Bhavnagar News : ભાવનગરમાં ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં 26 નવેમ્બરના રોજ નવાપુરા કબ્રસ્તાન પાસે દબાણો હટાવાયા હતા. દરમિયાન આજે ફૂલસરમાં મેગા ડિમેલિશ હાથ ધરાયું હતું.
જેમાં વહેલી સવારથી ટીપી સ્કીમ 2 (એ) હેઠળ રિઝર્વ પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં અંદાજિત 60 કરોડની કિંમતની 16,500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે 70થી વધુ પાકા અને કાચા મકાનો તથા ત્રણ ધાર્મિક સ્થાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
નવાપરા કબ્રસ્તાન પાસે 26 નવેમ્બરના રોજ 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં એક ધાર્મિક સ્થાન સહિત 25થી 30 દબાણો દૂર કરાયા હતા.
શહેરના ફૂલસર વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 27 નવેમ્બરના રોજ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં ફૂલસર ટીપી સ્કીમ 2 (A)ના રિઝર્વેશન પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા આજે વહેલી સવારથી કોર્પોરેશનની ટીમ અને પોલીસકાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ દબાણકર્તાઓને માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો આપવામાં આવી હતી.
જોકે તેમણે આધાર પુરાવા રજૂ ન કરતાં આજે મનપાની જગ્યા ખાલી કરવા અંદાજિત 70થી વધુ કાચાં-પાકાં મકાનો, 3 ધાર્મિક સ્થાન અને રિઝર્વ પ્લોટમાં થયેલાં દબાણો અંદાજિત 16,500 ચોરસમીટર જગ્યા પર 2 ડમ્પર અને 4 જેસીબીની મદદથી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં ફાયર ટીમ, PGVCL ટીમ અને 60થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભાવનગરમાં તંત્રનું દબાણ મુક્તિ અભિયાન હેઠળ નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરનાં દબાણો પર બુલડોઝર ફર્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતાં ભંગારની દુકાનો, ગેરકાયદે ગેરેજ અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ હતી.
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલૂમ મદરેસા આવેલી છે. આ મદરેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 7થી 8 રૂમો, રહેણાકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું. જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલાં દબાણો દૂર કરાયાં છે.

