pm kisan samman nidhi/ ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે: PM મોદી

ડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કરોડો ખેડૂતો, કૃષિ સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, નીતિ નિર્માતાઓ, બેન્કરો અને અન્ય હિતધારકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે આજે…

Top Stories Gujarat
Kisan Samman Nidhi

Kisan Samman Nidhi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના પુસા મેળા મેદાનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજના હેઠળ બે દિવસીય PM કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. 16,000 કરોડનો 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 PM-કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PM-KSKs)નું પણ ઉદ્ઘાટન કર્યું અને ભારત યુરિયા બેગ બ્રાન્ડ હેઠળ ખેડૂતો માટે વન નેશન-વન ફર્ટિલાઇઝર નામની મહત્વપૂર્ણ યોજના શરૂ કરી.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કરોડો ખેડૂતો, કૃષિ સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, નીતિ નિર્માતાઓ, બેન્કરો અને અન્ય હિતધારકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે આજે એક જ કેમ્પસમાં એક જ પ્લેટફોર્મ પર સ્ટાર્ટઅપ્સ કરવાની તક છે અને દેશમાં લાખો ખેડૂતો હોવા જોઈએ. આજે, આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પરથી, ખેડૂતોના જીવનને સરળ બનાવવા, ખેડૂતોને વધુ સમૃદ્ધ બનાવવા અને આપણી ખેતી પ્રણાલીને આધુનિક બનાવવાની દિશામાં ઘણા મોટા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આજે દેશમાં 600 થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ થઈ રહ્યા છે. PM મોદીએ ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓને જણાવ્યું કે આજે આઠ કરોડથી પણ વધુ ખેડૂત ભાઈઓના ખાતામાં 16 હજાર કરોડથી વધુ રકમનો બારમો હપ્તો જમા કરાવવામાં આવે છે અને આપ લોકો આપના મોબાઇલમાં જોશો તો તરત ખ્યાલ આવશે કે કોઈપણ વચેટીયા કે કટકી વગર આપના ખાતામાં આ પૈસા જમા થઈ ચૂક્યા છે.  ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે અને લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

PM મોદીએ વન નેશન- વન ફર્ટિલાઇઝર અંતર્ગત “ભારત” બ્રાન્ડ અંતર્ગત ઉચ્ચતમ ગુણવત્તાવાળું ખાતર યોગ્ય ભાવે સૌને મળી રહે તેનું આયોજન કરવા બદલ વિભાગના મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાને અને તેમના વિભાગને લાખ-લાખ અભિનંદન પાઠવ્યા હતા. 2014 પહેલા યુરિયાની કાળા બજારી થતી હતી, દેશમાં કાર્યરત 6 કારખાનાઓને યોજના પૂર્વક બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે યુરિયા ખાતર આયાત કરવું પડતું હતું અને અમુક લોકોના ખિસ્સા તેમાં ભરાતા હતા. અત્યારે 6 એ 6 કારખાના ફરી એક વખત શરૂ કરવા માટે અને દેશને યુરિયા બાબતે આત્મ નિર્ભર બનાવવા માટે ખૂબ મોટા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વના સૌ પ્રથમ નેનો લિક્વિડ યુરિયા થકી ખેડૂતોને બોરીનું વજન નહીં ઉંચકવું પડે અને ખાતરનો ઉપયોગ ખૂબ સરળ થઈ જશે. તેમણે જણાવ્યું કે આજના પાવન દિવસે ખેડૂતોના જીવનમાં બે અગત્યના ખૂબ મોટા બદલાવ આવી રહ્યા છે. દેશભરની 3.25 લાખથી વધુ ખાતરની દુકાનોને કિસાન સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવશે અને ત્યાંથી જ ખેતી માટેના ઉપકરણો, ખાતર, જમીનની સોઇલ ટેસ્ટિંગ જેવી બધી જ સગવડો અને આધુનિક ખેતી માટેની બધી જ જાણકારી એક જ જગ્યાએથી આપવામાં આવશે. ખેડૂતને અલગ અલગ જગ્યાએ ભટકવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ડીએપી, એમઓપી એનપીકે કઈ કંપનીનું ખરીદવું તેની ચિંતા રહેતી અને ઘણી વખત કાળા બજારીના કારણે ખેડૂતોને વધુ પૈસા આપવા પડતા પરંતુ ખાતરનું એક જ બ્રાન્ડ “ભારત” બ્રાન્ડ હોવાના કારણે ખેડૂતને ભ્રમમાંથી મુક્તિ મળશે અને ખેડૂત તેમનું ઉત્પાદન વધારી શકશે. ભારત બ્રાન્ડમાં સમગ્ર દેશમાં એક જ જેવી ગુણવત્તા ખેડૂતોને ઉપલબ્ધ થશે.

