Today Special: જેને ચીની નવ વર્ષ (Chinese New Year) અથવા વસંત મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે એ ચંદ્ર નવ વર્ષ 2026 (Lunar New Year 2026)નો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે . આ વર્ષે એ 17 ફેબ્રુઆરી 2026 (17 February 2026)ના રોજ આજે મંગળવારે મનાવવામાં આવનાર છે.
આ વર્ષની ઉજવણી માટે ચંદ્ર-સૂર્ય કેલેન્ડરને ફૉલો કરવામાં આવે છે જે ગ્રેગોરિયન કેલેન્ડર (Gregorian Calendar)થી તદ્દન ભિન્ન છે અર્થાત્ ચંદ્રમાની કળાઓ અનુસાર, પ્રત્યેક વર્ષે આ ‘લ્યુનાર ન્યૂ યર’ની તારીખ બદલાતી રહે છે.

‘ચંદ્ર નવ વર્ષ’ (Lunar New Year) વૈશ્વિક સ્તરનો એક મહત્વપૂર્ણ તહેવાર
શું તમે જાણો છો કે, ‘લ્યુનાર ન્યૂ યર’ દર વર્ષે વૈશ્વિક સ્તરે એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? આ તહેવાર સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરી 2026ના રોજ અમાવસ્યા (Amavasya)ના દિવસે શરુ થશે અને લગભગ 16 દિવસ સુધી ચાલશે. એનું સમાપન 3 માર્ચ 2026ના રોજ લાલ ટેન મહોત્સવ (Lantern Festival) સાથે કરવામાં આવશે.
‘લ્યૂનાર ન્યૂ યર’ 2026 નું પશુ પ્રતીક કયું છે? (Symbol of ‘Lunar New Year’ 2026)
2026 માં આ ચંદ્ર નવ વર્ષનું પ્રતીક અગ્નિ ઘોડો (Fire Horse) છે. આ 12 ચાઇનીઝ રાથિચક્રના પશુઓમાંથી 7 મું પ્રાણી પ્રતીક છે જે ગતિ, ઊર્જા અને સાહસનું પ્રતીક છે. અગ્નિ સાથે મળીને એ ગુણોમાં ઓર વૃદ્ધિ થાય છે. આથી માનવામાં આવે છે કે આ વર્ષ 2026 ગતિ, પરિવર્તન અને ઉમંગથી ભરપૂર હશે!
ચંદ્ર વર્ષ આશરે 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્ય વર્ષ 365 દિવસનું ગણાય છે. આ અંતરના કારણે દર વર્ષે લ્યૂનાર ન્યૂ યરની તારીખ આગળ-પાછળ થતી જોવા મળે છે.
વર્ષ 2026માં આ ઉત્સવ દુર્લભ મનાય છે કારણ કે, એમાં ‘આગની વીંટી’ (Ring Of Fire) નામના વલયાકાર સૂર્ય ગ્રહણ અને પૂર્ણ ચંદ્ર ગ્રહણ (Solar Eclipse & Lunar Eclipse) પણ સર્જાનાર છે.

યૂનેસ્કોના સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ તહેવાર
આ તહેવારને વર્ષ 2024માં યૂનેસ્કો (UNESCO 2024)ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. શિયાળાના સમાપન અને વસંતઋતુના પ્રારંભના પ્રતીક સમો આ ચીની નવ વર્ષ તહેવાર પૂર્વ સંધ્યાથી માંડીને લાલટેન ઉત્સવ સુધી ચાલે છે જે વર્ષારંભના 15મા દિવસે મનાવવામાં આવે છે. ચીની નવવર્ષનો પ્રથમ દિવસ 21 જાન્યુઆરી અને 20 ફેબ્રુઆરીની વચ્ચે આવતી અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે, જે આપણા ભારત દેશમાં પ્રતિ વર્ષ આસો વદ અમાવસ્યાએ ઉજવાતી દિવાળી (Diwali Festival in India) સાથે થોડા અંશે સામ્ય ધરાવે છે.
કયા-કયા બૌદ્ધ દેશોમાં આ મનાવાય છે?
ચીની નવ વર્ષ, દુનિયાભરના સૌથી વ્યાપક રીતે મનાવાતા એક મોટા આંતરરાષ્ટ્રીય તહેવારો પૈકીનો એક છે. એને કેવળ ચીનમાં જ નહિં પણ પૂર્વીય અને દક્ષિણપૂર્વીય એશિયાની સાથોસાથ વિશ્વભરના સમુદાયોમાં પણ મનાવવામાં આવે છે.
લ્યૂનાર ન્યૂ યરને લોકોએ મોટા ભાગે ‘ચાઇનીઝ ન્યૂ યર’ સમજી લીધું છે પણ વાસ્તવમાં આ અનેક બોદ્ધ દેશોમાં મનાવાય છે.
ચીન અને તાઇવાન
ચીન અને તાઇવાનમાં લોકો એને સ્પ્રિંગ ફેસ્ટિવલ (Spring Festival in China and Taiwan)ના સ્વરુપે મનાવે છે. એની ઉજવણીમાં ડ્રેગન ડાન્સ (Dragon Dance), લાલ કવરમાં પૈસાની ગિફ્ટ આપવી, કુટુંબ સાથે મળીને ભોજન કરવું અને બૌદ્ધ મંદિરોમાં જઇને ધૂપ પ્રકટાવીને શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવી સામેલ છે.

થાઈલેન્ડ
થાઈલેન્ડ (Thailand)માં મોટા શહેરોમાં વિશેષ કરીને ચીની-થાઈ સમુદાય આને મનાવે છે. બેંકકૉકના ચાઇનાટાઉન રસ્તાઓ પર લાલ-પીળા રંગની સજાવટ, પારંપરિક સંગીત અને સ્ટ્રીટ ફૂડની લોકો મજા માણે છે. બૌદ્ધ પરંપરા મુજબ ભિક્ષુઓને દાન પણ આપવામાં આવે છે.
શ્રીલંકા, મ્યાંમાર અને વિયેતનામ
આ ઉપરાંત, શ્રીલંકા, મ્યાંમાર અને વિયેતનામ (Sri Lanka, Myanmar and Vietnam)માં પણ એને અલગ નામથી અને અલગ તિથિએ ઉજવવામાં આવે છે. શ્રીલંકામાં સિંહાલી અને તમિલ લોકો મંદિરોમાં પૂજા કરે છે અને ઘરમાં પારંપરિક વ્યંજનો બનાવે છે. મ્યામાંરમાં ‘થિંગયાન’ નામના જળદેવતાના તહેવાર સાથે એ સંલગ્ન છે. એક બીજા પર પાણી ઉછાળીને જૂના પાપ ધોવાની ત્યાં પરંપરા છે. વિયેતનામમાં એને ‘ટેટ’ કહે છે જેમાં લોકો પાતાના મૂળ પૈતૃક ઘરે જાય છે અને કબરો પર જઇને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે તથા બાળકોને લાલ રંગના કવરમાં પૈસા આપે છે.
શું છે આ તહેવાર પાછળની પૌરાણિક કથા? (Lunar New Year Celebration Story)
ચીની લોકકથાઓ અનુસાર, વસંતોત્સવ દરમિયાન, સમુદ્રમાં અથવા પર્વતો પર રહેનારા એક શિંગડાવાળા નિયાન (Niyan) નામના એક રાક્ષસ સામેની લડાઇથી આ તહેવાર મનાવવાની શરુઆત થઇ હતી. નિયાન અડધી રાત્રે ગ્રામવાસીઓ અને ખાસ કરીને, બાળકોને ખાઇ જતો હતો! આથી એક વર્ષ સુધી ગ્રામવાસીઓએ એનાથી છૂપાઇને રહેવાનો નિર્ણય કર્યો. એ વખતે એક વૃદ્ધ વ્યક્તિ પ્રગટ થઈ અને એણે કહ્યું કે એ રાત્રે ત્યાં જ રોકાશે અને રાક્ષસ સામે બદલો લેશે.
એણે દરવાજે લાલ કાગળ લગાવ્યા અને ફટાકડા (Red Paper & Fire Crackers) ફોડ્યા. બીજા દિવસે લોકોએ પોતાના ઘરે પાછા આવીને જોયું કે, બધું જ અકબંધ હતુ અને કોઇ નુકસાન થયું નહતુ. આથી એમને લાગ્યું કે એ ઘરડો માણસ કોઇ દેવતા હતા જે એમની રક્ષા માટે આવ્યા હતા. ત્યારથી ગ્રામવાસીઓ સમજી ગયા કે નિયાન લાલ રંગ અને મોટા અવાજોથી ડરે છે.
જેમ-જેમ નવ વર્ષ નજીક આવતું ગયું એમ-એમ આ પરંપરા ઘણી મજબૂત બનવા લાગી. ગ્રામવાસીઓ લાલ રંગના કપડા પહેરવા લાગ્યા, બારીઓ અને દરવાજા પર લાલટેન અને વસંત ઋતુના સ્ક્રોલ (Lantern & Spring scrolls) લટકાવવા લાગ્યા અને નિયાન રાક્ષસને ડરાવવા માટે ફટાકડા અને ઢોલ વગાડવા લાગ્યા. એ પછી નિયાન ક્યારેય ગામમાં આવ્યો નહિં!
આખરે, હોંગઝૂન લાઓઝૂ નામના એક પ્રાચીન તાઓવાદિ ભિક્ષુએ આ નિયાન રાક્ષસને પકડીને કેદ કરી દીધો!

