નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)ના ટોચના બે અધિકારી આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના ધમાસાણના પડઘા શાંત પડયા નથી ત્યાં વધુ એક ચોંકાવનારો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે.
આલોક વર્મા તથા અસ્થાનાને ફરજીયાત રજા પર ઉતારી દેવાના એક દિવસ પુર્વે જ IDBI બેંક સાથે 600 કરોડના ગોટાળામાં સંડોવાયેલા એરસેલના પુર્વ માલિક સાથે CBIના અન્ય એક સીનીયર અધિકારીએ મુલાકાત કરી હતી.
ફાઈવસ્ટાર હોટલમાં CBIના એક અધિકારી અને એરસેલના પુર્વ માલિક વચ્ચે થઇ મુલાકાત
મળતી માહિતી મુજબ, એરસેલના પુર્વ માલિક સી.શિવશંકરન સાથે સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર કક્ષાના અધિકારીએ કોઈ ફાઈવસ્ટાર હોટલમાં મુલાકાત કરી હતી. જો કે આ પ્રકારની મુલાકાત એ CBIના નિયમોની વિરુદ્ધ છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈ અધિકારી સાથે મુલાકાત કરવાની હોવાથી એરસેલના પૂર્વ માલિક શિવશંકરને પોતાની ઓળખ છુપાવી હતી અને જુદી ઓળખ સાથે બેઠક કરી હતી.
શિવશંકરન સામે લાગુ કરવામાં આવી છે લૂકઆઉટ નોટીસ
એરસેલના પુર્વ માલિક એવા ઉદ્યોગપતિ શિવશંકરન સામે ગત મે મહિનામાં લૂકઆઉટ નોટીસ જારી કરવામાં આવી હતી તેના આધારે તેમને વિદેશ જવા પર પ્રતિબંધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લુકઆઉટ નોટીસ ધરાવનાર વ્યક્તિની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં સીબીઆઈ અધિકારી એરસેલના માલિક સાથેની મુલાકાત એ યોગાનુયોગ ન જ હોઈ શકે.
શિવશંકરને ખાનગી મુલાકાત કર્યાનો સાફ ઈન્કાર
જો કે એરસેલના પુર્વ વડા શિવશંકરને સીબીઆઈ અધિકારી સાથે કોઈ ખાનગી મુલાકાત કર્યાનો સાફ ઈન્કાર કર્યો હતો. પરંતુ ચેતવણી કરી હતી કે, સત્તાવાર મુલાકાત હતી. સીબીઆઈ તરફથી જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓએ કયા દિવસે આ બેઠક થઈ તે યાદ ન હોવાનો પણ દાવો કર્યો છે.
ફાઈવસ્ટાર હોટલના રૂમ નંબર ૯૦૧માં થઇ મુલાકાત : સૂત્ર
એરસેલના પુર્વ વડા પાસે હવે વિદેશી નાગરિકતા છે. સૂત્રોના કહેવા પ્રમાણે શિવશંકરન દિલ્હીની ફાઈવસ્ટાર હોટલના રૂમ નંબર ૯૦૧માં હતા, ત્યારે સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર કક્ષાના અધિકારીએ રૂમમાં મુલાકાત કરી હતી. આ જ દિવસે સીબીઆઈના હેડકવાર્ટર પર પણ શિવશંકરને હાજરી આપી હતી
બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાક્રમ સરકારને વધુ એક વખત કફોડી હાલતમાં મુકી શકે તેમ છે. કારણ કે શિવશંકરન પર આઈડીબીઆઈ બેંક સાથે 600 કરોડના કૌભાંડ આચરવાનો આરોપ છે. આ કેસમાં બેંકને મેનેજિંગ ડાયરેકટર સહિતના સિનીયર અધિકારીઓના નામ શામેલ છે.
મહત્વનું છે કે, CBIમાં મચેલા આંતરિક ધમાસાણને કારણે મોદી સરકાર ભીંસમાં છે, ત્યારે આ જ સમયે વધુ એક સીનીયર અધિકારની રહસ્યમય મુલાકાત સરકાર સામે આંગળી ચિંધે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.