કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ગુલામનબી આઝાદે કાશ્મીર અંગે કરેલા નિવેદનને આતંકવાદી સંગઠન લશ્કર એ તોઈબા(LeT)એ સમર્થન આપ્યું છે. જેમાં ગુલામનબીએ જણાવ્યું હતું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની ‘બાહુબલી’વાળી નીતિ સામાન્ય લોકોની વિરુદ્ધમાં કામ કરી રહી છે. જેના કારણે ચાર આતંકીઓને મારવાના ચક્કરમાં ૨૦ નાગરિકો માર્યા ગયા છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રી ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, ‘તેઓ (સેના) ચાર આતંકીઓ સામે કાર્યવાહી કરે છે પરંતુ તેની સામે ૨૦ નાગરિકો માર્યા જાય છે. તેમની કાર્યવાહી નાગરિકો સામે વધારે છે જયારે આતંકીઓ સામે ઓછી છે. તેમને ઉદાહરણ આપતા કહ્યું હતું કે, પુલવામામાં ૧૩ નાગરિક માર્યા ગયા છે જયારે તેની સામે એક આતંકી મર્યો છે.’
ગુલામનબીના આ નિવેદન બાદ આતંકી સંગઠન લશ્કર એ તોઈબા (LeT)ના પ્રવક્તા મોહમ્મદ શાહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં રાજ્યપાલ શાસનમાં હજારો લોકોનો નરસંહાર થશે. લશ્કર એ તોઈબાના પ્રવક્તાએ એક યાદી જાહેર કરીને જણાવ્યું હતું કે, અગાઉથી જ અમારું આ મંતવ્ય છે જે આજે ગુલામનબી આઝાદે કહ્યું છે. હિન્દુસ્તાન તમે કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદીને ફરીને જગમોહન યુગની શરૂઆત કરવા માંગો છો અને નિર્દોષોની કત્લેઆમ કરવા માંગો છો.
લશ્કર એ તોઈબાએ તેની પ્રેસ યાદીમાં કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં આઠ લાખ સેનાની ફોજ લોકોનું શોષણ કરે છે. જ્યાં સામાન્ય જનતાને કચડી રહી છે. પરંતુ માણસોએ સેનાના ઓપરેશન ઓલઆઉટને પણ નિષ્ફળ બનાવી દીધું છે. કાશ્મીરમાં સીઝ ફાયર માત્ર એક ડ્રામા બનીને રહી ગયું છે. સીઝફાયરનો અમન-શાંતિની સાથે કોઈ મતલબ ન હતો પરંતુ તેનાથી લોકોને નિશાન બનાવાય છે.
આ યાદીમાં લશ્કર એ તોઈબાનના પ્રવક્તાએ કહ્યું છે કે, ‘કાશ્મીરમાં આઝાદીની લડાઈને કચડવામાં નાકામ રહેલું હિન્દુસ્તાન હતાશ થઈ ગયું છે. શુજાત બુખારીની હત્યાએ સેનાના ષડયંત્ર પરથી પડદો ઉઠાવી લીધો છે. હિન્દુસ્તાન સમર્થક કેટલાક નેતા કાશ્મીરમાં અપરાધની વાત કરે છે પરંતુ તે પોતાના સ્વાર્થી રાજકારણ માટે. તેમનો એજન્ડો કાશ્મીરની પ્રજાને ગુલામીમાં ધકેલવાનો છે તે જગજાહેર છે.