2019ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર રૂપે જાહેર નહિ કરે. પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી ચિદમ્બરમે આ વાત જણાવી હતી. એમણે જણાવ્યું કે, રાહુલ જ નહિ, અન્ય કોઈ પણ વ્યક્તિના નામની ઘોષણા કરવામાં નહિ આવે.
ચિદમ્બરમે કહ્યું કે, અમે ક્યારે પણ નથી કહ્યું કે, રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનવા માંગે છે. જયારે કેટલાક નેતાઓએ આવી વાત કરી હતી, ત્યારે એઆઈસીસીએ એમાં દખલ કરતા, એમને એવી વાત ન કરવા કહ્યું હતું. અમે ભાજપને સત્તાની બહાર કરવા માંગીએ છીએ. અમે એક વૈકલ્પિક સરકાર બનાવવા માંગીએ છીએ, જે પ્રોગ્રેસિવ હોય, વ્યક્તિની આઝાદીનું સમ્માન કરે, ટેક્સ ટેરરીઝમને ન વધારે, મહિલાઓ અને બાળકોને સુરક્ષા આપે અને ખેડૂતોની સ્થિતિમાં સુધાર કરે.
જણાવી દઈએ કે, કોંગ્રેસ લાંબા સમયથી ક્ષેત્રીય પાર્ટીઓને એકજુથ કરવાની કોશિશમાં લાગેલી છે. જેથી 2019માં એક મજબૂત વિપક્ષ રૂપે ભાજપનો સામનો કરી શકે. કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગે છે. પરંતુ ક્ષેત્રીય પાર્ટીઓમાં આ બાબતે અલગ-અલગ મત છે.