મન કી બાત/ પીએસઆઇની ભરતીમાં જનરલ કેટેગરીને અન્યાયઃ પાટીદાર સમાજ

સરકારને કેસો પરત ખેંચવા અનેકવાર રજુઆત કરી પરંતુ હજી કોઇ યોગ્ય ઉકેલ આવ્યો નથી. આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવામાં આવે.

Mantavya Exclusive
અન્યાય

વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાની બેઠક બુધવારે મળી હતી. બેઠકમાં પાટીદાર ની અનેક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતાં. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ખોડલધામના નરેશ પટેલ ગેર-હાજર રહ્યા હતાં. બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ઉમીયા

વિશ્વ ઉમીયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ કે, તાજેતરમાં પીઆસઆઇની ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો છે. 90 ટકા સીટો અનામત કેટેગરીને ફાળવવામાં આવી છે. જ્યારે માત્ર 10 ટકા સીટ જનરલ કેટેગરીને ફાળવવામાં આવી છે. નિયમ અનુસાર 41 ટકા સીટ જનરલ કેટેગરીને ફાળવવાની હોય છે. રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ નિગમમાં કરેલ જોગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ. રાજ્ય સરકારની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે જ ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ. સરકારના સમરસતા છાત્રાલયોમાં પ૦% જગ્યાઓ માટેનો પ્રવેશ બિન અનામત વર્ગને વહેલા તે પહેલાના ધોરણે આપવો જોઈએ. હાલમાં કન્યા કેળવણીનો લાભ માત્ર મેડીક્લ તથા પેરામેડીક્લ અભ્યાસક્રમમાં ચોક્કસ શાખામાં આપવામાં આવે છે તે લાભ પેરામેડીક્લની તમામ શાખાઓમાં પણ મળવો જોઈએ. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકાર અન્ય બોર્ડ/નિગમની જોગવાઈઓ મુજબ હોવા જોઈએ. બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-૧ર કે સ્નાતક બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ. ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની રકમની લઘુત્તમ મર્યાદા ૧૦ લાખની હોવી જોઈએ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં કટ ઓફ માર્કસની થિયરી દરેક જાતિમાં એકસમાન હોવી જોઈએ, જેમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં. સરકારી સેવાની ભરતી માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે ધોરણો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વિગેરે માટે નિયત કરવામાં આવેલ છે તે પ્રકારના ધોરણો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ અમલી કરવા જોઈએ. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને પડતી નથી, જે એકસમાન હોવી જોઈએ.

પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવામાં સરકાર ઉદાસીન

પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું કે, પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવામાં સરકાર ઉદાસીન છે. અમે સરકારને કેસો પરત ખેંચવા અનેકવાર રજુઆત કરી પરંતુ હજી કોઇ યોગ્ય ઉકેલ આવ્યો નથી. આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવામાં આવે.

યુવતી સમાજ બહાર લગ્ન કરે તો માતા-પિતાની મંજુરી ફરજીયાત કરો

પાટીદાર સમાજના અગ્રણીઓએ હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માંગણી કરી હતી. યુવતીઓ સમાજ બહાર લગ્ન કરે તો માતા-પિતાની મંજુરી ફરજીયાત કરવાની માંગણી કરી હતી. યુવતીના પરિવારની મીલકતને કારણે તેને ફસાવવામાં આવી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લવ-જેહાદના કિસ્સાઓ પર પ્રકાશમાં આવ્યા છે. જેમા લગ્ન બાદ યુવતીને ધર્માતરણ કરવા દબાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : હવાઈ ​​મુસાફરી 15 ટકા સુધી મોંઘી થશે!ATFની કિંમતમાં આટલો વધારો કરવામાં આવ્યો