PM મોદીએ જણાવ્યું કે, દેશભરના 85 ટકાથી વધુ ખેડૂતો એક થી દોઢ હેકટર જમીન ધરાવનાર નાના ખેડૂત છે અને તેમાં પણ પારિવારિક કારણોસર સમયાંતરે ખેતરના નાના નાના ટુકડા થઈ જતા હોય છે અને આ પર્યાવરણ પરિવર્તન તેમજ પ્રાકૃતિક પ્રકોપોના કારણે ધરતી માતાની તબિયત પણ ખરાબ થતી રહે છે, ધરતી માતા બીમાર પડી જાય છે તેની સામે આ નવી વ્યવસ્થાના કારણે વૈજ્ઞાનિક પદ્ધતિ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના કારણે ખેડૂત વધુ ઉત્પાદન કરી શકે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેકનોલોજીના ઉપયોગના કારણે 22 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ જમીનની સેહત કેવી છે તે બાબતે આપણે ખેડૂતોને આપી શક્યા છીએ. 1700થી વધુ જાતના બિયારણ આપણે ખેડૂતોને પહોંચાડી શક્યા છે. ધાન્ય અનાજના પ્રોત્સાહન માટે આવનારું વર્ષ ધાન્ય અનાજનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર દુનિયામાં તેની ચર્ચા થશે અને આપણે સમગ્ર દુનિયા સુધી પહોંચી શકીશું. ખેડૂતો દ્વારા પાણીનો બગાડ ન થાય તે માટે 70 લાખ એક્ટર જમીનમાં માઈક્રો ઇરીગેશનની સિસ્ટમ લગાડવામાં આવી છે. PM મોદીએ ભવિષ્યની સમસ્યાઓના સમાધાન માટે પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતી બાબતે સૌને માર્ગદર્શન આપ્યું. ગુજરાત, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યો પ્રાકૃતિક ખેતી પર ખૂબ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં જિલ્લા સ્તરે અને ગ્રામ પંચાયત સુધી પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ પહોંચાડવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને નવા બજાર મળ્યા છે તેના કારણે તેમાં પ્રોત્સાહન જોવા મળ્યું છે અને ઉત્પાદનની વૃદ્ધિ થઈ રહી છે. પીએમ કિસાન નિધિએ ખેડૂતોની ખૂબ મોટી ચિંતા દૂર કરી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેત અને બજારની દુરીને દૂર કરી શક્યા છીએ. શાકભાજી, ફળ- ફળાદી, દૂધ, માછલી જેવા ઝડપથી નાશ પામતા ઉત્પાદનો માટે કિસાન રેલ, કૃષિ ઉડાન હવાઈ સેવા દ્વારા નાનામાં નાના ખેડૂતોને લાભ મળી રહ્યા છે. દેશ અને વિદેશના માર્કેટ સર કરી શકાય છે.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમ ફ્રુટની ગુજરાતમાં ખેતી થઈ રહી છે, હિમાચલ પ્રદેશમાંથી બ્લેક ગાર્લિક, અસમમાંથી અંગુર, લદાખમાંથી ખુરબાની, ભાગલપુરમાંથી ઉચ્ચ ક્વોલિટીના કેળા આજે સમગ્ર વિશ્વમાં જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું કે વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટના અભિયાનના કારણે ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે અને જિલ્લાઓ એક્સપોર્ટ હબ બની રહ્યા છે. પ્રોસેસડ ફૂડના કારણે કિસાનોને ઉપજનું વધુ વળતર મળી રહ્યું છે. ઉતરાખંડના ધાન્ય અનાજ આજે ડેનમાર્કમાં અને કર્ણાટકનું ઓર્ગેનિક ફૂડ પાઉડર પણ નિર્યાત થઈ રહ્યું છે. 2014 પહેલા સમગ્ર દેશમાં માત્ર બે ફૂડ પાર્ક હતા અને તેની સામે આજે ફૂડ પાર્કની સંખ્યા 23 થઈ ગઈ છે જેના થકી કિસાન ઉત્પાદક સંઘ, સ્વાયત બહેનોના ગ્રુપ, કોલ્ડ સ્ટોરેજ વગેરેને ફૂડ પ્રોસેસથી જોડીને કૃષિ ક્ષેત્રને ખૂબ મોટો વેગ આપવામાં મદદ મળી છે. કૃષિ મંડીઓના આધુનિકરણના કારણે 1.75 કરોડ કિસાનો અને અઢી લાખ જેટલા વેપારીઓ જોડાયા છે અને તેમાં બે લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ટર્નઓવર થયું છે. અત્યારે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને જમીનના નકશા સાથેના પ્રોપર્ટી કાર્ડ આજે આપણે આપી શકીએ છીએ. ખેતી ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર થવું જ પડશે કારણ કે વૈશ્વિક પરિસ્થિતિઓ અને પડકારોના કારણે દેશનું ખૂબ મોટું હૂંડિયામણ વિદેશોમાં જતું રહે છે અને બે વર્ષ પહેલાં કોરોના તેમજ હમણાં યુદ્ધના કારણે સપ્લાય ચેનમાં ખૂબ ફરક પડ્યો છે જેના કારણે દેશમાં ખાદ્ય પદાર્થોની અછત વર્તાઈ રહી છે. કાચા તેલની સામે ખેડૂત ભાઈઓના અથાગ પ્રયત્નોથી ઇથેનોલ વિકસાવી શક્યા છીએ અને 10% જેટલું ઇથેનોલ અત્યારે પેટ્રોલમાં મીલાવી શકીએ છીએ. તલની પેદાવાર વધારીને આપણે ખાદ્ય તેલની આયાતને પણ ઓછી કરી શકીશું. વડાપ્રધાન મોદીએ દેશના તમામ ખેડૂતોને અભિનંદન આપતા જણાવ્યું કે 2015માં સરકારના એક જ આહ્વાનથી દાળનું ઉત્પાદન આજે દેશમાં 70% જેટલું વધવા પામ્યું છે જેના કારણે આપણો આયાત ખર્ચ ઘટ્યો છે અને ભાવને કાબુમાં રાખવામાં સફળ થયા છીએ.

આ પણ વાંચો: Relief/ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બે ગેસ સિલિન્ડર ફ્રીઃ પીએનજી-સીએનજી પરના વેટમાં દસ ટકા રાહત