Gondal/ મોવિયાના મી. નટવરલાલ દંપતીએ રાજકોટની બંધન બેંકમાં જમીન ગીરવે મૂકી લોન લઈ છેતરપિંડી કરી બેંકને 71.41 લાખનો ચૂનો ચોપડ્યો

વર્ષ 2018 સુધી હપ્તા રેગ્યુલર ભર્યા, બાદમાં હપ્તા ન આવતા અધિકારી ખાલી જગ્યાનો કબજો લેવા ગયા ને ભાંડો ફૂટ્યો

Gujarat
Untitled 91 મોવિયાના મી. નટવરલાલ દંપતીએ રાજકોટની બંધન બેંકમાં જમીન ગીરવે મૂકી લોન લઈ છેતરપિંડી કરી બેંકને 71.41 લાખનો ચૂનો ચોપડ્યો

રાજકોટની બંધન બેંક સાથે રૂ.71,41,500ની છેતરપિંડી મામલે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બેંકમાંથી લોન લઇ ગીરવે મુકેલી જમીન પર દુકાનો ઉભી કરી બારોબાર વેચી નાખનાર ગોંડલ તાલુકાના મોવિયા ગામના પટેલ વિદ્યાલય મોવીયાના સંચાલક દંપતી સહીત ત્રણ સામે ગુનો નોંધાયો છે. બંધન બેંકના મેનેજર બળદેવભાઇ નરસિંહભાઈ ગોઠીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ તાલુકાના મોવિયા ગામના નટવરલાલ જીવાભાઈ ભાલાળા તેની પત્ની શર્મીલાબેન નટવરલાલ ભાલાળા અને નરેન્દ્રભાઇ જીવાભાઇ ભાલાળાનું નામ આપ્યું છે.

2011માં જમીન ગીરવે મૂકી 47 લાખની લોન લીધી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ બંધન બેંક રાજકોટનું મુખ્ય કામ થાપણો લેવાનું અને ધિરાણ આપવાનું છે. આરોપીઓને પટેલ વિદ્યાલય મોવીયાના વિકાસ માટે મૂડીની જરૂરિયાત ઉભી થતા 1 એપ્રિલ 2011ના રોજ લોન લઈ ત્રણેયના સંયુક્ત નામે મોવીયા ગામે રેવન્યુ સર્વે નંબર 896/1 પૈકી એ આ 1-38 ગુઠા રહેણાંક હેતુના બિનખેતીના પ્લોટ નંબર 17થી 25 મળી કુલ પ્લોટ 9 જેનું કુલ ક્ષેત્રફળ 1554 વાર હતી. આ પ્લોટ મિલકત સિક્યુરિટી તરીકે રજૂ કરતા બેંકના અધિકારી દ્વારા રજૂ કરેલા ડોક્યુમેન્ટ વેરિફાઇ કરવામાં આવ્યા હતા. બાદમાં મિલકત ક્લિયર અને ભોગમુક્ત હોવાની ખાતરીયુક્ત હતા. બેંકે અરજદાર પાસેથી રજિસ્ટર્ડ મોર્ગેજ ડીડ નં. 129/2015. 26-02-2011થી કરી આપતા બંધન બેંક રાજકોટ ખાતે મૂકી 47 લાખ રૂપિયા લોન આપી હતી. જેના પેટે લીધેલા અને અસલ રજીસ્ટર દસ્તાવેજ બેંકના કબ્જામાં રાખેલા હતા.

આરોપીઓ 2018 સુધી રેગ્યુલર હપ્તા ભરતા હતા લોન અરજદાર તરફથી 2018 સુધી લોનના હપ્તા રેગ્યુલર ભર્યા છે અને આ હપ્તાની કુલ રકમ રૂ.41.44 લાખ ભરપાઇ કરી છે. ત્યારબાદ 2018થી હપ્તા ભરવાનુ બંધ કરતા આ બાબતે બેંક તરફથી નોટિસ અને રૂબરૂ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં હપ્તા નહીં ભરતા બેંક તરફથી સિક્યુરિટી પેટે ગીરવે મુકેલ મિલકતની જપ્તી અંગે રાજકોટ કલેક્ટરના હુકમ બાદ -30-6-2021ના રોજ મિલકતનો કબ્જો મેળવવા ગોંડલ મામલતદાર સાથે સ્થળ ઉપર જતા બેકમાં ગીરવે મુકેલા પ્લોટ નંબર 21થી 25 પૈકીની જગ્યા પર શોપિંગ બનાવી દુકાન બનાવી નાખ્યાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે તપાસ કરતા લોન લેનાર નટવરલાલ ભાલાળાએ શોપિંગ બનાવી દુકાનોનું વેચાણ કરેલાનું જાણવા મળ્યું હતું. આ અંગે તપાસ કરતા પ્રતિવાદી ગીરવે મુકેલી મિલકત વેચાણ કરવા સક્ષમ ન હોવા છતાં વેચાણ રજીસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી દીધી છે.

મુદલ અને વ્યાજ સહિત રૂ.71,41,500 ભરવાના બાકી આ અંગે સબ રજીસ્ટ્રાર કચેરી ગોંડલ ખાતે તપાસ કરાવતા સુર્યપ્રતાપગઢના જયેશભાઇ પરબતભાઇ વડુકીયા, કાંતિભાઇ ગંગદાસભાઇ ચાંગેલા, મયુર લીલાધર ફીચડીયા, ભુપતભાઇ ભીમજીભાઇ રાંક, ચંદુભાઇ ઘેલાભાઇ ભાલાળા, જેન્તીભાઈ સવજીભાઈ ભાલાળાને બેંકની મંજૂરી વગર મિલકત વેચાણ કરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. મિલકત ઉપર લીધેલી લોન મુદલ અને વ્યાજ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ.71,41,500 ભરવાના બાકી હોય ત્યારે નટવરલાલ તેની પત્ની શર્મીલાબેન અને નરેન્દ્ર રાજકોટની બંધન બેંક સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોય આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે