બેંગલુરુ,
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં યજમાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ૬ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા આ સ્કોરને RCBની ટીમે ૧૮ ઓવરમાં ૪ વિકેટે વટાવી ધમાકેદાર જીત મેળવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સ રહ્યો હતો. ડિવિલિયર્સને ૩૯ બોલમાં ૯૦ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૭૪ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્લીની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર ૩ અને જેસન રોય ૫ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.
બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર અને વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથની જોડીએ ત્રીજી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી નોધાવી હતી. શ્રેયસ ઐયરે ૩૧ બોલમાં ૩ સિક્સર સાથે ૫૨ રન બનાવ્યા હતા જયારે વૃષભ પંથે માત્ર ૪૮ બોલમાં ૭ ગગનચુંબી સિક્સર સાથે ૮૫ રન ફટકાયા હતા અને ટીમનો સ્કોર ૧૭૦ રનને પાર પહોચાડ્યો હતો. બીજી બાજુ RCB તરફથી સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલે ૨ જયારે ઝડપી બોલર ઉમેશ યાદવ અને વોશિંગ્ટન સુંદરે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન વોહરા માત્ર ૨ અને વિકેટકીપર બેટ્સમેન ડી કોક ૧૮ રન નોધાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.
જો કે ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સની જોડીએ ત્રીજી વિકેટ માટે ૬૩ રન જોડ્યા હતા. કેપ્ટન કોહલી ૩૦ રન બનાવી આઉટ થયો હતો જયારે ડિવિલિયર્સે ટીમનો એક છેડો સાચવી રાખતા માત્ર ૩૯ બોલમાં અણનમ ૯૦ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. ડિવિલિયર્સે ૯૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ દરમિયાન દિલ્લીના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા ૫ સિક્સર અને ૧૦ ચોક્કા ફટકાર્યા હતા. જયારે DD તરફથી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને સ્પિન બોલર ગ્લેન મેક્સવેલે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.