દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર આજથી જ લાગુ થઇ જશે. એસબીઆઇએ એફડી વ્યાજદરોમાં 0.05-0.10 ટકાનો વધારો કર્યો છે. એક કરોડથી ઓછી જમા રકમ પર એસબીઆઇએ ફિક્સ ડિપોઝિટ રેટ વધાર્યા છે.
એક વર્ષથી ત્રણ વર્ષ સુધી જમા કરવામાં આવેલી રકમ પર આ વ્યાજ દર વૃદ્ધિનો લાભ મળશે. એક વર્ષથી બે વર્ષ સુધી જમા કરવામાં આવેલી રકમ પર અત્યાર સુધી 6.7 ટકા વ્યાજ મળી રહ્યું હતું, જે વધીને 6.8 ટકા થશે. આ જ રીતે બે વર્ષથી ત્રણ વર્ષ સુધી જમા થયેલી રકમ પર અત્યાર સુધી 6.75 ટકા દરથી વ્યાજ મળી રહ્યું હતું, જે હવે વધારીને 6.8 ટકા કરી દેવામાં આવ્યો છે.
વરિષ્ઠ નાગરિકો માટે પણ વ્યાજ દરોમાં પરિવર્તન કરવામાં આવ્યો છે. જેમાં એક વર્ષથી લઈને 2 વર્ષ સુધી જમા થયેલી રકમ માટે વ્યાજ 7.2 ટકાથી વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે. આવી જ રીતે બે વર્ષથી ત્રણ વર્ષ માટે જમા કરવામાં આવેલી રકમ માટે વ્યાજ દર 7.25થી વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે.