Rajkot News : રાજકોટ (Rajkot)માં વ્યાજે (Usury)પૈસા આપવાની આડમાં પરિણીતાનું શોષણ (Sexual Exploitation)કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોરાળા પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય પરિણીતાએ હુસેન ગોપલાણી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મહિલાના પતિએ ઘરનું રીપેરીંગ કામ કરાવવા માટે આરોપી પાસેથી 14 ટકા વ્યાજે રૂ.3 લાખ લીધા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૈસા આપતી વખતે આરોપીએ મહિલાની સામે અયોગ્ય શરત મૂકી હતી અને તેની સાથે પત્નીની જેમ રહેવા માટે દબાણ કર્યું હતું. મહિલાનો આરોપ છે કે, તેની આર્થિક મજબૂરીનો ગેરલાભ ઉઠાવી આરોપીએ તેની મરજી વિરુદ્ધ અલગ-અલગ સમયે શારીરિક સંબંધ ((Sexual Exploitation)બાંધ્યા હતા.
ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સમગ્ર ઘટનાની જાણ કોઈને કરશે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ હિંમત કરીને મહિલાએ સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી હતી. પતિ આરોપીને ઠપકો આપવા પહોંચતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીએ પતિને ગાળો આપી પટ્ટા વડે માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, આ સમગ્ર ઘટના 1 એપ્રિલ 2026થી 10 ઓગસ્ટ 2026 દરમિયાન બની હોવાનું જણાવાયું છે.
દોઢ વર્ષથી બંને વચ્ચે પરિચય
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર મહિલા ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલી છે, જ્યારે આરોપી હુસેન ગોપલાણી રિક્ષા ચલાવે છે. બંને વચ્ચે છેલ્લા આશરે દોઢથી બે વર્ષથી પરિચય હોવાનું સામે આવ્યું છે.
આરોપી છેલ્લા આશરે દોઢ વર્ષથી મહિલાને તેના ઘરેથી કામના સ્થળે લઈ જતો અને કામ પૂર્ણ થયા બાદ પરત ઘરે મૂકતો હતો. આ દરમિયાન બંને વચ્ચે સતત સંપર્ક રહેતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
થોરાળા પોલીસે આરોપીની ધરપકડ કરી
મહિલાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે (Thorala Police)હુસેન ગોપલાણી (Hussain Goplan)સામે BNSની કલમ 64(1), 64(2)(M), 115(2), 352 અને 351(1) સહિત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં વધુ હકીકતો જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ દરમિયાન આરોપી સામેના આક્ષેપોની કાયદેસર રીતે ચકાસણી કરવામાં આવી રહી છે.
