ઈસ્લામાબાદ,
ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે વધુ એક વળાંક આવ્યો છે. પહેલેથી જ ભારતીય દૂતાવાસના કર્મચારીઓ સાથે ખરાબ વર્તનને લઈને બંને દેશો વચ્ચે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે શનિવારે પાકિસ્તાને રાજધાની નવી દિલ્હીમાં યોજાનારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) સમિટમાં ભાગ લેવાનો ઈન્કાર કરીને નવો દાવ રમ્યો છે.
આ પહેલા પાકિસ્તાન દ્વારા આ સમિટમાં ભાગ લેવા માટે સરકારમાં વાણિજ્ય મંત્રી પરવેઝ મલિક હાજર રહેવાના હતા. પંરતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાને આ બેઠકમાં પોતાના પ્રતિનિધિને મોકલવાનો ઈન્કાર કરી દીધો છે.
પાકિસ્તાનના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ હતું કે, “અમે આ સંબંધે ભારતને માહિતી આપી દીધી છે કે, અમે પોતાના વાણિજ્ય મંત્રીને ભારત નહીં મોકલીએ.
૧૯ માર્ચથી રાજધાની દિલ્હી ખાતે ડબ્લ્યુટીઓની બે દિવસીય સમિટ યોજાવાની છે. જેમાં ભાગ લેવા માટે ભારતે અન્ય દેશોની સાથે સાથે પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યુ હતું. જો કે પાકિસ્તાને આ સમિટમાં ભાગ લેવાનો ઈન્કાર કરીને ભારત પ્રત્યેના પોતાના પૂર્વાગ્રહિત વલણનો પુરાવો આપ્યો છે.
આ પહેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓને હેરાન કરનાર પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો હતો કે, અમારા દૂતાવાસના કર્મચારીઓને હેરાન કરવામાં આવે છે. અન્ય એક અધિકારીએ પણ કાશ્મીર રાગ આલોપતા જણાવ્યુ હતું કે, ભારત કાશ્મીરીઓને મારવા માંગે છે. ત્યાં દૂતાવાસના કર્મચારીઓને હેરાન કરવામાં આવે છે. અમારા સામે ષડયંત્રો રચવામાં આવે છે અને પછી અમને જ આમંત્રણ આપવામાં આવે છે.
મહત્વનું છે કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓના બાળકોને સ્કુલે જતા રોકવામાં આવતા હતા. આ ઉપરાંત તેમના મકાનનુ પાણી અને વીજળી કનેક્શન કાપી નાખવા જેવી ઘટના પણ સામે આવી.