Lifestyle News : કૃષ્ણ જન્માષ્ટમી (Janmashtami)ના બીજા દિવસે સમગ્ર દેશમાં ‘નંદ મહોત્સવ’ (Nand Mahotsav)નો પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ અવસરે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંદિરોમાં શ્રીઠાકોરજીને ‘પતરાળી’ (અથવા પતરાલી) નામનો અત્યંત વિશિષ્ટ અને પરંપરાગત રાજભોગ સમર્પિત કરવામાં આવે છે. આ વાનગીની ખાસિયત એ છે કે તે આખા વર્ષમાં માત્ર એક જ વાર તૈયાર થાય છે, જેમાં 50 થી વધુ પ્રકારના વિવિધ મોસમી શાકભાજી અને વિવિધ પ્રકારના ભજીયાઓનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે.
Nand Mahotsav : પતરાળી ભોગ પાછળનો પૌરાણિક ઈતિહાસ
આ પવિત્ર ભોગ સાથે દ્વાપર યુગની એક સુંદર લોકકથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ગોકુળમાં કાનુડાનો જન્મ થયો, ત્યારે કાનુડાના આગમનના હરખમાં ગોકુળના તમામ ગોવાળો અને ગ્રામજનો પોતાના ખેતરોમાંથી તાજા શાકભાજી ભેટ સ્વરૂપે નંદબાબા અને માતા યશોદા માટે લાવ્યા હતા. માતા યશોદાએ પ્રેમભાવથી આ તમામ શાકભાજી ભેગા કરીને એકસાથે રાંધી લીધા હતા અને બીજા દિવસે ભગવાનને તેનો થાળ ધરાવ્યો હતો. ત્યારથી જ આ પરંપરા ‘નંદ મહોત્સવ’ના દિવસે પતરાળી ભોગ તરીકે ઉજવાતી આવી છે.
પતરાળી શાક (PatraliRecipe)બનાવવાની જરૂરી સામગ્રી:
મિક્સ શાકભાજી: 500 ગ્રામ (ઝીણા સમારેલા)
લીલી ભાજી મિશ્રણ: 250 ગ્રામ (ધોઈને સમારેલી)
ટામેટું: 1 નંગ (સમારેલું)
આદુ-મરચાની પેસ્ટ: 1 ટેબલ સ્પૂન
મસાલા: 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણાજીરું, 1/2 ટી સ્પૂન હળદર, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, 1 ટી સ્પૂન ચાટ મસાલો
વઘાર માટે: 1/2 ટી સ્પૂન જીરું, 1/2 ટી સ્પૂન હિંગ, લીમડો અને તેલ (જરૂર મુજબ)
સ્વાદ અનુસાર: ખાંડ (1 ટી સ્પૂન), લીંબુનો રસ (અડધા લીંબુનો), મીઠું અને ગાર્નિશિંગ માટે લીલી કોથમીર.
બનાવવાની સરળ રીત:
સૌથી પહેલા તમામ શાકભાજી અને ભાજીને બરાબર ધોઈને ઝીણાં સમારી લો.એક કઢાઈ કે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને કઢીપત્તાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલા શાકભાજી, આદુ-મરચાની પેસ્ટ, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.કઢાઈ પર પાણી ભરેલી થાળી ઢાંકીને ધીમા તાપે શાકને ચડવા દો. શાક બરાબર ચડી જાય એટલે તેમાં સમારેલી લીલી ભાજી અને ટામેટાં ઉમેરી મિક્સ કરો. ફરીથી થોડીવાર ઢાંકીને ચડવા દો. ત્યારબાદ લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરી બરાબર સાંતળી લો.અંતમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી એક મિનિટ માટે સાંતળો. ગેસ બંધ કરી ઉપરથી તાજી કોથમીર ભભરાવો. તૈયાર છે પવિત્ર અને સ્વાદિષ્ટ પતરાળીનું શાક!
આ પણ વાંચો :કિચનમાં ફરતા વંદા અને માખીઓ પહોંચાડી શકે છે હોસ્પિટલ! FSSAI એ આપી મોટી ચેતવણી
આ પણ વાંચો :બ્રેકફાસ્ટમાં બનાવો ઓટ્સ અપ્પમ…સ્વાદમાં લાજવાબ…વેટ લૉસ જર્નીમાં મદદગાર રેસિપી..!
આ પણ વાંચો :ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? નાળિયેર તેલમાં મિક્સ કરો આ ૩ વસ્તુઓ, વાળ બનશે મજબૂત
