર માટે ડાયમંડ હાર્બર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ખરાબ થવાના કારણે તેને કોલકાતાના એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે અગાઉ જ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે આ મામલામાં તપાસ શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના લોકોએ સરદારની હત્યા કરી છે. જો કે, તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભાજપના કેટલાય કાર્યકરોની હત્યાના મામલાઓ વિસ્તારમાં સામે આવી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળમાં આ અગાઉ પણ છાસવારે રાજકીય પક્ષોના કાર્યકરોની અથડામણ થતી રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણની ઘટનાઓ બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ફિલ્મ અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી અને હવે પશ્ચિમ બંગાળ ભાજપના મહિલા મોરચાની અગ્રણી એવી રૂપા ગાંગુલી ઉપર પણ થોડા સમય અગાઉ હુમલાની ઘટના બની હતી.