ફાઈનાન્શિયલ રીઝોલ્યુશન એન્ડ ડીપોઝીટ ઇન્શ્યોરન્સ (FRDI) બીલ સરકારે લોકસભામાંથી પાછું ખેચી લીધું છે. આ બીલનાં બેલ ઇન ક્લોઝથી દેશભરમાં વિવાદ સર્જાયો હતો. લોકોમાં અફવા ફેલાય ગઈ હતી કે જો બેંક ડૂબે તો એને બચાવવા માટે એમની ડીપોઝીટનો ઉપયોગ થશે.
બેંક ગ્રાહકોના ડીપોઝીટ પર આ FRDI બીલ લાવવામાં આવ્યું હતું. આ બીલ સરકારે ઓગસ્ટ 2017માં લોકસભામાં રજુ કર્યું હતું. નાણામંત્રીનો ચાર્જ સંભાળતા પીયુષ ગોયલએ સંસદની સંયુક્ત સમિતિને કહ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે બીલનાં બેલ ઇન ક્લોઝ પર ઉઠેલા સવાલ બાદ બીલને પરત લઈએ છીએ અને આના પર ફરી ચર્ચા કરવામાં આવશે.
આ બીલનાં એક પ્રસ્તાવથી દેશભરના તમામ ડીપોઝીટર્સ માં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. બેલ ઇન ક્લોઝને કારણે લોકોને એવું લાગતું હતું કે જો બેંક ડૂબે તો લોકોના ડીપોઝીટથી બેંકને બચાવવામાં આવશે. આ સિવાય ડીપોઝીટ ઇન્શ્યોરન્સ કવરને લઈને પણ લોકોમાં ચિંતા હતી.
આ બીલમાં કહેવામાં આવ્યું હતું કે જો બેંક ડૂબે તો પ્રસ્તાવિત કોર્પોરેશન ડીપોઝીટ ઇન્શ્યોરન્સ નો અમુક લિમીટ સુધી ઉપયોગ કરશે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે કેટલા રૂપિયા ઉપયોગ કરવામાં આવશે.
અત્યારે ગ્રાહકોને એક લાખ રૂપિયા સુધીની ડીપોઝીટ પર ઇન્શ્યોરન્સ મળે છે. મતલબ બેંક ડૂબવાની સ્થિતિમાં લોકોનાં આ પૈસા સુરક્ષિત રહેશે. આને કારણે પૈસા જમા કરનાર લોકોમાં ડર ફેલાઈ ગયો હતો કે જો બેંક ડૂબશે તો સરકાર એમનાં પૈસા લઈને બેંકને બચાવશે. પરંતુ હવે FRDI બીલને પરત લઈને સરકારે ડીપોઝીટર્સ ના મનમાં જે ભય હતો એને દૂર કરી દીધો છે.