પૂરા બાર વર્ષ પછી આવ્યું છે આ ‘લ્યુનાર ન્યૂ યર’
ચીનમાં 15 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી જાહેર રજા રહેશે અને પૂરા 12 વર્ષ પછી 17 ફેબ્રુઆરીએ આવનાર આ ચીની નવ વર્ષનું પ્રતીક છે અગ્નિ ઘોડો! જે રીતે ઘોડો સ્વતંત્રતાપ્રિય, મહેનતુ અને સાહસી હોય છે એ જ પ્રમાણે આ નવ વર્ષ ઘોડા જેવું તેજ, નવીન અવસર અને ઉત્સાહ ભરેલું માનવામાં આવે છે.
ચીની નવ વર્ષ વસંતોત્સવ તહેવાર
ચીનમાં ચીની નવ વર્ષને સ્પ્રિંગ ફેસ્ટિવલના સ્વરુપમાં મનાવવાની પરંપરા રહેલી છે જે ઘણી પ્રાચીન છે. આ તહેવાર નિમિત્તે લોકો પોતાના ઘર પરિવાર અને મિત્રો સાથે ખુશીઓ મનાવે છે. ઘરની સાફ-સફાઇ કરવામાં આવે છે અને સાજસજ્જા થાય છે. લોકો એકબીજાના ઘરે જમવા જાય છે અને બાળકોને ગિફ્ટ્સ (Gifts in Red Cover) આપે છે.

આ દિવસે પ્રાર્થના કરવા લોકો મંદિરે જાય છે અને નવ વર્ષની સારી શરુઆત માટે ઇષ્ટદેવને પ્રાર્થના કરે છે. રસ્તાઓ પર લાઇન ડાન્સ અને ડ્રેગન ડાન્સ થાય છે. નકારાત્મક ઊર્જાને દૂર ભગાડવા માટે ફટાકડા ફોડવામાં આવે છે.
ચાઇનીઝ જ્યોતિષ શાસ્ત્ર શું માને છે?
ફાયર હોર્સ ચીની રાશિચક્રની 12 રાશિઓમાંથી 7 મું સ્થાન ધરાવે છે. જેનો સંબંધ વૂ નામની પૃથ્વી શાખા સાથે રહેલો છે. ચાઇનીઝ જ્યોતિષ પ્રમાણે ત્યાંના લોકોમાં એવી આશા છે કે, વર્ષ 2026માં ચીન ઘોડાની ગતિથી આગેકૂચ કરશે!
જેમનો જન્મ વર્ષ 2026માં થશે એમની ચાઇનીઝ જ્યોતિષ શાસ્ત્ર (Chinese Astrology) અનુસાર, ફાયર હોર્સ રાશિ હશે. આ અગાઉ 1942, 1954, 1978, 1090, 2002 અને 2014 ની સાલમાં જન્મેલા લોકોની રાશિ પણ ચાઇનીઝ હોર્સ હતી. હવે પછી જેમનો જન્મ વર્ષ 2038માં થશે એમની પણ આ જ રાશિ હશે! ચીની જ્યોતિષવિદોના મતે ઘોડો આત્મવિશ્વાસ અને જવાબદારીના ગુણો હોય છે પણ એને અન્યો દ્વારા નિયંત્રિત રહેવું પસંદ નથી હોતુ. આથી માન્યતા છે કે, ઘોડાની રાશિવાળા આ લોકો બુદ્ધિમાન, મહેનતુ અને માનસિક-શારીરિક રીતે ફિટ હોય છે. એ નિર્ણયક તો હોય છે પણ એમની નબળાઇ એ છે કે એ ઝડપથી અધીર અને પ્રભાવિત પણ થઇ જાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
