ઘોર બેદરકારી/ વાસણાની ટાંકી અંગે મ્યુનિ. કડકમાં કડક પગલાં લે

વાસણાની પીવાના પાણીની ટાંકીમાં ધુબાકા દેતા કિશોરોની બહાર આવેલી ગંભીર ઘટનાએ મ્યુનિ. તંત્રને હચમચાવી દીધું છે. શહેરના નાગરિકોને ધ્રાસ્કો પડ્યો છે. કોન્ટ્રાકટર માના ટેક્નોની ઘોરબેદરકારી અને એન્જિનિયર જીગ્નેશ પઢીયારની ઢીલી નીતિ સામે કડક પગલાં લેવા માંગણી ઉઠી છે. આ વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના શહેર પ્રમુખ અમિત શાહે લખેલા પત્રને ગંભીરતાથી લેવો જોઈએ. સિધ્ધપુરની પાણી ટાંકીમાંથી નીકળતા પાઇપમાંથી લવિનાના શરીરના નીકળેલા ટુકડાઓ બાદ પણ તંત્ર સચેત નથી થતું તે બાબત આશ્ચર્ય જ નહીં આઘાતજનક પણ છે. સલામતી ની દ્રષ્ટિએ આ બાબત ગંભીરતાથી લેવાવી જોઈએ, કોઈ આતંકવાદી ઘટના બને તો શું? તમામ પાસા વિચારવા જેવા છે.

Gujarat Mantavya Exclusive
AMC

પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાસણાને પીવાના પાણીનો જથ્થો પૂરો પાડતી જવાહર નગર પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં આસપાસમાં ઝુંપડાના સ્થાને ફ્લેટ બનેલા છે, તેના રહીશોના સંતાનો સ્વિમિંગ પૂલ બનાવી ધુબાકા દેતા હોવાની અભૂતપૂર્વ વિગતો ભાજપના શહેર પ્રમુખ, પૂર્વ મેયર અને આ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહે પ્રકાશમાં લાવતા સમગ્ર શહેરમાં હલચલ મચી ગઈ છે. આ છોકરાઓ ઘણી વખત ઓવરહેડ ટેન્ક પર પણ જોવા મળતા હોવાનું બહાર આવ્યું છે.

સલામતીની દ્રષ્ટિએ આ બાબત અત્યંત ગંભીર છે. અગાઉ કમિશનર શ્રી એમ થેનારાસને પણ રાઉન્ડ દરમ્યાન  કોન્ટ્રાક્ટરોની અને જેની સુપર વિઝનની જવાબદારી છે, તેવા એન્જિનિયરોની બેદરકારી પકડી ત્યારે આવા જ ઉચ્ચારણો કર્યા હતા. કોઈ આતંકવાદીઓ આવી પોલમપોલ અને ઘોરબેદરકારીનો લાભ લઇ લે તો કેટલી ગંભીર ઘટના સર્જાઈ શકે એ બાબતની કલ્પના જ કંપારી છુટે તેવી છે.

આ પંપીંગ સ્ટેશનનો કોન્ટ્રાક્ટર માના ટેકનોનો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અહીં સુપરવિઝનની જેમની જવાબદારી છે તે આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર જીગ્નેશ પઢીયારની હોવાનું બહાર આવ્યું છે.કોન્ટ્રાક્ટરે રાઉન્ડ ધી ક્લોક બે કર્મચારીઓને પંપીંગ સ્ટેશન પર રાખવાના હોય છે નાણા વધુ રળી લેવા માણસો નહીં રાખીને ઘોરબેદરકારી સેવવામાં આવી છે. આ બાબતની ફરતી થયેલી વિડીયો અને જવાબદાર ભાજપના ધારાસભ્યએ લખેલા પત્રથી આપોઆપ જ સાબિત થઈ જાય છે.

ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સની જાહેરાતો કરતા હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી દેવા જોઈએ અને એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જોકે સતાધારી પક્ષના જ કેટલાક કોર્પોરેટરો આ કોન્ટ્રાક્ટર સાથે ભળેલા હોવાથી બચાવવા દોડશે, તેવી હવા પણ મ્યુનિ. વર્તુળોમાં ઊભી થઈ ગઈ છે. જો કે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલની ગણતરી એક કડક ચેરમેન તરીકે થતી હોવાથી કડક પગલાં તો લેવાશે જ તે નક્કી વાત છે.

બીજી તરફ ચોમાસામાં રોડ અને સોસાયટીઓમાં ભરાતા પાણી ઉતારવા પંપો ચલાવવામાં આવે છે તેમાં પણ લાલિયાવાડી ચાલે છે શારદા પંપીંગ સ્ટેશનમાં ભારે વરસાદ વખતે ત્રણના બદલે માત્ર એક જ પંપ ચાલતો હતો. આ પંપીંગ સ્ટેશનની મુલાકાત પણ ચાલુ વરસાદે ધારાસભ્યએ લીધી હતી. જવાબદાર એન્જિનિયરો કેમ રાઉન્ડ લેતા નથી તે સવાલ અનુત્તર છે.

પાણી ખાતાના કેટલાક રીઢા અને કુખ્યાત એન્જિનિયરો ટેન્ડરોની ઘાલમેલમાં માહિર ગણાય છે. અંદરખાને તેમની ભાગીદારી કે રોકાણ આવા કોન્ટ્રાક્ટરની કામગીરીમાં હોય છે. આવા નામો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. બદલી થયા પછી પણ તેઓ દૂધેશ્વરની ત્રિજ્યામાં કોઈપણ રીતે ગોઠવાઈ જાય છે. આવા ગોઠવણખોર એન્જિનિયરોને ઉચ્ચ અધિકારીઓની ઓફિસોનું પીઠ અને કેટલાક રાજકારણીઓ સાથેનો ઘરોબો તેમને બચાવી લેતો હોય છે. સરવાળે સહન કરવાનો વારો આવે છે, ટેક્સ ભરાતા પ્રજાજનોનો!

આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી